ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘પંજાબ વારિસ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંઘના સમર્થકોએ તલવારો અને બંદૂકો લઈને અમૃતસરના અજનાલા પોલીસ મથકે હુમલો કરી દીધા બાદ આખરે પંજાબ પોલીસ ઘૂંટણિયે પડી છે. પોલીસે અમૃતપાલ સિંઘના સાથી તૂફાન સિંઘને મુક્ત કરવાનું એલાન કર્યું છે.
પંજાબ પોલીસે એક અપહરણ અને મારપીટના કેસમાં તૂફાન સિંઘની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ અમૃતપાલ સિંઘના એલાન પર આજે ટોળું પોલીસ મથકે ધસી ગયું હતું અને બેરિકેડ તોડીને અંદર ઘૂસી ગયું હતું. ત્યારબાદ અમૃતપાલ સિંઘ પણ પહોંચ્યો હતો અને તૂફાનને મુક્ત કરવા માટે એક કલાકનો સમય આપ્યો હતો.
ખાલિસ્તાનીઓના અલ્ટીમેટમ બાદ SSP અમૃતસરે કહ્યું હતું કે, અમારી સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવાઓને જોતાં લવપ્રીત તૂફાનને મુક્ત કરી દેવામાં આવશે. આ મામલાની તપાસ માટે એક SIT બનાવવામાં આવી છે.
They have given enough proof that he (detained Lovepreet Toofan) is innocent. SIT has taken cognizance of it. These people will peacefully disperse now and the law will take its own course: Commissioner of Police Amritsar pic.twitter.com/5N8n4xNj4H
— ANI (@ANI) February 23, 2023
અમૃતસરના પોલીસ કમિશનરે કહ્યું કે, તેમણે અમારી સમક્ષ લવપ્રીત તૂફાન નિર્દોષ હોવાના પુરાવાઓ રજૂ કર્યા હતા. SITએ મામલાનું સંજ્ઞાન લીધું છે. આ લોકો (ટોળું) હવે શાંતિથી છૂટા પડશે અને કાયદાઓ કાયદાનું કામ કરશે.
પોલીસ મથકે પહોંચેલા અમૃતપાલ સિંઘે ફરીથી ધમકી આપી હતી. તેણે કહ્યું કે, પોલીસ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના ખોટા સમાચારો ફરી રહ્યા છે. સત્ય એ છે કે તે પડી જવાના કારણે તેને ઇજા થઇ હતી. અને અમારા પણ 10-12 લોકો ઇજા પામ્યા છે. તૂફાનને 24 કલાકમાં છોડી મૂકવામાં આવવો જોઈએ.
Amit Shah had said that won't let Khalistan movement rise. I had said that the same was done by Indira Gandhi&if you do the same then you'd have to face consequences. If the Home Minister says the same to those demanding 'Hindu Rashtra', then I'll see if he remains HM: A. Singh pic.twitter.com/5wCTIby7Xu
— ANI (@ANI) February 23, 2023
અમૃતપાલે ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી હતી. તેણે કહ્યું, “અમિત શાહે કહ્યું હતું કે તેઓ ખાલિસ્તાની ચળવળને ડામી દેશે. મેં પહેલાં પણ કહ્યું છે કે આ જ કામ ઇન્દિરા ગાંધીએ પણ કર્યું હતું અને તમે પણ એવું જ કરશો તો તમારે પણ પરિણામો ભોગવવાં પડશે. ગૃહમંત્રી ‘હિંદુ રાષ્ટ્ર’ની માંગ કરનારાઓ વિશે પણ આવું જ બોલી બતાવે પછી હું જોઉં કે તેઓ ગૃહમંત્રી રહે છે કે નહીં.”
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં 15 ફેબ્રુઆરીએ અજનાલામાં ચમકૌર સાહિબમાં એક યુવકનું કેટલાક લોકોએ અપહરણ કરી લઈને તેની સાથે મારપીટ કરી હતી. આ મામલે યુવકની ફરિયાદના આધારે અજનાલા પોલીસ મથકે અમૃતપાલ, તેના સાથી તૂફાન સિંઘ અને અન્ય 30 લોકો સામે કેસ દાખલ કર્યો હતો. આ જ કેસમાં પોલીસે તૂફાન સિંઘની ધરપકડ કરી લીધી હતી. જેનાથી અમૃતપાલ ભડકી ઉઠ્યો અને સમર્થકોને પોલીસ મથકની બહાર એકઠા થવા માટે કહ્યું હતું. ત્યારબાદ આજે તેના સમર્થકોનું ટોળું પોલીસ મથકે ધસી આવ્યું હતું.