હોળીના તહેવાર પહેલાં ઉત્તર પ્રદેશના વિવિધ ઠેકાણે મસ્જિદો અને મજારોને ઢાંકવામાં આવી રહી છે. બીજી તરફ મુરાદાબાદમાં હોળી પહેલાં યોજવામાં આવેલી એક શાંતિ સભામાં મૌલાનાએ પોલીસ સામે જ રમખાણોની ધમકી આપી હોવાના અહેવાલો મળ્યા છે. જેનો વિડીયો પણ વાયરલ થયો છે અને એક કેસ પણ નોંધવામાં આવ્યો છે.
કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જરૂરી પગલાંના ભાગરૂપે હોળી પહેલા ઉત્તર પ્રદેશમાં મસ્જિદો અને મજારોને ઢાંકી દેવાનું કામ શરૂ થઈ ગયું છે. બીજી તરફ સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ સમિતિની બેઠકો યોજાઇ રહી છે. હોળીના અવસર પર નીકળનારી અલગ-અલગ શોભાયાત્રાઓને ધ્યાનમાં રાખીને મસ્જિદો અને મજારોને કવર કરવામાં આવી રહી છે, જેથી મસ્જિદો પર રંગ ન લાગે.
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં લાટ સાહેબની શોભાયાત્રા કાઢવામાં આવે છે. પોલીસ અને વહીવટી તંત્ર શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા કાઢવાની તૈયારીઓ કરી રહ્યા છે. શોભાયાત્રાના માર્ગમાં મસ્જિદો અને કબરોને પોલિથીનથી ઢાંકવામાં આવી રહી છે. શોભાયાત્રાના રૂટ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવી રહ્યા છે.
શોભાયાત્રા દરમિયાન મસ્જિદોને ઢાંકી દેવા બાબતે મુસ્લિમ સમાજ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, વિવાદથી બચવા માટે છેલ્લા 3 વર્ષથી મસ્જિદોને ઢાંકવાની પ્રથા ચાલી રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમાજના અગ્રણી લોકો અને પોલીસ ટીમ વચ્ચે જિલ્લાભરમાં શાંતિ સમિતિની બેઠકો પણ યોજાઇ રહી છે.
શું છે લાટ સાહેબની શોભાયાત્રા?
શાહજહાંપુરમાં અંગ્રેજોના કાળથી હોળીના દિવસે લાટ સાહેબની શોભાયાત્રા કાઢવામાં આવે છે. શરૂઆતમાં અંગ્રેજો સામે રોષ અને વિરોધ વ્યક્ત કરવા માટે આ સરઘસ કાઢવામાં આવ્યું હતું. આઝાદી પહેલા આ વિસ્તારના નવાબો પણ આ શોભાયાત્રામાં સામેલ થતા હતા. અંગ્રેજો ભારત છોડીને ગયા પછી પણ આ સરઘસ ચાલુ રહ્યું હતું. હવે એક વ્યક્તિને અંગ્રેજ અધિકારી બનાવીને સરઘસ કાઢવામાં આવે છે.
મુરાદાબાદમાં રમખાણોની ધમકી
બીજી તરફ મુરાદાબાદમાં યોજાયેલી શાંતિ સભા દરમિયાન એક મૌલાનાએ પોલીસ સામે જ રમખાણ કરવાની ધમકી આપી હતી. મુરાદાબાદમાં પોલીસ ટીમ મુસ્લિમ સમાજના લોકો સાથે પોલીસ સ્ટેશનમાં બેઠક કરી રહી હતી. આ દરમિયાન હોળી પર ગુંડાઓને કંટ્રોલ કરવાની વાત કરવામાં આવી હતી. દરેક જણ પોતપોતાની વાત રજૂ કરી રહ્યા હતા. ત્યારે બિલારીના મૌલાના સદાકત હુસેને રમખાણ કરવાની ધમકી આપી હતી.
સદાકત હુસૈને કહ્યું, “કોઈને હોળી રમવા માટે દબાણ ન કરે કે ન તો કોઈ પણ પ્રકારની મસ્તી કરે. એવું ન થવું જોઈએ કે બિલારીમાં ફરી હંગામો થાય, આવું અગાઉ પણ બે વાર થઈ ચૂક્યું છે. આ વખતે, હું તમને ચેતવણી આપું છું કે હુલ્લડ થશે.. અંધાધૂંધી સર્જાશે, પ્રશાસને સતર્ક રહેવું પડશે. જે ટીમોની રચના કરવામાં આવી છે, તેમના માટે સૂચના છે કે જે કોઈ પણ (મુસ્લિમ વિસ્તારોમાં) પસાર થાય તેના વિડીયો બનાવવા જોઈએ. નશામાં હોય કે પછી તે ગમે તે હોય, તે પોતાના માટે જવાબદાર રહેશે. તેને દંડ થવો જ જોઈએ. હું તેને કોઈ પણ ભોગે છોડીશ નહીં. દારૂ પીઓ, ઘરે રહો, સીધા સીધા નીકળો. જો મસ્જિદ કે દુકાન પર હુમલો થાય કે રંગ ઉડાડવામાં આવે તો તેનું ચલણ થવું જોઈએ, તેને જેલમાં મોકલવો જોઈએ. હું હમણાં મારી વાત પૂરી કરવા જઇ રહ્યો છું. “
पीस कमेटी की बैठक के दौरान एक व्यक्ति द्वारा आपत्तिजनक बयान देने के सम्बन्ध में थाना बिलारी पर अभियोग पंजीकृत किया गया है, अन्य विधिक कार्यवाही प्रचलित है । इस सम्बन्ध में वरिष्ठ पुलिस अधीक्षक @moradabadpolice की बाईट।#UPPolice pic.twitter.com/buDSM1Kzfe
— MORADABAD POLICE (@moradabadpolice) March 3, 2023
રમખાણોની ધમકી આપતો વીડિયો વાયરલ થયા બાદ મૌલાના સદાકત હુસૈને પણ માફી માંગી છે. અન્ય એક વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, તેમનો ઇરાદો કોઇ પણ ધર્મના તહેવારો પર નિવેદનો આપીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી.