Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફરી ઉઠી અમદાવાદ શહેરનું નામ બદલવાની માંગ, ABVPએ કહ્યું- નગરની સાચી ઓળખ...

    ફરી ઉઠી અમદાવાદ શહેરનું નામ બદલવાની માંગ, ABVPએ કહ્યું- નગરની સાચી ઓળખ દર્શાવતું ‘કર્ણાવતી’ નામ આપવામાં આવે

    ABVPનાં 75મા વર્ષમાં પ્રવેશના ભાગરૂપે દરેક શહેરોમાં ‘છાત્ર હુંકાર’ નામથી સંમેલનો યોજવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં પણ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા અમદાવાદનું નામ બદલીને ‘કર્ણાવતી’ કરવાની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠને તાજેતરમાં જ એક છાત્ર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. 

    ‘છાત્ર હુંકાર’ નામના આ વિદ્યાર્થી સંમેલનમાં 2500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હોવાનું એબીવીપીએ જણાવ્યું છે. જેમાં અમદાવાદ શહેરનું નામ બદલવા સહિતના ત્રણ પ્રસ્તાવો રજૂ કરીને બહુમતીથી પસાર કરવામાં આવ્યા હતા. 

    ABVP દ્વારા માંગ કરવામાં આવી છે કે શહેરની સાચી ઓળખ ‘કર્ણાવતી’ની છે, જેથી અમદાવાદ નામ બદલીને નવું નામ ‘કર્ણાવતી’ કરવામાં આવે. બીજા પ્રસ્તાવમાં ગુજરાત યુનિવર્સીટીની પ્રવેશ પરીક્ષા અને તેનાં પરિણામોમાં સુધારો લાવવાની માંગ કરવામાં આવી છે અને ત્રીજો પ્રસ્તાવ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે નશામુક્ત પરિસરને લગતો છે. 

    - Advertisement -

    અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 74 વર્ષ પૂરાં કરીને 75મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. જેના ભાગરૂપે દરેક શહેરોમાં ‘છાત્ર હુંકાર’ નામથી સંમેલનો યોજવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં પણ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલન પહેલાં નગરમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.   

    શું છે નામો પાછળનો ઇતિહાસ?

    અમદાવાદ શહેરનું નામ ‘કર્ણાવતી’ કરવાની માંગ અવારનવાર ઉઠતી રહી છે. આ મુદ્દાને લઈને ચર્ચાઓ પણ ચાલતી રહે છે. હવે ફરી નામ બદલવાની માંગ ઉઠી છે ત્યારે એક નજર ઇતિહાસ તરફ કરીએ. 

    સાધના સાપ્તાહિકના એક રિપોર્ટમાં ઇતિહાસનાં પુસ્તકોને ટાંકીને જણાવાયું છે કે તેમાં નગરનાં નામો ‘કર્ણાવતી’ અને ‘આશાવલ’ હોવાના પ્રમાણભૂત ઉલ્લેખો જોવા મળે છે. જે અનુસાર, 11મી સદીમાં આરબ ઇતિહાસકારે ‘આશાવલ’ને સારી વસ્તી અને પેદાશો ધરાવતું ઉદ્યોગી શહેર ગણાવ્યું હતું. પછીથી રાજા કર્ણદેવે આ નગર જીતીને ‘કર્ણાવતી નગર’ની સ્થાપના કરી હોવાના પણ ઉલ્લેખ જોવા મળે છે. 

    ‘પ્રબંધ ચિંતામણી’માં થયેલા ઉલ્લેખો અનુસાર, કર્ણદેવ સોલંકી આશાભીલને હરાવીને નગર જીત્યું હતું અને ‘આશાવલ’નું નામ ‘કર્ણાવતી’ કર્યું હતું. કહેવાય છે કે કર્ણદેવે મહી અને નર્મદાની આસપાસનો પ્રદેશ જીતવા જતાં પહેલાં વચ્ચે આશાવલ આવતાં તેને જીત્યું હતું અને કર્ણાવતીની સ્થાપના કરી હતી. જોકે, પછી પણ ઘણા સમય સુધી નગર ‘આશાવલ’ અને ‘કર્ણાવતી’ એમ બંને નામોથી ઓળખાતું રહ્યું. 

    અહમદશાહ સાથે શું છે જોડાણ? 

    અહમદશાહનો જન્મ 1308માં દિલ્હીમાં થયો હતો. 1410માં તે 20 વર્ષની વયે ગુજરાતની ગાદીએ બેઠો હતો. પરંતુ તેના કેટલાક સગાઓ જ તેના દુશમન બન્યા અને ખંભાતમાં ભેગા થઈને તેની સામે બળવો કરવાની યોજના બનાવી. તેમનો સામનો કરવા માટે અહમદશાહ ખંભાત ગયો પણ તેઓ ભરૂચ તરફ ભાગ્યા. અહમદશાહ પણ તેમની પાછળ ગયો અને ભરૂચમાં તેમને પકડ્યા. 

    ભરૂચથી પાટણ જવા માટે નીકળ્યો ત્યારે રસ્તામાં તે કર્ણાવતીમાં રોકાયો હતો. તેને આ શહેર માફક આવી ગયું અને ગુજરાતની મધ્યે આવેલું હોવાના કારણે અને લશ્કરી અને રાજકીય દ્રષ્ટિએ પણ અનુકૂળ હોવાના કારણે તેણે રાજધાની પાટણથી બદલીને કર્ણાવતીમાં વસાવી અને નગરને ‘અહમદાબાદ’ નામ આપ્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં