છેલ્લા ઘણા સમયથી દેશભરમાં બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ડાબેરીઓ અને લિબરલ્સ તેમને અપમાનિત કરવાના એક પછી એક મોકા શોધી રહ્યા છે તો સામે શાસ્ત્રી પોતાના ભક્તોના દુઃખ દૂર કરીને વધુને વધુ લોકચાહના મેળવી રહ્યા છે. હવે આ ધીરેન્દ્ર શાસ્ત્રી વિષે રાજકોટના એક કાર્યક્રમમાં પ્રશ્ન પૂછવામાં આવતા કથાકાર મોરારી બાપુએ જે જવાબ આપ્યો તે પણ હાલ સમાચારોમાં છવાયેલો છે.
અહેવાલો મુજબ રાજકોટમાં પત્રકારત્વ ભવનના સુવર્ણ જયંતીના કાર્યક્રમમાં કથાકાર મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે તેમણે આ પત્રકારોના સવાલોના જવાબ આપતી વખતે આ નિવેદન આપ્યુ હતુ. ધીરેન્દ્રશાસ્ત્રી વિશે પૂછાતા તેમણે કહ્યુ, ‘મને બહુ પરિચય નથી.’ જોકે મોરારી બાપુની જ રામ કથામાં 9 મહિના પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વક્તવ્ય આપ્યુ હતુ અને તેનો પણ એક વીડિયો સામે આવ્યો છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે બાપુને સવાલ; મોરારી બાપુએ કહ્યું, મને બહુ પરિચય નથી#TV9News pic.twitter.com/ad0vnOs1ii
— Tv9 Gujarati (@tv9gujarati) February 26, 2023
9 મહિના પહેલા બુંદેલખંડની રામકથામાં મોરારી બાપુ સાથે હતા ધીરેન્દ્ર શાસ્ત્રી
આજથી 9 મહિના પહેલા મધ્યપ્રદેશના બુંદેલખંડમાં મોરારી બાપુની રામકથા ચાલી રહી હતી. તે વખતે ત્યાં બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અતિથિ તરીકે હાજર રહ્યા હતા. એટલું જ નહિ તેઓએ મોરારી બાપુના વ્યાસપીઠ પાસે સ્ટેજ પર ઉભા રહીને પોતાનું વક્તવ્ય પણ આપ્યું હતું.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને પ્રણામ કરીને કહ્યું હતું કે, “જો હમણાં કોઈ યુગ તુલસી હોય કે કોઈ પ્રવર્તમાન તુલસી હોય તો એ માત્ર બાપુ જ છે.” સાથે જ તેઓએ મોરારી બાપુને મધ્યપ્રદેશના છત્તરપુર ખાતે આવેલ તેમના બાગેશ્વર ધામ ખાતે પધારીને હનુમાનજીના દર્શન કરવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.
નોંધનીય છે કે તે સમયે ધીરેન્દ્ર શાસ્ત્રી આટલા સમાચારોમાં નહોતા રહેતા કે તેમની સાથે કોઈ વિવાદ પણ જોડાયેલો નહોતો. પરંતુ માત્ર 9 મહિનામાં મોરારી બાપુ પોતાના સ્ટેજ પર આવેલ આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીને કઈ રીતે ભૂલી ગયા એ પણ વિચારવા જેવી વાત છે.
શું છે બાગેશ્વર ધામ?
મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ગાઢા ગામમાં આવેલું “બાગેશ્વર ધામ” જે સ્વયંભુ હનુમાનજીની દિવ્યતા માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. બાગેશ્વર ધામ એ અનેક તપસ્વીઓની દિવ્ય ભૂમિ છે, જ્યાં લોકો માત્ર દર્શન કરીને બાલાજી મહારાજની કૃપા અને આશીર્વાદ મેળવે છે.
અહીં બાલાજી મહારાજ એક અરજી દ્વારા તમારી સમસ્યા સાંભળે છે અને પીઠાધીશ્વર પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ દ્વારા તેનું નિરાકરણ કરે છે, જેમને વિશ્વ બાગેશ્વર ધામ સરકાર તરીકે સંબોધે છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હોય કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ હોય, બાગેશ્વર ધામમાં એક પછી એક મોટા ગજાના નેતાઓની લાઈન લગતી હોય છે.
એવું નથી કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને બાગેશ્વર ધામમાં આસ્થા ધરાવતા લોકો માત્ર સત્તાધારી પક્ષમાં જ છે. તેમનામાં વિશ્વાસ રાખનારાઓમાં વિરોધ પક્ષોના ઘણા નેતાઓ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓની આ યાદી ઘણી લાંબી છે. દરરોજ એક નવા નેતા બાબાના સમર્થનમાં ઉભા જોવા મળે છે. જોકે બાબાની ટીકા કરનારા નેતાઓની કમી નથી.