8 માર્ચના દિવસે પોતાના બે વર્ષના સગા દીકરાને બોથડ હથિયારથી માર મારીને મોતને ઘાટ ઉતારનાર હુસેના હવે મગરના આંસુ સારી રહી છે. તેણે પોતાના પ્રેમી સાથેના પ્રેમસંબંધમાં દીકરો અવરોધરૂપ થતો હોવાથી તેની હત્યા કરી હતી.
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ હાલ હુસેના અને તેના પ્રેમી ઝાકીર બંનેને પુછપરછ માટે સુરેન્દ્રનગર બી ડિવિઝન લાવવામાં આવ્યા હતા. જ્યાં આ કળયુગી મા જોર જોરથી રડીને પોતાના પ્રેમી ઝાકીરને કોસતી સાંભળવા મળી હતી.
તે કહી રહી હતી, “મારું બાળકય લઈ લીધું અને મને દુનિયાની સામે બદનામ કરી નાખી, જીવવા લાયક ન રાખી ટકા, તારું કંઈ ભલું નહીં થાય, તને જીવડા(પ્રેમીને સંબોધીને) પડશે ટકા, તને જીવડા પડશે…દુનિયામાં આવો બદલો કોઈ નહોતું લેતું એવો બદલો લીધો છે.”
બેરહેમીથી માર મારીને લીધો હતો માસુમનો જીવ
આ મહિનાની શરૂઆતમાં અહેવાલ મળ્યા હતા કે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાના પતિથી અલગ થઈને પોતાના પ્રેમી સાથે રહેતી એક પરિણીતાએ પ્રેમસંબંધમાં નડતરરૂપ થતા પોતાના બે વર્ષના સગા દીકરાને પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
અહેવાલો મુજબ મૂળ સાવરકુંડલા અને હાલ વઢવાણ પોતાના પ્રેમી સાથે રહેતી માતા હુસેના વાઘેરના લગ્ન આઠ વર્ષ પહેલાં સાવરકુંડલા ખાતે સલીમભાઈ રફાઈ સાથે થયા હતા અને બન્નેના લગ્નજીવન દરમિયાન બે સંતાનોમાં મોટો પુત્ર (4 વર્ષ) અને નાનો પુત્ર આર્યન (ઉમર 2 વર્ષ) હતા. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઘરકામ સહિતની બાબતે ઝઘડા તેમજ બોલાચાલી થતી હતી. આથી છેલ્લા 3 વર્ષથી હુસેના બન્ને બાળકોને લઈને પિયર રાજકોટ રહેવા જતી રહી હતી.
છેલ્લા દોઢ-બે મહિનાથી હુસેના પ્રેમી જાકિર અને નાના પુત્ર આર્યન સાથે વઢવાણ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. પ્રેમી અને માતા બન્ને અવારનવાર પુત્ર આર્યનને મારમારતા હતા. પુત્ર રડતો હોય કે જીદ કરે તો બંને પ્રેમીઓને તે ખટકતો હતો.
આમ પોતાના પ્રેમસંબંધમાં નડતરરૂપ બની જતા માતા પ્રેમી સાથે મળીને અવારનવાર આર્યનને માર મારતી હતી. 8 માર્ચે હુસેનાએ અને પ્રેમી જાકિરે આર્યનને બોથડ હથિયાર વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આર્યને સારવાર માટે રાજકોટ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.
પતિને શંકા જતા હત્યાનો ભાંડો ફૂટ્યો
પુત્રની અંતિમવિધિ માટે પિતા સલીમભાઇને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે મૃત દીકરાના શરીરના પીઠ, પેટ અને પીઠના ભાગે લાલ તથા કાળા કલરના ડાઘના નિશાન જોઈને આ અંગે ડોકટરને જાણ કરી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને આર્યનનું મોત માર મારવાથી થયું હોવાનું ખુલ્યું હતું.
આથી સલીમે પુત્રની હત્યા અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા નીપજાવનાર માતા હુસેના વાઘેર અને પ્રેમી જાકીર ફકીરને ઝડપી પાડ્યા હતા. બંનેએ હત્યાની કબૂલાત કરતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.