Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અમદાવાદનું કર્ણાવતી ક્યારે થશે?’: એક વર્ષ જૂની મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદનું નામ બદલ્યા...

    ‘અમદાવાદનું કર્ણાવતી ક્યારે થશે?’: એક વર્ષ જૂની મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદનું નામ બદલ્યા બાદ ગુજરાતની 27 વર્ષની સરકાર સમક્ષ પણ ઉઠી માંગ

    ગુજરાતમાં આ માંગ વર્ષો જૂની છે, સમયે-સમયે અલગ અલગ માધ્યમોથી આ માંગ ઉઠાવવામાં આવતી રહી છે. જે લોકો માંગ ઉઠાવી રહ્યા છે તેમાં મોટાભાગના ભાજપા સમર્થિત લોકો છે. જ્યારે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની જ સરકાર છે, અને છેલ્લા 9 વર્ષથી તો કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છે.

    - Advertisement -

    વર્તમાન મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લઈને લોકોની લાંબા સમયની માંગ પૂરી કરી છે. રાજ્યના બે મોટા શહેરોના નામ બદલી નાંખવામાં આવ્યા છે. જેમાં ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનો સમાવેશ થાય છે. આ નિર્ણય બાદ ગુજરાતની પણ આવી જ એક માંગ માટે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. 

    મહારાષ્ટ્રની ભાજપ-શિવસેનાની વર્તમાન સરકારે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના નામ પર કરીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરવામાં આવ્યું છે, સાથે જ ઉસ્માનાબાદનું નામ બદલીને ‘ધારાશિવ’ કરવામાં આવ્યું છે. 

    ઔરંગાબાદ નામ મુઘલ આક્રાંતા ઔરંગઝેબના મૃત્યુ બાદ તેના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જયારે ઉસ્માનાબાદ નામ હૈદરાબાદના છેલ્લા નિઝામ મીર ઉસ્માન અલી ખાન પરથી પાડવામાં આવ્યું હતું. આ બંને શહેરોના નામ બદલવાની માંગ ખૂબ જૂની હતી. સૌથી પહેલા આ નામો બદલવાની માંગ શિવસેનાના સ્થાપક સ્વર્ગીય બાળા સાહેબ ઠાકરેએ ઉઠાવી હતી. ત્યારબાદ શિવ સૈનિકો પણ આ માંગ ઉઠાવતા રહ્યા છે. 

    - Advertisement -

    વર્તમાન સરકારે આ શહેરોના નામ બદલવાનો ઠરાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમક્ષ મૂક્યો હતો. જેને ગઈ કાલે મંજૂરી મળી હતી. આ વાતને વધાવતા રાજ્યના મુખ્ય મંત્રીએ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. લોકોએ પણ આ નિર્ણયને વધાવી લીધો હતો. જોકે, ઓવૈસીની પાર્ટીના નેતાએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. 

    ગુજરાતના પાડોશી રાજ્યમાં શહેરોના નામ બદલવાનો નિર્ણય લેવાયો હોવાથી, રાજ્યમાં લોકોની વર્ષો જૂની અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગ ફરીથી ઉઠી છે. સોશિયલ મીડિયા પર લોકો આ બાબતે અવાજ ઉઠાવી રહ્યા છે. 

    @vhpkarnavati નામના ટ્વીટર હેન્ડલરે ગુજરાત સરકાર પર કટાક્ષ કરીને કહ્યું હતું કે “હમણાં જ બનેલી મહારાષ્ટ્ર સરકારે પ્રશંસનીય કામ કર્યું છે, ઔરંગાબાદ હવે છત્રપતિ સંભાજીનગર બનશે અને ઉસ્માનાબાદ ધારાશિવ બનશે, મોદી સરકારે આપી મંજૂરી હવે 27 વર્ષથી રાજ કરતી સરકાર અમદાવાદનું કર્ણાવતી ક્યારે કરશે?”

    @CityKarnavati નામના ટ્વીટર હેન્ડલ પણ કહ્યું હતું કે, ઉસ્માનાબાદ થઇ ગયું ધરાશિવ અને ઔરંગાબાદ થયું છત્રપતિ સંભાજીનગર. તો ભવ્ય વરસો ધરાવતું નામ કર્ણાવતી ક્યારે કરવામાં આવશે? 

    અન્ય એક યુઝરે લખ્યું કે, “અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે કેટલો સમય લાગશે?” સાથે સાથે તેમણે ‘કર્ણાવતી એ જ કલ્યાણ’ હેશટેગ પણ લખ્યું હતું.

    ગુજરાતમાં આ માંગ વર્ષો જૂની છે, સમયે-સમયે અલગ અલગ માધ્યમોથી આ માંગ ઉઠાવવામાં આવતી રહી છે. જે લોકો માંગ ઉઠાવી રહ્યા છે તેમાં મોટાભાગના ભાજપા સમર્થિત લોકો છે. જ્યારે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની જ સરકાર છે, અને છેલ્લા 9 વર્ષથી તો કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છે. થોડા દિવસ પૂર્વે જ છાત્ર સંગઠન ABVPએ પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે માંગ ઉઠાવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં