મોરબી પુલ દુર્ઘટના મામલે આખરે પોલીસે કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી છે. 1262 પાનાંની આ ચાર્જશીટમાં ઓરેવા જૂથની અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર જયસુખ પટેલનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.
Gujarat | A 1,262-page chargesheet filed in the 2022 Morbi suspension bridge collapse case. The incident claimed 134 lives. The name of Jaysukh Patel of Oreva group as an accused has been included in the chargesheet
— ANI (@ANI) January 27, 2023
ચાર્જશીટમાં જયસુખ પટેલ અને અન્ય 9 વ્યક્તિઓ એમ કુલ 10 આરોપીઓ સામે બિનઈરાદાપૂર્વકની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપીઓમાં ઓરેવા ગ્રુપના બે મેનેજરો પણ સામેલ છે. અન્ય નવ આરોપીઓ કસ્ટડીમાં છે જ્યારે જયસુખ પટેલ હાલ બહાર છે. જોકે, તેઓ વિદેશમાં હોવાની આશંકાને પોલીસે નકારી કાઢી છે.
મોરબી પોલીસ અનુસાર, આ 10 આરોપીઓ સામે આઇપીસીની કલમ 304, 308 114, 336, 337 અને 338 હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં કુલ 367 સાક્ષીઓનાં નિવેદનોને ટાંકવામાં આવ્યાં છે. જોકે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી, જેથી તેને ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યો નથી.
પોલીસે જણાવ્યું છે કે, મોરબી પુલ દુર્ઘટનાના કુલ 10માંથી 9 આરોપી હાલ બહાર છે અને જયસુખ પટેલની ધરપકડ બાદ જો અન્ય નામો ખુલે તો તેમની સામે પૂરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવશે.
જયસુખ પટેલને આરોપી બનાવવા પાછળનું કારણ આપતાં મોરબી પોલીસે જણાવ્યું કે, બ્રિજના સમારકામ માટેની કામગીરી અને સંચાલન સબંધિત તમામ બાબતો અને વ્યવહાર તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા હતા અને ઓરેવાના કેમ્પસમાંથી મળી આવેલા દસ્તાવેજો પર તેમના જ હસ્તાક્ષર જોવા મળ્યા હતા.
આરોપી જયસુખ પટેલે મોરબીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. પરંતુ તેની ઉપર પોલીસ તરફથી જવાબ રજૂ કરવા માટે મુદત માંગવામાં આવતાં કોર્ટે 1 ફેબ્રુઆરી સુધી સુનાવણી મુલતવી રાખી હતી. તે પહેલાં 13 જાન્યુઆરીના રોજ તેમની સામે ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવી ચૂક્યું છે. આ સંજોગોમાં 1 ફેબ્રુઆરીએ કોર્ટ જામીન ફગાવે તો જયસુખ પટેલની ધરપકડની શક્યતાઓ હજુ વધી જશે.
ઉલ્લેખનીય છે કે ગત 30 ઓક્ટોબરના રોજ મોરબીનો પ્રખ્યાત ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને સેંકડો લોકો મચ્છુ નદીમાં પટકાયા હતા. આ ઘટનામાં કુલ 134 લોકોનાં મોત થયાં હતાં. ઘટના બાદ પોલીસે FIR દાખલ કરીને તપાસ શરૂ કરી હતી અને ઓરેવાના મેનેજરો સહિતના આરોપીઓને પકડી લીધા હતા. હવે ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે.