કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીને એક માનહાનિના મામલામાં સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે. તેના જ આધારે તેમનું સાંસદપદ પણ રદ કરવામાં આવ્યું છે. જેને લઈને રાહુલના સમર્થનમાં પાર્ટી અને તેના નેતાઓ યેનકેન પ્રકારે વિરોધ દર્શાવી રહ્યા છે. આ તમામ ઘટનાઓ દરમિયાન લગભગ તમામ સમાચારોમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસની જ ખબરો ચાલી રહી છે. તેવામાં ન્યુઝ ચેનલ આજતક (AajTak)ના એંકર સુધીર ચૌધરીએ તેમના એક શૉમાં રાહુલ ગાંધી વિશે વાત કરતાં એક કોંગ્રેસ નેતાએ પત્રકાર સુધીર ચૌધરીને નોટિસ મોકલી કોર્ટમાં ઘસડી જવાની ધમકી આપી હતી.
અહેવાલો અનુસાર જે કોંગ્રેસ નેતાએ આજતકના એંકર સુધીર ચૌધરીને નોટીસ મોકલી કોર્ટમાં ઘસડી જવાની ધમકી આપી છે તેમનું નામ શ્રીનિવાસ બી.વી છે. વાસ્તવમાં સુધીર ચૌધરીએ તેમના શોમાં એક વાત કરતા કહ્યું હતું કે, “બીજાના ગુનાઓ ગણાવીને રાહુલ ગાંધીના ગુના ઓછા નહિ થઈ જાય.” તેમના આ નિવેદન બાદ શ્રીનિવાસ અને સુધીર ચૌધરી વચ્ચે ટ્વિટરવૉર પણ જામ્યું હતું. નોટીસમાં કહેવામાં આવ્યું છે કે સુધીર ચૌધરીના તે વિડીયોને ચેનલ તેમના તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દે અને એક માફી માંગતો વિડીયો બનાવીને તમામ પ્લેટફોર્મ સાથે ટ્વિટર પર પણ શેર કરે.
આ નોટિસની કોપી કોંગ્રેસ નેતાએ પોતે જ ટ્વિટર પર શેર કરી હતી અને સુધીર ચૌધરીને ટેગ કરીને લખ્યું હતું કે, ‘પત્રકારત્વનાં માપદંડો અને મૂલ્યોનું ઉલ્લંઘન કરવા બદલ આ રહી ‘બ્લેક એન્ડ વ્હાઇટ નોટિસ.’ સાથે તેમણે કહ્યું કે, તેઓ સુધીર ચૌધરીને કોર્ટમાં જોઈ લેશે. ઉલ્લેખનીય છે કે સુધીર ચૌધરી આજતક ઉપર જે કાર્યક્રમનું એન્કરિંગ કરે છે તેનું નામ ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ છે.
Dear @sudhirchaudhary ji.
— Srinivas BV (@srinivasiyc) March 26, 2023
Here is a Black & White Legal Notice for your Highly offensive & defamatory news video violating all journalism ethics and norms.
See you in court! @IYCLegalCell https://t.co/PHkpxELKhd pic.twitter.com/n51KOsA4et
કોંગ્રેસ નેતાના આ ટ્વિટ પર સુધીર ચૌધરીએ પણ કમેંટ કરીને પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું અને કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર છું.
પત્રકાર સુધીર ચૌધરી આટલે જ નહોતા અટક્યા પણ પોતાના આધિકારિક એકાઉન્ટ પરથી કોંગ્રેસ નેતાના નોટીસવાળા ટ્વીટને રિટ્વિટ કરીને પણ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસી નેતા શ્રીનિવાસ બી.વી ના ટ્વીટના જવાબમાં સુધીર ચૌધરીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘હું સત્ય બોલું છું અને દેશ માટે બોલું છું. અંતિમ શ્વાસ સુધી સત્યના રસ્તે જ ચાલીશ.’
मैं सच्चाई बोलता हूं, देश की ख़ातिर बोलता हूं। और आखिरी दम तक सच के रास्ते पर ही चलूंगा। https://t.co/iHdgDbSTHD
— Sudhir Chaudhary (@sudhirchaudhary) March 26, 2023
ઉલ્લેખનીય છે કે 2019માં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ‘મોદી સમાજ’ પર એક ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતના ધારાસભ્ય અને ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. ચાર વર્ષ સુધી સુનાવણી ચાલ્યા બાદ કોર્ટે ગુરુવારે (23 માર્ચ, 2023) કેસમાં ચુકાદો આપ્યો હતો અને રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા તેમજ 2 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ સજા બાદ શુક્રવારે રાહુલ ગાંધીનું સંસદીય સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું. જેને લઈને કોંગ્રેસ વિરોધ પ્રદર્શનો કરીને રાહુલ ગાંધી માટે સહાનુભૂતિ ઉઘરાવવાના પ્રયાસો કરી રહી છે ત્યાં સોમવારે લોકસભાની હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને એક નોટિસ મોકલીને તેમનું સરકારી આવાસ ખાલી કરવા માટે આદેશ આપ્યો હતો. રાહુલે એક મહિનાની અંદર 12, તુઘલક લેન ખાતેનું તેમનું ઘર ખાલી કરવાનું રહેશે.