Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાળલગ્નો વિરુદ્ધ આસામ સરકારની મોટાપાયે કાર્યવાહી: 60 કાઝીઓ સહિત કુલ 2,278ની ધરપકડ,...

    બાળલગ્નો વિરુદ્ધ આસામ સરકારની મોટાપાયે કાર્યવાહી: 60 કાઝીઓ સહિત કુલ 2,278ની ધરપકડ, રાજ્યભરમાં કુલ 4 હજાર FIR નોંધાઈ

    રાજ્યભરમાં આ મામલે 4 હજાર જેટલી FIR નોંધવામાં આવી છે, જેમાં કુલ 8 હજાર લોકોનાં નામ સામેલ કરવામાં આવ્યાં છે.

    - Advertisement -

    આસામ (Assam) રાજ્યની હિમંત બિસ્વ સરમા સરકારે રાજ્યભરમાં બાળલગ્નો (Child Marriages) વિરુદ્ધ મોટાપાયે કાર્યવાહી (Crackdown) શરૂ કરી છે. રવિવાર સુધીમાં કુલ 2,278 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 60 જેટલા કાઝીઓ પણ સામેલ છે. 

    આસામના ડીજીપી જીપી સિંઘે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યભરમાં આ મામલે 4 હજાર જેટલી FIR નોંધવામાં આવી છે, જેમાં કુલ 8 હજાર લોકોનાં નામ સામેલ કરવામાં આવ્યાં છે. રવિવાર સુધીમાં 2 હજારથી વધુ લોકોની ધરપકડ થઇ ચૂકી છે, જેમાં 60 જેટલા કાઝીઓ સામેલ છે. 

    ઉલ્લેખનીય છે કે ગત 23 જાન્યુઆરીના રોજ આસામ સરકારની કેબિનેટે રાજ્યભરમાં બાળલગ્નો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં 18 વર્ષથી નીચેની બાળકીઓ સાથે લગ્ન કરનાર પુરુષોની ધરપકડ કરીને તેમની સામે પોક્સો એક્ટની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાનો પોલીસને આદેશ આપવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, મોટાભાગની આવી બાળકીઓ આસામના મધ્ય અને દક્ષિણ ભાગના જિલ્લાઓમાં હોવાનું સામે આવ્યું છે, જ્યાં બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમોની વસ્તીનું પ્રમાણ વધુ છે. 

    આસામના મુખ્યમંત્રી હિમંત સરમાએ કહ્યું કે, પાછલાં વર્ષોમાં એક લાખથી વધુ આવી સગીરાઓનાં લગ્ન કરી દેવામાં આવ્યાં અને જેમાંથી કેટલીક બાળકીઓ તો માતાઓ પણ બની ગઈ હતી. તેમણે કહ્યું હતું કે, સરકારે રાજ્ય ભરમાંથી આવા 8 હજાર લોકોની ઓળખ કરી છે, જેમણે સગીર બાળકીઓ સાથે લગ્ન કર્યાં હોય અથવા તો બાળ લગ્ન માટે મદદરૂપ થયા હોય. 

    અત્યાર સુધી 2,200 લોકોની ધરપકડ થઇ છે તેમ જણાવતાં સીએમે જણાવ્યું કે હજુ 3,500થી વધારે લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, આ કાર્યવાહી આગામી 2026ની આસામ વિધાનસભા ચૂંટણી સુધી ચાલુ રહેશે. 

    આ કાર્યવાહી આસામના મોટાભાગના જિલ્લાઓમાં હાથ ધરવામાં આવી છે અને અનેક આરોપીઓને રાઉન્ડ અપ કરીને હિરાસતમાં લઇ લેવામાં આવ્યા છે. 

    નેશનલ ફેમિલી હેલ્થ સરવેના રિપોર્ટ અનુસાર, આસામમાં માતૃ અને શિશુ મૃત્યુ દરનું પ્રમાણ સૌથી વધુ છે, જેનું પ્રાથમિક કારણ બાળ વિવાહ છે. રાજ્યમાં નોંધાતાં લગ્નોમાંથી 31 ટકા લગ્નો પ્રતિબંધિત વયજૂથનાં હોય છે. સરવે અનુસાર, 15થી 19ની ઉંમરની લગભગ 11.7 ટકા મહિલાઓ કાં તો માતા બની ગઈ હોય છે અથવા તો ગર્ભવતી હોય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં