છેલ્લા કેટલાક સમયથી વિદેશોમાં હિંદુ મંદિરો પર હુમલા વધી રહ્યા છે. તાજેતરમાં કેનેડામાં (Canada) આવી વધુ એક ઘટના બની છે. મિસિસાગાના એક રામ મંદિરમાં તોડફોડ (Ram Mandir Vandalised) કરવામાં આવી હતી અને ભારતવિરોધી નારા ચીતરવામાં આવ્યા હતા.
મંદિરમાં તોડફોડ કરનારા તત્વોએ દીવાલો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અને ભારત વિરુદ્ધ અપમાનજનક બાબતો લખી હતી તો ભીંડરાનવાલેને સંત ગણાવ્યો હતો. રિપોર્ટ અનુસાર, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ દ્વારા આ કૃત્યની જવાબદારી લેવામાં આવી છે.
કેનેડામાં ભારતના કોન્સુલેટ જનરલે એક નિવેદનમાં આ બાબતની જાણકારી આપી અને નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, મિસિસાગાના રામ મંદિરમાં તોડફોડ કરીને ભારતવિરોધી નારા ચીતરીને અપમાનિત કરવાના કૃત્યની કડક ટીકા કરીએ છીએ. તેમણે કેનેડિયન પ્રશાસનને આ ઘટનાની ઊંડી તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
We strongly condemn the defacing of Ram Mandir in Missisauga with anti-India graffiti. We have requested Canadian authorities to investigate the incident and take prompt action on perpetrators.
— IndiainToronto (@IndiainToronto) February 14, 2023
બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પણ ઘટનાની નોંધ લીધી છે અને મંદિરને અપમાનિત કરવાના કૃત્યની ટીકા કરી છે. તેમણે ટ્વિટ કરતાં કહ્યું કે, ‘મિસિસાગાના રામ મંદિરમાં દ્વેષથી પ્રેરિત તોડફોડ વિશે જાણીને વ્યથિત છું. અજાણ્યા શખ્સોએ મંદિરની પાછળની દીવાલો પર સ્પ્રેથી નારા લખ્યા હતા. આ પ્રકારની નફરતને અહીં કોઈ સ્થાન નથી.’
The @PeelPolice & @ChiefNish are taking this potential hate crime very seriously. 12 Division has carriage of the investigation & they will find those responsible. Religious freedom is a Charter right in Canada & we will do every thing we can to make sure everyone is safe in… https://t.co/uOkL8iaIaL
— Patrick Brown (@patrickbrownont) February 15, 2023
તેમણે એ પણ જણાવ્યું કે, પોલીસ વિભાગ આ ઘટનાને ગંભીરતાથી લઇ રહ્યો છે અને મામલાની તપાસ ચાલી રહી છે અને જલ્દીથી જવાબદારોને શોધી કાઢવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, કેનેડામાં ધાર્મિક સ્વતંત્રતા પાયાનો અધિકાર છે અને દરેક ધર્મનાં પૂજાસ્થળો સુરક્ષિત રહે તે માટે તેઓ તમામ શક્ય પ્રયાસો કરશે.
આ પહેલાં કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરોને નિશાન બનાવવાના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. ગત જાન્યુઆરી મહિનામાં કેનેડાના જ બ્રેમ્પટનમાં ગૌરી શંકર મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને આ જ મોડ્સ ઓપરેન્ડીથી મંદિરની દીવાલે ભારતવિરોધી નારા ચીતરવામાં આવ્યા હતા. આ કૃત્ય પાછળ પણ શીખ્સ ફોર જસ્ટિસ અને અન્ય પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠનોનો જ હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ SFJ દ્વારા મંદિરની દીવાલો પર નારા ચીતરવાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો.
ગત સપ્ટેમ્બર મહિનામાં કેનેડામાં ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને મંદિરની દીવાલ પર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા ચીતરવામાં આવ્યા હતા.
ઉપરાંત, ઓસ્ટ્રેલિયામાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. માત્ર જાન્યુઆરી મહિનામાં જ ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરોને નિશાન બનાવવાની 3 ઘટનાઓ બની હતી. જેમાં મેલબર્નમાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું તો તેના થોડા દિવસ બાદ તે જ શહેરના ઐતિહાસિક શિવ અને વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. જેના થોડા દિવસ બાદ ફરીથી મેલબર્નના ઇસ્કોન મંદિરમાં તોડફોડ અને ભારતવિરોધી નારા ચીતરવાની ઘટના બની હતી.