કર્ણાટકમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે, ત્યારે દરેક પક્ષોના નેતાઓ દ્વારા એક બીજા પર શાબ્દિક હુમલાઓ વધુ ધારદાર બની રહ્યા છે. દરેક પક્ષના દેશભરના નેતાઓ હાલમાં કર્ણાટકની રાજકીય યાત્રા કરી રહ્યા છે. તેવા જ ભાજપાના વરિષ્ઠ નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ ગત રોજ કર્ણાટક એક રેલીને સંબોધવા પહોચ્યા હતા. ત્યારે તેમણે બાબરી મસ્જિદ માટે એક નિવેદન આપ્યું છે.
મળતી માહિતી અનુસાર, આસામના મુખ્યમંત્રી અને ભાજપા નેતા હિમંતા બિસ્વા કર્ણાટકના કનકગિરીમાં ભાજપા દ્વારા આયોજિત ‘વિજય સંકલ્પ’ રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે બાબરી મસ્જિદ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્ય હતું કે “આપણે કોઈ પણ સંજોગોમાં ભાજપને જ જીતાડવાની છે. કારણકે આપણે બાબરી મસ્જિદ નથી જોઈતી પરંતુ રામ મંદિર જોઈએ છે.” જો કે સુપ્રીમ કોર્ટે રામજન્મ ભૂમિ પર ચુકાદો આપી દીધો છે. હાલમાં ત્યાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. આ નિવેદનથી ભારતીય રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.
આ સિવાય પણ ભાજપા નેતા હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી બાબતે કહ્યું હતું કે “જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી છે, ત્યાં સુધી વડાપ્રધાન બનવાનું ભૂલી જ જાય.” આ સિવાય રાહુલ ગાંધીની વિદેશ યાત્રા બાબતે પણ તેમણે આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે “નરેન્દ્ર મોદીજી જયારે પણ વિદેશમાં જાય છે ત્યારે દેશનું નામ વધારે છે અને રાહુલ ગાંધી જયારે પણ વિદેશમાં જાય છે ત્યારે વિદેશની ધરતી પર દેશનું અપમાન કરે છે.”
ભારત જોડો યાત્રા બાબતે પણ તેમણે કટાક્ષ કરતા કર્યું હતું કે “રાહુલ ગાંધી ભારત જોડો નહીં પરંતુ ભારત તોડોનું કામ કરી રહ્યા છે.” તમને જણાવી દઈએ કે હાલમાં જ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની પુર્ણાહુતી થઇ હતી. જેમાં આખા ભારતમાં તમને કથિત રીતે પદ યાત્રા કરી હતી. જેમાં દેશના વિવિધ લોકો જોડાયા હતા. આ યાત્રામાં મેઘા પાટકર અને કનૈયા કુમાર જેવા લોકો જોડતા વિવાદો પણ થયા હતા અને વિરોધ પક્ષે આને ત્યારે જ ભારત તોડો યાત્રા કહી હતી.
જો કે રાહુલ ગાંધી હાલમાં જ વિદેશ યાત્રા કરી છે, જેમાં તેમણે ભારતમાં લોકશાહી નથી તેવો આરોપ મુક્યો હતો. તેમજ યુરોપ અને અમેરિકાને કહ્યું હતું કે તમે લોકો કેમ દખલ કરતા નથી? તેવી અપીલ કરી હતી. આ નિવેદનને લઇને ભાજપ હુમલાવર થયું છે.