ભાવનગરમાં એક યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. અહીં સિહોરના એક મુસ્લિમ યુવકે યુવતીને ધમકી આપીને સુરત જતી ટ્રાવેલ્સમાં બેસાડી લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું અને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. સિહોર પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.
પીડિત યુવતીએ સિહોરના આદિલ મજીદ મલેક નામના ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે FIR દાખલ કરી છે. યુવતીએ આદિલ પર તેની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર કરવાની અને લગ્ન કરવા માટે દબાણ કરીને ના પાડવા પર જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, ગત 17 ફેબ્રુઆરીએ રાત્રે આઠ વાગ્યાના અરસામાં આદિલે યુવતીને ફોન રીને બીજા દિવસે સવારે બહાર જવાનું છે તેમ કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે યુવતી આદિલે કહેલી જગ્યાએ પહોંચી હતી. જ્યાં તે પણ આવ્યો હતો અને બાઈક પર બેસાડી લઈને ગારિયાધાર જવા માટે જણાવ્યું હતું.
યુવતીએ ગારિયાધાર જવાની ના પાડતાં આદિલે ગાળાગાળી કરીને યુવતીના મોબાઈલનો સિમકાર્ડ તોડી નાંખ્યો હતો. જેથી તે ગભરાઈ ગઈ હતી.
બંને ગારિયાધાર કોઈકના ઘરે પહોંચ્યાં હતાં પરંતુ તેમણે તેમને રાખવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ આદિલ યુવતીને લઈને પાલિતાણા સ્થિત તેના મામાના ઘરે પહોંચ્યો હતો પરંતુ ત્યાં તેણે પણ બંનેને રાખ્યાં ન હતાં. જેથી આદિલ યુવતીને લઈને પાલિતાણાથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસી ગયો હતો.
યુવતીનો આરોપ છે કે મુસાફરી દરમિયાન આદિલે બસમાં તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં અને ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ આદિલે સુરત જઈને લગ્ન કરવાની વાત કરી હતી અને યુવતીએ ના પાડતાં ધમકીઓ આપી હતી.
ફરિયાદ અનુસાર, આદિલે યુવતીને લગ્ન કરવાની ના પાડીશ તો રસ્તામાં મારી નાંખીશ તેમ કહીને ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે સિહોર પોલીસે આરોપી આદિલ મજીદ મલેક સામે આઇપીસીની કલમ 376(n) (દુષ્કર્મ), 504 (શાંતિભંગના ઇરાદે અપમાન), 506(2) (ગુનાહિત ધમકી) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.
તાજેતરમાં સિહોર તાલુકો એક હત્યાના કેસમાં પણ ચર્ચામાં આવ્યો હતો. અહીંના વરલ ગામે નજીવી તકરારમાં આરિફ નામના એક ઈસમે એક 16 વર્ષીય કિશોરીની કરપીણ હત્યા કરી નાંખી હતી. તકરાર દરમિયાન આરિફ કિશોરીના કાકા પર હુમલો કરવા માટે આગળ વધતાં કિશોરી વચ્ચે પડી હતી અને આરિફની છરીથી ઘવાઈ ગઈ હતી. આ મામલે પોલીસે આરિફ ઉપરાંત અશરફ, અરમાન, ઈરફાન, અમીન અને આદિલ વગેરેની ધરપકડ કરી લીધી હતી.