Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ નેતા પવન ખેડાની ‘તપસ્યા’: રાહુલ ગાંધીની સરખામણી ભગવાન રામ સાથે કરી,...

    કોંગ્રેસ નેતા પવન ખેડાની ‘તપસ્યા’: રાહુલ ગાંધીની સરખામણી ભગવાન રામ સાથે કરી, અગાઉ પાર્ટીએ ઉઠાવ્યા હતા રામના અસ્તિત્વ પર સવાલ

    પવન ખેડાએ ગુરુવારે (30 માર્ચ, 2023) એક ટ્વિટ કરીને કહ્યું કે, ‘જરા વિચારો.. પ્રભુ રામે જો ઘર ન છોડ્યું હોત તો રાક્ષસોનો અંત થઇ શક્યો હોત?’

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દિવસો હમણાં સારા ચાલી રહ્યા નથી. પહેલાં તેમને એક માનહાનિના કેસમાં સજા થઇ પછી લોકસભાનું સભ્યપદ રદ થઇ ગયું અને હવે તેમને સરકારી નિવાસસ્થાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ, કોંગ્રેસ નેતાઓ આ સમયે સતત ગાંધી પરિવાર અને ખાસ કરીને રાહુલ ગાંધી પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરવાના પ્રયાસો કરતા રહ્યા છે. તાજા ભૂતકાળમાં જ આવા એક-બે કિસ્સાઓ બની ગયા. 

    તાજું ઉદાહરણ કોંગ્રેસ નેતા પવન ખેડાનું છે. પવન ખેડા આમ તો એ પાર્ટીમાંથી આવે છે જેની સરકારે એક સોગંદનામું દાખલ કરીને સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ભગવાન રામનું અસ્તિત્વ હોવાના કોઈ ઐતિહાસિક પુરાવા મળતા નથી. પરંતુ તાજા કિસ્સામાં પવન ખેડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સરખામણી ભગવાન રામ સાથે કરી નાંખી હતી. 

    પવન ખેડાએ ગુરુવારે (30 માર્ચ, 2023) એક ટ્વિટ કરીને કહ્યું કે, ‘જરા વિચારો.. પ્રભુ રામે જો ઘર ન છોડ્યું હોત તો રાક્ષસોનો અંત થઇ શક્યો હોત?’

    - Advertisement -

    અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભાની હાઉસિંગ કમિટી તરફથી તેમનું 12 તુઘલક, લેન ખાતેનું સરકારી આવાસ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. રાહુલે 22 એપ્રિલ સુધીમાં આ ઘર ખાલી કરી દેવું પડશે. તેમને આ ઘર 2004માં ફાળવવામાં આવ્યું હતું, જ્યારે તેઓ પહેલી વખત ઉત્તર પ્રદેશના અમેઠીથી ચૂંટાઈને સાંસદ બન્યા હતા. છેલ્લાં 19 વર્ષથી તેઓ આ જ ઘરમાં રહે છે, પરંતુ સુરતની કોર્ટ દ્વારા માનહાનિ કેસમાં 2 વર્ષની સજા સંભળાવવામાં આવ્યા બાદ તેમનું સાંસદપદ રદ થઇ ગયું, જેના કારણે હવે તેમણે ઘર પણ ખાલી કરવું પડશે. 

    કોંગ્રસ નેતા પવન ખેડા તેમની ‘તપસ્યા’માં એટલા આગળ નીકળી ગયા કે તેમણે રાહુલ ગાંધીની સરખામણી ભગવાન રામ સાથે કરી નાંખી હતી. રાહુલ ગાંધીએ ઘર છોડવું પડી રહ્યું છે તે ઘટનાને તેમણે સીધી ભગવાન રામના જીવન સાથે સરખાવી દીધી અને વચ્ચે રાક્ષસોનો નાશ પણ લઇ આવ્યા. ટૂંકમાં તેમનો ઈશારો એ તરફ હોય શકે કે જે રીતે રાક્ષસોનો વધ કરવા માટે ભગવાન રામે ઘર છોડવું પડી રહ્યું હતું એ જ રીતે રાહુલ ગાંધીએ ઘર છોડવું પડી રહ્યું છે.

    પવન ખેડા અને તેમની ‘તપસ્યા’ 

    મે, 2022માં વિવિધ રાજ્યોની રાજ્યસભા ચૂંટણી માટેની યાદીમાં પોતાનું નામ ન જોઈને પવન ખેડા નારાજ થઇ ગયા હતા અને પીડા ટ્વિટર ઉપર ઠાલવી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘કદાચ મારી તપસ્યામાં કંઈક ખામી રહી ગઈ.’ 

    પવન ખેડાનું ટ્વિટ

    જોકે, તાજેતરમાં તેમણે આ ટ્વિટ બદલ પાર્ટીની માફી માંગી લીધી હતી. તાજેતરમાં રાહુલ ગાંધીના ડિસ્ક્વોલિફિકેશન બાદ યોજાયેલ એક સભામાં પવન ખેડાએ કહ્યું હતું કે, “હું તમારા બધાની માફી માંગવા માંગું છું. મેં સ્વાર્થના કારણે જ્યારે મને રાજ્યસભા બેઠક ન મળી તો લખ્યું હતું કે, ‘શાયદ મેરી તપસ્યા મેં કુછ કમી રહ ગઈ.’ પરંતુ હવે હું રાહુલ ગાંધીને જોઉં છું કે તેઓ પદ પરથી દૂર રહીને પણ તપસ્યા ચાલુ રાખી રહ્યા છે. તેનાથી મોટું શું હોય શકે?” તેમણે આગળ કહ્યું કે, મને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તરફથી પ્રેરણા મળી છે. આ સંઘર્ષ કરવાનો સમય છે, અવાજ ઉઠાવવાનો સમય છે. સત્તા હોય કે ન હોય, આપણે લડીશું અને જીતીશું.”

    જોકે, પછીથી પવન ખેડાને કોંગ્રેસ પાર્ટીના કોમ્યુનિકેશન વિભાગના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. હાલ તેઓ આ પદ ઉપર કાર્યરત છે. 

    વર્ષો સુધી કોંગ્રેસ ઉઠાવતી રહી રામના અસ્તિત્વ પર સવાલ 

    આજે પરિસ્થિતિ જરા જુદી છે, હિંદુત્વની ચર્ચા થાય છે, ભગવાન રામની આરાધના થાય છે, તેમનું મંદિર બની રહ્યું છે. જેથી હિંદુઓના મતો મેળવવા માટે રાજકારણીઓ સવાયા હિંદુવાદી બનવાના કે તેમના નેતાઓને ભગવાન રામ સાથે સરખાવવાના પ્રયાસો કરે તે સમજી શકાય છે. પરંતુ આ જ પાર્ટીએ અગાઉ વર્ષો સુધી ભગવાન રામના અસ્તિત્વ પર સવાલો ઉઠાવ્યા હતા અને તેમના અસ્તિત્વને નકારી પણ કાઢ્યું હતું. 

    2007માં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ એક સોગંદનામામાં કોંગ્રેસ સરકારે જણાવ્યું હતું કે, ‘વાલ્મિકી રામાયણ અને રામચરિતમાનસ પ્રાચીન ભારતીય સાહિત્યના મહત્વના ભાગો ગણી શકાય પરંતુ તેમાં દર્શાવેલી ઘટનાઓ અને પાત્રોના અસ્તિત્વને સમર્થન કરતા કોઈ ઐતિહાસિક પુરાવાઓ પ્રાપ્ત થતા નથી.’

    જોકે, કોંગ્રેસે રાહુલ ગાંધીને રામ સાથે સરખાવ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. અગાઉ પણ આવા કિસ્સાઓ બની ચૂક્યા છે. જાન્યુઆરી, 2019માં બિહારના પટનામાં કોંગ્રેસ દ્વારા આયોજિત જન આકાંક્ષા રેલી માટેનાં પોસ્ટરોમાં રાહુલ ગાંધીને ભગવાન રામના રૂપમાં દર્શાવવામાં આવ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં