છાશવારે દેશમાંથી લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. તાજેતરમાં હરિદ્વારમાંથી નામ બદલી લગ્ન કર્યાના નવ વર્ષ બાદ પરણિતા પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાની ઘટના સામે આવી હતી. હવે આવો જ એક નવો મામલો દિલ્હીમાંથી સામે આવ્યો છે. જેમાં પણ નામ બદલીને હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ મામલે પીડિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
એક મીડીયા રિપોર્ટ અનુસાર, એક હિંદુ યુવતી વીમા કંપનીમાં નોકરી કરતી હતી. તેની ત્યાં આદિત્ય સિંહ નામના યુવક સાથે મિત્રતા થઈ, અને બંને પ્રેમમાં પડ્યા. પરંતુ, હકીકતમાં તે આદિત્ય સિંહ નહીં પણ અબુ હસન જૈદી હતો. જ્યારે યુવતી આ શખ્સ સાથે લિવઈન રિલેશનશિપમાં રહેતી હતી ત્યારે તેના પરિવારે ખૂબ સમજાવી હતી છતાં તે માની નહોતી અને આરોપી સાથે રહેવા ચાલી ગઈ હતી.
યુવતીનો આરોપ છે કે જ્યારે તે અબુ હસન જૈદી સાથે લિવ ઈનમાં રહેતી હતી ત્યારે તેને ટોર્ચર કરવામાં આવતી હતી. તેને માંસ રાંધવા માટે પણ ફરજ પાડી હતી અને જ્યારે આટલું કર્યા બાદ યુવતીએ લગ્નનું કહ્યું ત્યારે અબુ હસને તેની સાથે મારામારી કરી હતી.
યુવતીએ ગત 3 જાન્યુઆરી 2023ના રોજ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. તેણે સાથેસાથે પોતાની આપવીતી પણ કહી હતી. એક ચોંકાવનારી વાત તે પણ કરી હતી કે જ્યારે મીડિયામાં દિલ્હીની યુવતી શ્રદ્ધાની હત્યા થઇ હોવાનો મામલો સામે આવ્યો ત્યારે તેણે ચિંતા વ્યક્ત કરી હતી. જેની ઉપર અબુ હસન જૈદીએ તેને કહ્યું હતું કે, તે તેની (પીડિતાની) હાલત શ્રદ્ધા કરતાં પણ ખરાબ કરશે.
પીડીતાએ અબુ જૈદીને વધુને વધુ કડક સજા થાય તેના માટે પોલીસ અને ન્યાય વ્યવસ્થાને અપીલ કરી છે. અબુ જૈદીના પરિવાર બાબતે જણાવતા યુવતીએ કહ્યું હતું કે, આરોપીના પરિવારે તો તેને જ દોષ આપ્યો હતો અને બ્લેકમેલિંગનો આરોપ લગાવ્યો હતો.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે નામ બદલીને કે ધર્મ છુપાવીને હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવાના ઘણા મામલા અગાઉ પણ સામે આવી ચૂક્યા છે.