બે દિવસ પહેલાં કેરળમાં મીડિયા સંસ્થા એશિયાનેટની ઑફિસ પર સરકારમાં સામેલ CPI-Mની વિદ્યાર્થી પાંખ SFIના કાર્યકરોએ હુમલો કર્યા બાદ આજે કેરળ પોલીસ પણ મીડિયાની ઓફિસે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
#BREAKING Days after SFI hooliganism, Kerala Police conducts searches at @AsianetNewsML Kozhikode office #AsianetNewsTargetted #AttackOnAsianetNews
— Asianet Newsable (@AsianetNewsEN) March 5, 2023
Read: https://t.co/DP1BNEP62U pic.twitter.com/pFcWzZ3EQj
એશિયાનેટના ટ્વિટર અકાઉન્ટ પરથી આ બાબતની જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે SFIની ગુંડાગીરીના થોડા દિવસો બાદ કેરળ પોલીસે તેમની કોઝિકોડ સ્થિત ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તસ્વીરમાં બે પોલીસકર્મીઓ જોવા મળે છે.
રિપોર્ટ અનુસાર, પોલીસ અધિકારીએ મીડિયા સંસ્થાના કર્મચારીઓને જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ સર્ચ વોરન્ટ નથી અને તપાસ પોલીસના વિશેષાધિકારના ભાગરૂપે કરવામાં આવી રહી છે. પોલીસની ટીમે ન્યૂઝ ડેસ્ક અને વિડીયો એડિટિંગ ડેસ્ક પર તપાસ કરી હતી અને પત્રકારો અને ઑફિસ સ્ટાફના મોબાઈલ નંબર તેમજ સરનામાં મેળવવામાં આવ્યાં હતાં.
CPI-M સમર્થિત ધારાસભ્ય પી. વી અનવરની એક ફરિયાદના આધારે પોલીસ આ કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિધાનસભામાં ધારાસભ્ય અનવરને જણાવ્યું હતું કે પોલીસને એશિયાનેટ સામે 10 નવેમ્બરના રોજ એક ફરિયાદ મળી હતી. આ ફરિયાદમાં આરોપ લગાવવાયો છે કે મીડિયા હાઉસની ‘નાર્કોટિક્સ’ વિરુદ્ધની સિરીઝમાં એક 14 વર્ષીય છોકરીનો બનાવટી ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ કાર્યવાહીને લઈને એશિયાનેટે કહ્યું છે કે, કાર્યવાહીથી ડગ્યા વિના તેઓ તેમનું કામ ચાલુ રાખશે.
એક રિપોર્ટ અનુસાર, પિનરાઈ વિજયન સરકાર સતત બીજી વખત સત્તામાં આવી ત્યારથી રાજ્યમાં એશિયાનેટ ન્યૂઝને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. બહુ જાણીતી આ ચેનલ ઘણા સમયથી રાજ્ય સરકારની નિષ્ફ્ળતાઓને સામે લાવવાનું કામ કરતી રહી છે. આ જ ચેનલે ગોલ્ડ સ્મગલિંગ રેકેટની આરોપી સ્વપ્ના સુરેશ અને રાજ્ય સરકાર વચ્ચેનું નેક્સસ ખુલ્લું પાડ્યું હતું.
શુક્રવારે SFI કાર્યકરોએ એશિયાનેટની ઑફિસે હુમલો કર્યો હતો
અહીં ઉલ્લેખનીય છે કે શુક્રવારે (3 માર્ચ, 2023) સાંજે કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાની (CPI-M) વિદ્યાર્થી પાંખ SFI (સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા)ના 30 જેટલા કાર્યકરો મીડિયા સંસ્થા એશિયાનેટની કોચી સ્થિત ઑફિસ ખાતે ઘૂસી ગયા હતા અને ધમાલ મચાવી હતી. આ કાર્યકરોએ હુમલો કરીને નારાબાજી કરી તો કર્મચારીઓને ધમકાવ્યા હતા.
મીડિયા હાઉસે પોલીસને પણ જાણ કરી હતી પરંતુ પોલીસ આવે તે પહેલાં SFI કાર્યકરો ઑફિસની બહાર આપત્તિજનક પોસ્ટરો ચોંટાડીને ફરાર થઇ ગયા હતા. મામલાને લઈને એશિયાનેટના નિવાસી તંત્રી અભિલાષ નાયરની ફરિયાદના આધારે પોલીસે SFIના સભ્યો સામે IPCની કલમ 143, 147 અને 149 હેઠળ કેસ દાખલ કર્યો છે.
આ હુમલાના બે જ દિવસ બાદ હવે કેરળ પોલીસે એશિયાનેટની ઑફિસે જઈને સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.