અમદાવાદમાં ગયા મહિને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ખાલિસ્તાન સંગઠન દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હુમલાની ધમકી આપવામાં આવી હતી. હવે ખાલિસ્તાની ધમકીના આ કેસમાં પોલીસે ઉત્તર પ્રદેશના એક નગરમાંથી ઇલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત કર્યાં છે. પોલીસે આ મામલે જુનૈદ અને રિહાના નામના બે વ્યક્તિઓની અટકાયત પણ કરી લીધી છે.
During further investigation into the case, we got info about a similar network and today with the help of local police, we seized 3 SIM boxes, routers & mobile phones from a house in UP's Modinagar town. We detained those who were present in the house & they are being… pic.twitter.com/1J1jOhxvLH
— ANI (@ANI) April 1, 2023
ACP અમદાવાદ જિતેન્દ્ર યાદવે જણાવ્યા મુજબ, “પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ આલ્બનીઝની મુલાકાત અગાઉ 8 માર્ચે ઘણા લોકોને પ્રિ-રેકોર્ડેડ કોલ્સમાં ધમકી મળ્યા બાદ 9 માર્ચે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે મધ્ય પ્રદેશમાંથી 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં વધુ તપાસ હાથ ધરતાં અમને આવા પ્રકારના નેટવર્કની માહિતી મળી હતી. શનિવારે સ્થાનિક પોલીસની મદદથી અમે યુપીના મોદીનગર શહેરના એક મકાનમાંથી 3 સિમ બોક્સ, રાઉટર્સ અને મોબાઈલ ફોન્સ જપ્ત કર્યા હતા. મકાનમાં હાજર લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.”
દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, અમદાવાદ ATS આ કેસની તપાસ કરતી ઉત્તર પ્રદેશના મેરઠ પહોંચી હતી. અહીંથી તેમણે જુનૈદ નામના એક શખ્સને હિરાસતમાં લીધો હતો. પૂછપરછમાં જુનૈદે જણાવ્યું હતું કે ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ગાઝિયાબાદના મોદીનગરના બિસોખર ગામમાંથી સંચાલિત થાય છે. પોલસીએ ગાઝિયાબાદ પોલીસને સાથે રાખીને જુનૈદની બહેન રિહાનાના ઘરે દરોડા પાડ્યા હતા. અહીં ઘરના બીજા માળે ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ચાલતું મળી આવ્યું હતું. આ જ એક્સચેન્જથી કૉલ ડાયવર્ટ કરીને અમદાવાદમાં ધમકી આપવામાં આવી રહી હતી.
પોલીસે મોટી સંખ્યામાં મોબાઈલ સિમ, સેટેલાઇટ ફોન, 6 મોબાઈલ, ડિવાઇસ અને મશીનો સહિતનાં ઉપકરણો જપ્ત કર્યાં છે. હાલ બંને આરોપીઓને ગુજરાત ATS લઈને અમદાવાદ આવવા રવાના થઇ છે.
શીખ ફોર જસ્ટિસ તરફથી મળી હતી ધમકી
9 માર્ચે ખાલિસ્તાની સંગઠને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હુમલો કરવાની ધમકી આપી હતી. તે સમયે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી હતી જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બનીઝ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ આઠમી માર્ચે પણ પ્રિ-રેકોર્ડેડ કોલ્સ દ્વારા હજારો ગુજરાતી મોબાઈલ યુઝર્સને ધમકી આપવામાં આવી હતી. તેમાં અવાજ શીખ ફોર જસ્ટિસ ચીફ ગુરપતવંત સિંઘ પન્નુનો હતો.
ખાલિસ્તાની ધમકીના આ કોલમાં 2020-21માં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરતા શીખ ખેડૂતોના મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ માટે તેમણે કેન્દ્ર સરકારના નેતાઓને જવાબદાર ગણ્યા હતા અને ધમકી આપી હતી કે હવે તેઓ કેન્દ્ર સરકારને છોડશે નહીં. આ ઉપરાંત, ટ્વિટર પર આ મામલે ટ્વીટ્સ પણ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત ડીજીપી અને અન્ય મીડિયા સંસ્થાઓને ટેગ કરીને સ્ટેડિયમમાં હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. પછીથી અમુક અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
મધ્ય પ્રદેશના રેવામાંથી બે શકમંદો પકડાયા હતા
ખાલિસ્તાનીઓએ સિમ બોક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ધમકીભર્યા કોલ્સ કર્યા હતા. સિમ બોક્સ બહારના દેશોમાંથી કરવામાં આવેલા વોઇસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ કોલને લોકલ મોબાઈલ નેટવર્ક કોલ્સમાં રૂપાંતરિત કરે છે. પ્રિ-રેકોર્ડેડ કોલ્સમાં લોકોને ‘ઘરે રહેવા’ ચેતવણી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે પ્રો-ખાલિસ્તાની શીખો નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેશે અને ખાલિસ્તાની ફ્લેગ લગાવશે. આ મામલે બે ખાલિસ્તાન સમર્થકોની મધ્ય પ્રદેશના રેવામાંથી ધરપકડ કરવામાં આવી હતી અને 13 સિમ બોક્સ પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.