અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર જીતનાર અમર્ત્ય સેન પર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી સંસ્થા વિશ્વ ભારતી દ્વારા પોતાની જમીન ગેરકાયદે કબજે કરવાનો આરોપ મુક્યો હતો. આ મામલે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે પડતાં વિશ્વ ભારતી યુનિવર્સીટીનાં ચાન્સેલરે તેમને દૂર જ રહેવાની ચીમકી આપી છે.
વિશ્વ ભારતી યુનિવર્સીટીનાં વાઈસ ચાન્સેલર બિધ્યુત ચક્રવર્તીએ પોતાના લેખિત નિવેદનમાં કહ્યું છે કે મુખ્યમંત્રી આ મામલો પોતાનાં કાનથી જોઈ રહ્યાં છે. સરળ શબ્દોમાં કહીએ તો ચક્રવર્તી એમ કહી રહ્યાં છે કે મમતા બેનરજી તેમનાં કહેવાતાં સમર્થકો જેમ કહી રહ્યાં છે એમ માનીને આ મામલે પોતાનો વિચાર આપી રહ્યાં છે.
અમર્ત્ય સેન પર વિશ્વ ભારતીની બીરભૂમ જીલ્લામાં આવેલી બોલપુર-શાંતિનિકેતનની જમીનનાં 1.25 એકર કરતાં વધુ એટલેકે 1.38 એકર પર ગેરકાયદે કબજો જમાવ્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ રાજ્યના લેન્ડ અને લેન્ડ રિફોર્મ્સ ડીપાર્ટમેન્ટ દ્વારા સેનને 1.25 એકર જમીન જ આપવામાં આવી હતી.
સોમવારે મમતા બેનરજી ખુદ 89 વર્ષીય અમર્ત્ય સેનના નિવાસસ્થાને પહોંચ્યાં હતાં અને તેમને એ કાગળો સોંપ્યાં હતાં જેમાં કહેવામાં આવ્યું છે કે તેમનાં કબજામાં રહેલી સમગ્ર 1.38 એકર જમીન તેમની પૈતૃક સંપત્તિ છે અને યુનિવર્સીટી તેનાં પર નાહક દાવો કરી રહી છે. બેનરજીએ કહ્યું હતું કે વિશ્વ ભારતીએ તેમનાં સંસ્થાપક ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની નજરે ઘટનાને જોવી જોઈએ નહીં કે કેસરી રંગનાં લેન્સથી.
વિશ્વ ભારતી યુનિવર્સીટી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંસ્થાને મમતા બેનરજીના આશિર્વાદની જરૂર નથી અને તેઓ વડાપ્રધાન દ્વારા દર્શાવવામાં આવેલા માર્ગે જ ચાલશે. આ નિવેદન પર સંસ્થાના પબ્લિક રિલેશન ઓફિસર મહુઆ ગાંગુલીના હસ્તાક્ષર છે.
નિવેદનમાં મમતા બેનરજીને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાનાં મંતવ્યો પુરાવાના આધારે રજુ કરે નહીં કે સાંભળેલી વાતો પર. આ નિવેદનમાં તૃણમુલ કોંગ્રેસના એ નેતાઓની પણ વાત કરવામાં આવી છે જેમને શિક્ષક ભરતી કૌભાંડ તેમજ પશુ સ્મગલિંગ કેસમાં જેલની હવા ખાવી પડી છે. અનુબ્રત મંડલનું નામ લીધા વગર આ નિવેદનમાં લખવામાં આવ્યું છે કે “તમારો પસંદગીનો ચાટુકાર જેમનાં વગર તમે બીરભૂમ જીલ્લાની કલ્પના પણ નથી કરી શકતાં એ અત્યારે જેલમાં છે.”
આ નિવેદનનો જવાબ આપતાં તૃણમુલ કોંગ્રેસના રાજ્યના જનરલ સેક્રેટરી કુનાલ ઘોષે કહ્યું છે કે, એ દુર્ભાગ્ય છે કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત સંસ્થા વિશ્વ ભારતી યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ગુરુદેવના માર્ગે નહીં પરંતુ વડાપ્રધાને દર્શાવેલા માર્ગે ચાલી રહ્યાં છે. આ સાબિત કરે છે કે આ યુનિવર્સીટી હવે શૈક્ષણિક સંસ્થા નથી રહી પરંતુ ભાજપના કાર્યકર્તાઓ માટે મોકળું મેદાન બની ગયું છે.