પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી અને દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોની મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના પરિણામોમાં ભાજપે મોરચો સંભાળ્યો છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં પાર્ટી સતત આગળ વધી રહી છે. દરમિયાન ચૂંટણી પહેલા ભારત જોડો યાત્રાથી માહોલ ઉભો કરનાર કોંગ્રેસનો ત્રણેય રાજ્યોમાં ખરાબ રીતે પરાજય થયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર નાગાલેંડ અને અરુણાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપની જીત નોંધાઈ છે.
આવી જ રીતે પેટાચૂંટણીની વાત કરીએ તો આ વખતે 5 રાજ્યોમાં પેટાચૂંટણી યોજાઈ હતી. આમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં કોંગ્રેસ જીત્યું છે. જયારે મહારાષ્ટ્ર, નાગાલેંડ અને અરુણાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ છે, અ સિવાય મહારાષ્ટ્રના ચિંચવાડમાં પણ ભાજપ 36,000 મત સાથે વિજયી થયા છે. કસ્બા પેઠ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે જીત નોંધાવી છે.
ઝારખંડના રામગઢમાં યોજાયેલી પેટાચૂંટણીમાં NDAના પ્રત્યાશી સુનિતા ચૌધરીની 40,000 મતે જીત થઇ છે. તામિલનાડુના ઇરોડ વિધાનસભા મતવિસ્તારમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર ઇવીકેએસ ઇલાનગોવન વિજયી બન્યા છે.
આ વિસ્તારો ઉપરાંત અરુણાચલ પ્રદેશના લુમલામાં પણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. અહીં ભાજપના ઉમેદવાર શેરિંગ લ્હામુની સામે અન્ય કોઇ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ વિજયી થયા હતા. આ બેઠક તેમના પતિ જમ્બે તાશીના અવસાન બાદ ખાલી પડી હતી.
આવી જ રીતે નાગાલેન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડ્યા વગર જ જીત્યા હતા. જુન્હેબોટો જિલ્લામાં ભાજપના ઉમેદવાર ધારાસભ્ય કાઝેટો કિન્મીએ અકુલતો બેઠક પરથી બિનહરીફ જીત મેળવી હતી. જોકે શરુઆતમાં તે બિનહરીફ ન હતા. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન ખેક્ષે સુમીએ આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. જો કે ચૂંટણી પહેલા જ તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
આ સિવાય ઉત્તર-પૂર્વનાં રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો જાહેર થઇ ગયા છે. ત્રણમાંથી બે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવતી જોવા મળી રહી છે જ્યારે એક રાજ્ય મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા રચાશે તેમ જણાઈ રહ્યું છે. જોકે, અહીં પણ ભાજપ ગઠબંધન કરીને સરકાર મેળવી લેશે તેવું અનુમાન છે.
ત્રિપુરા ચૂંટણીમાં ભાજપે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે જ્યારે નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધન આગળ છે. મેઘાલયમાં ગણતરી પૂર્ણતાને આરે હોવા છતાં કોઈ પાર્ટી બહુમત નજીક પહોંચી નથી.