બોટાદના ઢાંકણીયા ગામે નવઘણ જોગરાણા નામના યુવાનની હત્યા મામલે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તેમને ઘટનાસ્થળે લઇ જઈને ઘટનાનું સંપૂર્ણ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. બીજી તરફ, મામલાની તપાસ માટે એક SITની નિમણૂંક કરવામાં આવી છે.
શુક્રવારે રાત્રે (3 ફેબ્રુઆરી, 2023) ઢાંકણીયામાં નવઘણ જોગરાણાની ગળું કાપીને હત્યા કરી નાંખવામાં આવી હતી તો બે યુવાનોને ઇજા પહોંચાડવામાં આવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ઇકબાલ, દાઉદ, અમન, સાજીદ, બહાદૂર અને હકુ એમ છ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આખરે શનિવારે (4 ફેબ્રુઆરી, 2023) સાંજે આ આરોપીઓ ઝડપાઇ ગયા હતા. હાલ તમામને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. તેમની સામે IPCની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ) અને રાયોટિંગના ગુનાની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રવિવારે (5 ફેબ્રુઆરી 2023) પોલીસે આ તમામ છ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. ત્યારબાદ તમામને ફરી પાળીયાદ પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.
ઘટનાની તપાસ કરતી બોટાદ પોલીસે આ મામલે જણાવ્યું કે, સમગ્ર ઘટનાની ન્યાયપૂર્ણ તપાસ થાય તે માટે DySPના અધ્યક્ષસ્થાને પાંચ પોલીસ અધિકારીઓની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નીમવામાં આવી છે, જે સંપૂર્ણ તપાસ કરશે.
મંદિરના વિવાદને લઈને હત્યા થઇ હોવાનો રિપોર્ટમાં દાવો
અબતકના રિપોર્ટ અનુસાર, એક વર્ષ પહેલાં ઢાંકણીયાના મંદિર પાસે મુસ્લિમોએ શૌચાલય બનાવ્યું હતું, જેનો હિંદુઓએ વિરોધ કર્યો હતો. જેની અદાવતમાં ગઈકાલે મુન્ના જોગરાણા ઇકબાલના ઘર પાસેથી પસાર થયો ત્યારે ઇકબાલ અને અન્ય આરોપીઓએ મળીને તેની ઉપર છરીથી હુમલો કરી દીધો હતો.
મુન્ના પર હુમલો થયાની જાણ થતાં જ નવઘણ અને તેજા જોગરાણા પણ ત્યાં દોડી ગયા હતા. જ્યાં ઇકબાલ, દાઉદ, સાજીદ વગેરેએ મળીને નવઘણને મકાનમાં ઘસડી લઇ જઈને બહારથી દરવાજો બંધ કરીને છરીના ઘા ઝીંકીને ગળું કાપી નાંખીને કરપીણ હત્યા કરી નાંખી હતી.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા તો હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. બીજી તરફ, પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત બંને યુવાનોની સારવાર ચાલી રહી છે.