પ્રતિબંધિત સંસ્થા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા અથવાતો PFIનો એક રિપોર્ટર રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી એટલેકે NIA દ્વારા જડપાઈ ગયો છે. PFIનો રિપોર્ટર મંગળવારે કેરળના મન્નેઝાથુમાંથી પકડી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી ડિજીટલ ડિવાઈસીસ અને કેટલાક આપત્તિજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
એક અહેવાલ અનુસાર NIAએ મુહમ્મદ સાદિક જે PFIનો રિપોર્ટર હોવાનું કહેવાય છે તેના પર ઇસ્લામ સિવાયનાં અન્ય ધર્મનાં લોકો પર નજર રાખવાની જવાબદારી હતી. મુહમ્મદ સાદિક આ લોકો પર ફક્ત નજર જ નહોતો રાખતો પરંતુ તેને પોતાના હીટ લીસ્ટમાં પણ રાખતો હતો.
PFI સાથે સંકળાયેલા ખતરનાક અને ગુનાહિત પ્રવૃત્તિ કરતાં જૂથો મુહમ્મદ સાદિક દ્વારા આપવામાં આવેલી માહિતીને આધારે કોના પર હુમલો કરવો તે નક્કી કરતાં હતાં તેમ મલયાલી અખબાર મલયાલા મનોરમાએ NIAને ટાંકીને કહ્યું છે.
PFIનો રિપોર્ટર મુહમ્મદ સાદિક મંગળવારે વહેલી સવારે તેના ઘરેથી જ જડપાયો હતો. NIAએ તેના ઘર પર દરોડો પાડ્યો હતો અને ઉપર જણાવ્યાં અનુસાર ડિજીટલ ડિવાઈસીસ અને વાંધાજનક દસ્તાવેજો ઉપરાંત તેણે ક્યાં ક્યાં પ્રવાસ કર્યો છે તે અંગેની માહિતી પણ આ કેન્દ્રીય તપાસ સંસ્થાને મળી આવી છે.
આ ઉપરાંત કેરળમાં PFIનો દ્વિતીય અથવાતો તૃતીય સ્તરનો એક નેતા પણ NIAની પકડમાં આવ્યો છે જેની પાસેથી હથીયારો પણ મળી આવ્યા છે.
અગાઉ ડિસેમ્બર 2021માં NIA એ કેરળના 56 સ્થળોએ દરોડા પાડ્યા હતાં જેમનું કનેક્શન PFI સાથે હતું. આ દરોડા એ માહિતી બાદ પાડવામાં આવ્યા હતાં જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે PFI બહુ જલ્દીથી એક ખાનગી જગ્યાએ બેઠક બોલાવી રહી છે જેમાં દેશવિરોધી એજન્ડા નક્કી કરવામાં આવનારો છે.
મુહમ્મદ સાદિક પર NIA એ સુઓમોટો એટલેકે સ્વત: સંજ્ઞાન લઈને કોચ્ચિમાં કેસ દાખલ કર્યો હતો અને ત્યારબાદ પોતાની કાર્યવાહી હાથ ધરી હતી અને સાદિકને જડપી લેવામાં આવ્યો હતો.
અગાઉ ભારતીય જનતા પાર્ટીએ PFI સાથે સંકળાયેલા રાજકીય સંગઠન સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એટલેકે SDPI પર પણ પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી.
PFI અગાઉથી જ પ્રતિબંધિત સંસ્થા છે જેના હજારો કાર્યકર્તાઓ પર દેશવિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ છે. ગત વર્ષે NIA દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહીમાં કેરળ ઉપરાંત દેશભરમાંથી PFIના અસંખ્ય હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને પકડી લેવામાં આવ્યા હતાં. આ કાર્યવાહી બાદ PFIની સાથે જોડાયેલાં અનેક કાર્યકર્તાઓ જેમાં કે મુહમ્મદ સાદિક જેવા પણ સામેલ છે તે વારંવાર NIAનાં હાથે ચડતાં રહે છે.