પાકિસ્તાન આમતો કંગાળ થઇ ચુક્યું છે પરંતુ તેની અધિકારીક જાહેરાત થવી બાકી છે. તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે તો માનવતાનાં ધોરણે ફટાફટ મેડીકલ અને ખાદ્યસામગ્રીની મદદ મોકલી દીધી હતી. પરંતુ પાકિસ્તાન પાસે ખુદને ખાવાનાં વાંધા છે ત્યાં તે તુર્કીને ક્યાં મદદ કરે? એટલે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ખુદ તુર્કીના દુઃખના સમયમાં ફક્ત શાબ્દિક સધિયારો આપવા અંકારા જવા માટે તૈયાર થઇ ગયા.
જો કે શાહબાઝ શરીફે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે ઇસ્લામાબાદ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ઉભી થયેલી પરિસ્થિતિથી વ્યથિત છે અને અમે અમારાથી બનતી તમામ મદદ કરીને તુર્કીના લોકો સાથે ખભેથી ખભો મેળવીને ઉભાં છીએ એમ દેખાડી દઈશું. આ ઉપરાંત પાકિસ્તાનના માહિતી ખાતાના મંત્રી મરિયમ ઔરંગઝેબે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે વડાપ્રધાન અને વિદેશમંત્રી તુર્કીની યાત્રાએ ઉપડે છે.
وزیراعظم شہباز شریف کل صبح انقرہ روانہ ہوں گے، وہ صدر اردوان سے زلزلے کی تباہی، جانی نقصان پر افسوس اور تعزیت،ترکیہ کے عوام سے یک جہتی کریں گے۔ وزیراعظم کے دورہ ترکیہ کی وجہ سے جمعرات 9 فروری کو بلائی گئی اے پی سی مؤخر کی جا رہی ہے، اتحادیوں کی مشاورت سے نئی تاریخ کا اعلان ہوگا
— Marriyum Aurangzeb (@Marriyum_A) February 7, 2023
પરંતુ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તુર્કી સરકારનાં જ મહત્ત્વનાં અધિકારીઓએ પાકિસ્તાન સરકારને સ્પષ્ટ કહ્યું હતું કે અમે અહીં રાહતકાર્યોમાં વ્યસ્ત છીએ એટલે અત્યારે શાહબાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારીએ અહીં આવવાની જરૂર નથી. આમ આ રીતે શરીફ અને બિલાવલની પાકિસ્તાનની ખરાબ પરિસ્થિતિ દરમ્યાન પણ વિદેશયાત્રા કરવાની ઈચ્છા અધુરી રહી ગઈ હતી.
તુર્કીએ કાયમ પાકિસ્તાનની કાશ્મીર અને અન્ય ભારત વિરોધી મુદ્દે સમર્થન કર્યું છે. આ હકીકત સ્પષ્ટ હોવાં છતાં ભારતે સમયની રાહ જોયાં વગર જ ભૂકંપ બાદ અતિશય મહત્ત્વની કહી શકાય તેવી મદદ વાયુસેનાનું આખું પ્લેન ભરીને મોકલી દીધી હતી.
તેની સામે મિત્ર દેશ તુર્કીએ જ પાકિસ્તાનના વડાપ્રધાન અને વિદેશમંત્રીને આવવાની ના પાડી દેતાં તમાચો વાગ્યા પછી ગાલ લાલ રાખવા માટે પાકિસ્તાન સરકારે એવું જાહેર કર્યું કે ખરાબ હવામાનને લીધે વડાપ્રધાનનું હેલીકોપ્ટર ઉડી શકવા માટે સક્ષમ ન હોવાથી તેમની તુર્કીની મુલાકાત રદ્દ કરી દેવામાં આવી છે.
આટલું અપમાન ઓછું હોય તેમ પોતાનાં વડાપ્રધાન અને વિદેશમંત્રીની તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ પણ તેની મુલાકાત લેવાની ઉતાવળની પાકિસ્તાનની અંદર પણ આકરી ટીકા થઇ રહી છે. પાકિસ્તાનીઓ શાહબાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની આ હરકતને મૂર્ખતાપૂર્ણ ગણાવી રહ્યાં છે. આ ઉપરાંત આ પ્રકારની મુલાકાત લઈને શાહબાઝ અને બિલાવલ પોતપોતાની રાજનૈતિક મહત્વાકાંક્ષાઓને સંતોષવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાનો આરોપ પણ તેમનાં પર મુકવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાનના પ્રસિદ્ધ અખબાર ડૉનનાં વરિષ્ઠ પત્રકાર અબ્બાસ નાસીરે જણાવ્યું હતું કે પાકિસ્તાન હાલમાં આતંકવાદી ઘટનાઓથી પરેશાન છે અને આવા સમયમાં પ્રજા એવું ઈચ્છે છે કે તેમનાં વડાપ્રધાન વિદેશ ન જતાં પોતાની સાથે જ રહે. તો એક અન્ય પત્રકારે કહ્યું હતું કે આ રીતે તુર્કી દોડી જવાની કોઈજ જરૂર નથી પરંતુ તેની બદલે અહીં બેઠાં જ સીરિયાની બને તેટલી મદદ કરવી જોઈએ.
પાકિસ્તાન પાસે અન્યોને મદદ કરવાની તો કોઈ તાકાત નથી રહી પરંતુ ભારત જ્યારે તુર્કીનાં લોકો માટે જરૂરિયાતનો સમાન તાત્કાલિક મોકલવા માટે પાકિસ્તાની એરસ્પેસ ખોલવાની મંજુરી માંગી રહ્યું હતું ત્યારે પણ પાકિસ્તાને તે આપવાની મનાઈ કરી દીધી હતી. આ ઘટના બાદ કદાચ તુર્કીના પ્રમુખ રીસેપ તૈયપ એર્દોગનને દોસ્ત અને દુશ્મન વચ્ચેનો ફરક ખબર પડી જશે.