Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમેરિકાના માથે તોળાતું બેન્કિંગ સંકટ: સિલિકોન વેલી બાદ વધુ એક બેન્કને તાળાં...

    અમેરિકાના માથે તોળાતું બેન્કિંગ સંકટ: સિલિકોન વેલી બાદ વધુ એક બેન્કને તાળાં લાગ્યાં, અસ્થાયી રૂપે બંધ કરાઈ

    ક્રિપ્ટોકરન્સીમાં જોખમને જોતાં આ બેન્ક અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ન્યૂયોર્કની એક ક્ષેત્રીય બેન્ક છે. 

    - Advertisement -

    અમેરિકાનું બેન્કિંગ સેક્ટર હાલ ચર્ચામાં છે. ત્રણ દિવસ પહેલાં યુએસ રેગ્યુલેટર્સે દેશની 16મી મોટી બેન્ક સિલિકોન વેલી બેન્ક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. હવે ક્રિપ્ટો ફ્રેન્ડલી ગણાતી સિગ્નેચર બેન્ક પણ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. 

    આ બેન્ક પાસે ક્રિપ્ટોકરન્સીનો સ્ટોક હતો. ક્રિપ્ટોકરન્સીમાં જોખમને જોતાં આ બેન્ક અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ન્યૂયોર્કની એક ક્ષેત્રીય બેન્ક છે. 

    ન્યૂયોર્કના સ્ટેટ ફાયનાન્સ સર્વિસ ડિપાર્ટમેન્ટ અનુસાર, ફેડરલ ડિપોઝીટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા સિગ્નેચર બેન્કને પોતાના નિયંત્રણમાં લઇ લેવામાં આવી છે. ગત શુક્રવારે જ આ બેન્કના શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. યુએસ ટ્રેઝરી વિભાગ અને બેન્ક ઓથોરિટીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, ટેક્સપેયર્સના માથે કોઈ પણ નુકસાન નાંખવામાં આવશે નહીં. 

    - Advertisement -

    ન્યૂયોર્ક બેન્કિંગ ઓથોરિટી દ્વારા બેન્કના રિસીવર તરીકે FDICની નિયુક્તિ કરવામાં આવી છે. આઠમી માર્ચની સ્થિતિએ બેન્કમાં 89.17 અબજ યુએસ ડોલર રકમ જમા હતી. જ્યારે ન્યૂયોર્ક સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઑફ ફાયનાન્સિયલ સર્વિસીસ અનુસાર, 31 ડિસેમ્બર 2022 સુધીમાં બેન્ક પાસે 110.36 અબજ ડોલરની સંપત્તિ હતી. 

    સિગ્નેચર બેન્ક એ ન્યૂ-યોર્કમાં આવેલી એક કમર્શિયલ બેન્ક છે. આ ઉપરાંત તેની શાખાઓ કેર્લિફોર્નિયા, નેવાડા, નોર્થ કોરોલિના સહિતનાં શહેરોમાં પણ આવેલી છે. તે કમર્શિયલ રિયલ એસ્ટેટ અને ડિજિટલ એસેટ બેન્કિંગ સાથે પણ જોડાયેલી છે. બેન્કની એક ચતુર્થાંશ કરતાં વધુ ડિપોઝીટ ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રમાંથી આવે છે. જોકે, બેંકે ડિસેમ્બરમાં કહ્યું હતું કે તે ક્રિપ્ટો સબંધિત ડિપોઝીટને 8 બિલિયન ડોલર જેટલી ઘટાડી દેશે. 

    અમેરિકી બેંકો પર તોળાઈ રહેલા જોખમને જોતાં આજે એક ઇમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે. સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્કની અસર અમેરિકાની અન્ય બેંકો ઉપર ન પડે તે માટે આજે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા એક બેઠક યોજવામાં આવશે. જેમાં બેન્કિંગ સંકટનો સામનો કરવા માટેની ચર્ચા કરવામાં આવશે. 

    બીજી તરફ, આ સંકટને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સોમવારે એક રાષ્ટ્રજોગ સંબોધન કરવા જઈ રહ્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ આ ગડબડ પાછળ જેમનો હાથ હોય તે લોકોને જવાબદાર ઠેરવવા તથા મોટી બેંકોના નિયમન અને નિરીક્ષણ માટેના પ્રયાસો ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ ન ઉદ્ભવે. 

    ત્રણ દિવસ પહેલાં જ સિલિકોન વેલી બેન્ક બંધ થઇ ગઈ હતી 

    ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં જ અમેરિકાની 16મી મોટી બેન્ક સિલિકોન વેલી બેન્કને તાળાં લગાવી દેવામાં આવ્યાં હતાં. આ બેન્ક ટેક કંપનીઓ અને વેન્ચર કેપિટલના રોકાણવાલી કંપનીઓને નાણાકીય મદદ કરનારી પ્રમુખ અમેરિકી બેન્ક છે. જોકે, છેલ્લા 18 મહિનામાં અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજના દરોમાં વધારો કરવાના કારણે આવી કંપનીઓને સારું એવું નુકસાન થયું છે. બીજી તરફ વધુ જોખમના કારણે રોકાણકારો પણ ટેક કંપનીઓ પ્રત્યે બહુ રસ દાખવી રહ્યા નથી. આ પરિસ્થિતિઓને જોતાં રેગ્યુલેટર્સે બેન્ક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં