હિંદુ ઉત્સવોનો ધર્મ છે. અહીં તહેવારો માત્ર ધાર્મિક મહત્વની દ્રષ્ટિએ જ ઉજવવામાં નથી આવતા પરંતુ આનંદ અને ઉલ્લાસ સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. એક તરફ ધાર્મિક પ્રથાઓ અનુસરવામાં આવે છે તો બીજી તરફ દાયકાઓથી ચાલતી આવેલી પરંપરા જાળવી રાખતાં ધામધૂમથી ઉજવણી થાય છે. ઉત્તરાયણથી લઈને છેક દિવાળી સુધીનો દરેક નાનો-મોટો તહેવાર આ બાબતની સાબિતી આપે છે. આવો જ એક તહેવાર એટલે હોળી.
હોળી ભારતના વિવિધ પ્રદેશોમાં ભિન્ન-ભિન્ન રીતે ઉજવવામાં આવે છે. વ્રજની હોળી આજે પણ આખા દેશમાં આકર્ષણ બની રહે છે. મથુરા અને વૃંદાવનમાં ધામધૂમથી હોળી ઉજવવામાં આવે છે. પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્રથી માંડીને તમિલનાડુ અને ઉત્તર પૂર્વનાં રાજ્યો સુધી- તમામ સ્થળોએ હોળીની ઉજવણી જુદા-જુદા નામે અને જુદા-જુદા પ્રકારોએ કરવામાં આવે છે.
ધાર્મિક-પુરાતન ગ્રંથોમાં હોળીનો ઉલ્લેખ
હોળીના પર્વનો ઉલ્લેખ પુરાતન ધાર્મિક પુસ્તકોથી માંડીને શિલાલેખો અને પ્રાચીન ચિત્રોમાં જોવા મળે છે. નારદ પુરાણ અને ભવિષ્ય પુરાણ જેવા ગ્રંથોમાં હોળીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો વિંધ્ય ક્ષેત્રોમાં આવેલા સેંકડો વર્ષો જૂના શિલાલેખોમાં પણ આ પર્વને ટાંકવામાં આવ્યું છે.
પ્રાચીન કાળના સંસ્કૃત સાહિત્યમાં હોળીનાં અનેક સ્વરૂપોનું વર્ણન જોવા મળે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં રસોના સમૂહ રાસનું વર્ણન છે. અન્ય રચનાઓમાં ‘રંગ’ નામના ઉત્સવનું વર્ણન જોવા મળે છે. આ ગ્રંથોમાં હર્ષની પ્રિયદર્શિકા, રત્નાવલી અને કાલિદાસની કુમારસંભવમ્ અને માલવિકાગ્નિમિત્રમ્ પણ સામેલ છે. કાલિદાસ રચિત ઋતુસંહારમાં ‘વસંતોત્સવ’નું વર્ણન છે.
હિન્દી સાહિત્યમાં પણ હોળીનાં અનેક વર્ણનો જોવા મળે છે. ચંદ બરદાઈ રચિત હિન્દી ભાષાના પ્રથમ મહાકાવ્ય ‘પૃથ્વીરાજ રાસો’માં પણ હોળીનું વર્ણન જોવા મળે છે.
આ ઉપરાંત, પ્રાચીન ભીંતચિત્રો અને સદીઓ જૂનાં પ્રાચીન મંદિરોની દીવાલો ઉપર હોળીના ઉત્સવનાં ચિત્રો જોવા મળે છે. વિજયનગરની રાજધાની હમ્પીના 16મી શતાબ્દીના એક ચિત્રમાં હોળીની ઉજવણી કરતાં પાત્રો જોવા મળે છે. જેમાં રાજકુમારો અને રાજકુમારીઓને હોળી રમતાં દર્શાવવામાં આવ્યાં છે. 16મી સદીના જ અન્ય એક ચિત્રમાં રાજપરિવારના દંપતીને બગીચામાં ઝૂલતા અને સેવકોને નૃત્ય-ગીત અને રંગોમાં વ્યસ્ત બતાવવામાં આવ્યા છે. મધ્યકાલીન ભારતીય મંદિરોનાં ભીંતચિત્રો અને આકૃતિઓમાં પણ હોળીનાં ચિત્રો તેની પ્રાચીનતા વિશે ખ્યાલ આપે છે.
અન્ય પંથ-મઝહબોમાં પણ હોળી એટલી જ લોકપ્રિય હતી
એ પણ નોંધનીય છે કે એક સમયે આ પ્રસિદ્ધ તહેવાર માત્ર હિંદુ ધર્મમાં નહીં પરંતુ અન્ય પંથો-મઝહબોમાં પણ એટલો જ લોકપ્રિય રહ્યો છે. ભારતના અનેક ઇસ્લામી કવિઓએ પોતાની રચનાઓમાં એ બાબત આલેખી છે કે હોલિકાત્સવ માત્ર હિંદુ જ નહીં પરંતુ અન્ય મઝહબોમાં પણ મનાવવામાં આવતો હતો. એટલું જ નહીં, મુઘલ શાસકોના સમયે પણ હોળીની ઉજવણીના ઉલ્લેખો જોવા મળે છે.
મુઘલ શાસક અકબર તેની રાણીઓ સાથે અને જહાંગીર નૂરજહાં સાથે હોળી રમતા હોવાના વર્ણનો ઉપલબ્ધ છે. અલ્વરના એક મ્યુઝિયમમાં સંગ્રહવામાં આવેલા એક ચિત્રમાં જહાંગીરને હોળી રમતો બતાવવામાં આવ્યો હતો. શાહજહાંના સમયમાં પણ હોળી એટલી જ પ્રસિદ્ધ હતી તો ત્યારે હોળીને ‘ઈદ-એ-ગુલાબી’ અને ‘આબ-એ-પાશી’ જેવા નામથી પણ ઓળખવામાં આવતી. અંતિમ મુઘલ શાસક બહાદુરશાહ જફર માટે પણ કહેવાય છે કે અંતિમ દિવસોમાં તેમના મંત્રીઓ તેમને હોળી પર રંગો લગાવવા માટે જતા હતા.