બુધવારે (1 ફેબ્રુઆરી 2023) કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમને વર્ષ 2023-24નું વાર્ષિક બજેટ રજૂ કર્યું. મોદી સરકારના આ બજેટમાં નાણાં મંત્રીએ શિક્ષણ ક્ષેત્રે વિકાસ અને રોજગાર તેમજ યુવાનોના કૌશલ્ય વર્ધન માટે અનેક મોટી ઘોષણાઓ કરી હતી તો આ જ બજેટમાં નેશનલ એપ્રેન્ટિસશિપ સ્કીમ પણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
બજેટ રજૂ કરતાં નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં યુવાનોના કૌશલ્ય વિકાસ માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવશે, જેમાં લાખો યુવાનોની જોબ ટ્રેનિંગ, ઇન્ડસ્ટ્રી પાર્ટનરશિપ અને ઉદ્યોગોની જરૂરિયાતોના આધારે અભ્યાસક્રમો બનાવવા વગેરે પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
#Budget2023
— PIB India (@PIB_India) February 1, 2023
Direct Benefit Transfer under pan India National Apprenticeship Promotion Scheme to be rolled out, to provide stipend support to 47 lakh youth in 3 years#AmritKaalBudget
બજેટ ભાષણમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં 47 લાખ યુવાનોને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે અને આ માટે ભારતભરમાં નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) રોલ આઉટ કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ સ્કીમ હેઠળ AI, રોબોટિક્સ, મેકેટ્રોનિક્સ, IOT, 3D પેઇન્ટિંગ, ડ્રોન્સ અને સોફ્ટ સ્કિલ્સ જેવા ન્યૂ જનરેશન કોર્સનો પણ સમાવેશ કરવામાં આવશે.
આ જ ક્રમમાં યુવાનો માટે અગત્યની જાહેરાત કરતાં નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો મળે તે માટે તેમના કૌશલ્ય વિકાસ માટે દેશભરનાં વિવિધ રાજ્યોમાં 30 જેટલાં સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરો શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત, બજેટમાં ઘોષણા કરવામાં આવ્યા અનુસાર, બાળકો અને કિશોરો માટે નેશનલ ડિજિટલ લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવશે, જેમાં ભૌગોલિક ભાષાઓમાં ગુણવત્તાયુક્ત પુસ્તકો પૂરાં પાડશે તેમજ ડિવાઇસ એગ્નોસ્ટિક એક્સેસીબિલીટીની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તદુપરાંત, દરેક રાજ્યોને પણ તેમની પંચાયતો અને વોર્ડ સ્તરે ભૌતિક લાઈબ્રેરી સ્થાપવા માટે અને નેશનલ ડિજિટલ લાઈબ્રેરીનાં સંસાધનોનો ઉપયોગ કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
આ સિવાય પણ વાર્ષિક બજેટમાં શિક્ષણ પર ભાર મૂકતાં આગામી 3 વર્ષોમાં દેશમાં 740 એકલવ્ય શાળાઓમાં 38,800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની ભરતી કરવાનું એલાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, 2014માં દેશભરમાં 157 નવી મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું.
નાણાંમંત્રીએ બજેટ ભાષણ દરમિયાન 7 પ્રાથમિકતાઓનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં સમાવેશી વિકાસ, અંતિમ છેડા સુધી વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, ક્ષમતાને ઉજાગર કરવી, ગ્રીન ગ્રોથ, યુથ પાવર અને ફાયનાન્સિયલ સેક્ટરનો સમાવેશ થાય છે.