આજે તેલંગાણા રાજ્યનો 8મો સ્થાપના દિવસ છે. ગુજરાતનાં ઘણા સમાચારપત્રોમાં મુખપત્ર પર આખું પાનું ભરીને TRS નેતા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) ના ફોટા સાથેની જાહેરાત જોવા મળી હતી. આ રીતે ગુજરાતમાં TRSનું આગમન થતાં ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયો છે.
આજે ભારતના સૌથી નવા બનેલ રાજ્ય તેલંગાણાનો 8મો સ્થાપના દિવસ છે. 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી છૂટા પડીને તેલંગાણા રાજ્યની રચના થઈ હતી. બંને રાજયોની રાજધાની હૈદરાબાદ જ છે. રાજ્યની રચનાથી હમણાં સુધી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) પાર્ટીના સ્થાપક એવા KCR જ રાજ્યના મુખ્યમંત્રી રહેલા છે. KCR ભૂતકાળમાં કોંગ્રેસ સરકારમાં 2004 થી 2006 દરમિયાન ભારતના શ્રમ અને રોજગાર મંત્રી રહી ચૂકેલા છે.
હવે જ્યારે આજે ગુજરાતનાં ઘણા ‘લોકપ્રિય’ સમાચારપત્રોમાં KCRની જાહેરાત જોઈને ઘણાને અજુગતું જરૂર લાગ્યું હશે કે તેલંગાણાની એક રાજકીય પાર્ટીના નેતા તથા મુખ્યમંત્રીની ગુજરાતમાં જાહેરાતોનો અર્થ શું? પરંતુ આની પાછળ લાંબો ઇતિહાસ છે, જે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું.
KCRની TRSને રાષ્ટ્રીય પાર્ટી બનાવવાની મહત્વાકાંક્ષાના ભાગરૂપે ગુજરાતમાં TRSનું આગમન
KCR તેલંગાણાને રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કરાવવા માટે તેલંગાણા ચળવળનું નેતૃત્વ કરવા માટે જાણીતા છે. જે બાદ તેલંગાણા રાજ્યની સ્થાપના થઈ અને KCR તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. હમણાં એપ્રિલ માહિનામાં જ ટીઆરએસના ધારાસભ્ય બાલ્કા સુમને સંકેત આપ્યા હતા કે તેમની પાર્ટી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.
KCR’s national aspirations set political circles abuzz @asrao2009 https://t.co/D9CUZOr11S
— Hindustan Times (@HindustanTimes) April 28, 2022
એપ્રિલ માહિનામાં ટીઆરએસ પાર્ટીના 21મા સ્થાપના દિવસની ઉજવણીને સંબોધતા, કેસીઆરએ કહ્યું હતું, “જે જરૂરી અને ઇચ્છનીય છે તે રાજકીય મોરચા નથી. આવા અનેક મોરચા આવ્યા, શું થયું? રાજકીય પુનર્ગઠન નહીં, વૈકલ્પિક એજન્ડાની જરૂર છે.” આમ સીએમએ સંપૂર્ણ ભારત માટે રાજકીય પક્ષ બનાવવાની સંભાવનાનો સંકેત આપતાં કહ્યું હતું કે ટીઆરએસને બીઆરએસ (ભારતીય રાષ્ટ્ર સમિતિ)માં રૂપાંતરિત કરવાના અનેક સૂચનો મળ્યા છે એમને.
તેમણે ત્રીજો મોરચો શરૂ કરવાના વિચારને પણ નકારી કાઢતા કહ્યું હતું કે, “ભારતને હવે જેની જરૂર છે તે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીને સત્તા પરથી હટાવવાના એકમાત્ર એજન્ડા સાથે રાજકીય મોરચા અથવા રાજકીય જોડાણની નથી. ભૂતકાળમાં ઘણા મોરચા આવ્યા અને ગયા. પરંતુ તેનો કોઈ ઉપયોગ થયો ન હતો.”
ટીઆરએસના ધારાસભ્ય બાલ્કા સુમને આ જ કાર્યક્રમમાં સંકેત આપ્યા હતા કે તેમની પાર્ટી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. “જો જરૂરી હોય તો, અમે ગુજરાતની ચૂંટણીમાં અમારી તાકાત બતાવીશું અને ભાજપને પાઠ ભણાવીશું,” તેમણે ઉમેર્યું હતું કે, KCRનો અંતિમ ઉદ્દેશ્ય નવા ભારતનું નિર્માણ કરવાનો છે.
KCRએ મોદીને કહ્યા હતા સંકુચિત અને ટૂંકી દ્રષ્ટીવાળા
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT) ખાતે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરની સ્થાપના અંગે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની જાહેરાત બાદ તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યો હતો કે તેઓ હૈદરાબાદમાં સ્થાપિત આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી કેન્દ્રને ગુજરાતના અમદાવાદમાં ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
PM Modi Narrow Minded Shortsighted Attempt to shift the International Arbitration Centre to Ahmedabad | CM Chandrashekar Rao pic.twitter.com/VZC58S2SlJ
— Rehana jafrey (@RehanaJafrey) February 2, 2022
ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે સંકુચિત અને ટૂંકી દૃષ્ટિ ધરાવતા વડા પ્રધાન મોદીએ આર્બિટ્રેશન સેન્ટરનું નેતૃત્વ કરનારાઓ પર અમદાવાદમાં સ્થળાંતર કરવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉની પ્રતિબદ્ધતાઓને લીધે તેમના પ્રયત્નો ફળીભૂત ન થયા હોવાથી, તેમણે ગુજરાત માટે સમાન કેન્દ્રની જાહેરાત કરી. તેમણે કહ્યું કે જો વડા પ્રધાન અને કેન્દ્રીય નાણા પ્રધાનમાં કોઈ ઉદારતા હોય, તો તેઓએ ઓછામાં ઓછું હૈદરાબાદમાં આવા પ્રથમ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્રની હાજરીને સ્વીકારવી જોઈતી હતી.
ગુજરાતમાં TRSનું આગમન કરાવવાના KCRના પ્રયત્નો
ગુજરાતનાં સમાચારપત્રોમાં છપાયેલ આજની KCRની જાહેરાતો એ કાઇ એમનો પહેલો પ્રયત્ન નથી ગુજરાતમાં TRSનું આગમન કરવવાનો. આ પહેલા પણ ગુજરાતનાં સુરતમાં આવો એક પ્રયત્ન થયો હતો.
તેલંગાણાના મુખ્ય પ્રધાન કે સી રાવના જન્મદિવસ પર, જે 17 ફેબ્રુઆરીએ હતો, તેમને શુભેચ્છાઓ આપતા વિશાળ બેનરો સુરતમાં જોવા મળ્યા હતા, જે તેમના એક અનામ સમર્થક દ્વારા મૂકવામાં આવ્યા હતા. KCR સીએમ બન્યા પછી આ પ્રથમ વખત છે કે આવા બેનરો સુરતમાં છ અલગ-અલગ સ્થળોએ જોવા મળ્યા હતા, જેમાં તેલંગાણાના લોકો સહિત સ્થળાંતરિત વસ્તીનું વર્ચસ્વ છે.
પ્રાદેશિક રાજકીય પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી ઘોષિત કરવા માટેના નિયમો
જો કેસીઆર સમગ્ર ભારતમાં રાજકીય પાર્ટી શરૂ કરવા માંગતા હોય તો તેમની સામે એક ઘણો મોટો પડકાર છે.
ભારતના ચૂંટણી પંચ મુજબ, પહેલાથી નોંધાયેલ પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપવામાં આવે છે જો તે ઓછામાં ઓછા ત્રણ અલગ અલગ રાજ્યોમાંથી લોકસભાની બે ટકા બેઠકો (11 સંસદીય બેઠકો) જીતે; અથવા કોઈપણ રાજ્ય અથવા રાજ્યોમાંથી ચાર લોકસભા બેઠકો જીતવા ઉપરાંત લોકસભા અથવા રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં ચાર રાજ્યોમાં ઓછામાં ઓછા છ ટકા મતો મેળવવો; અથવા જો તેને ચાર કે તેથી વધુ રાજ્યોમાં રાજ્ય પક્ષ તરીકે માન્યતા મળેલ હોય.
આમ માત્ર ટીઆરએસને બીઆરએસમાં ફેરવવાથી તે રાષ્ટ્રીય પક્ષ બની શકે નહીં. તેણે EC દ્વારા નિર્ધારિત કોઈપણ શરતોને પૂર્ણ કરવી પડશે. જો તેણે અન્ય રાજ્યોમાં બેઠકો જીતવી હોય તો તેને હજુ ઘણી લાંબી યાત્રા કરવાની છે, આખા દેશમાં વૈકલ્પિક એજન્ડા અમલમાં મૂકવું એ તો હજુ માત્ર દીવાસ્વપ્ન જ ઘણી શકાય.
અત્રે નોંધનીય છે કે ભારતના અને ગુજરાતનાં નાગરિકો હમણાં સુધી સમાચારપત્રોના મુખપત્ર પર માત્ર AAPના નેતાઓ, ભલે એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોય કે પંજાબના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભગવંત માન હોય, એમની જ જાહેરાતો જોવા ટેવાયેલો હતો. પરંતુ હવે ગુજરાતમાં TRSનું આગમન થતાં લાગે છે કે નાગરિકોએ હવે KCRની જુદી જુદી જાહેરાતો જોવાની આદત પણ પાડી દેવી પડશે.
ગુજરાત પહેલેથી જ દ્વિપક્ષીય રાજ્ય રહ્યું છે. સ્વતંત્રતા બાદ છેક ગઈ શતાબ્દીનાં છેલ્લા દાયકાના મધ્ય સુધી ગુજરાતમાં કોંગ્રેસનું લગભગ એકહથ્થુ શાસન રહ્યું હતું અને છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ ગુજરાતમાં સહુથી લોકપ્રિય પક્ષ રહ્યો છે. નાના-મોટા સ્થાનિક પક્ષોએ અહીં જન્મ લઈને બાળમરણનો અનુભવ પણ લઇ લીધો છે. તો રાષ્ટ્રીય પક્ષ જેવા કે એનસીપી વગેરે વિધાનસભાની ચૂંટણીઓમાં એક કે બે બેઠકોથી ક્યારેય આગળ વધી નથી. આમ આદમી પાર્ટી પણ લગભગ પાંચ વર્ષથી ગુજરાતમાં પોતાની જોર આજમયેશ કરી રહી છે પરંતુ 2021ની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એકાદ-બે વોર્ડ સિવાય તેને પણ ક્યાંય સમર્થન મળ્યું નથી.
દક્ષિણ ભારતમાં જેમ ઉત્તર ભારતમાં જોર ધરાવતી પાર્ટીઓને ખાસ સમર્થન નથી મળતું એમ ચંદ્રશેખર રાવની પાર્ટી જે દક્ષિણ ભારતીય છે એને ગુજરાતમાં અને એ પણ ભાજપના ગઢમાં સમર્થન મળી જશે એ કલ્પનાતીત વાત છે. ત્રણ પાનાં ભરીને ત્રણ ગુજરાતી દૈનિકોમાં જાહેરાત છપાવીને ખર્ચ કરવો એ અલગ વાત છે અને ગુજરાતી મતદારોની નાડ પારખવી એ અલગ. કદાચ નવેમ્બર અથવાતો ડિસેમ્બર માસમાં ચંદ્રશેખર રાવને તેનું ભાન જરૂર પડી જશે.