ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે નેપાળ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના ચાર યુવાનોના પરિવારજનોને રૂ 5 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. તેમણે આ લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.
નેપાળી સત્તાવાળાઓએ મંગળવારે માર્યા ગયેલા લોકોના મૃતદેહો પરિવારના સભ્યોને સોંપવાનું શરૂ કર્યું છે. પાંચ ભારતીયો સહિત 72 લોકો સાથે યેતી એરલાઇન્સનું વિમાન રિસોર્ટ શહેર તરીકે ઓળખાતા પોખરામાં ક્રેશ થયાના બે દિવસ પછી, મૃત્યુઆંક વધીને 71 થયો છે.
નેપાળ આર્મીના પ્રવક્તા નારાયણ સિવાલે જણાવ્યું હતું કે મંગળવારે દુર્ઘટના સ્થળેથી વધુ બે મૃતદેહો મળી આવ્યા હોવાથી પુષ્ટિ થયેલ મૃતકોની કુલ સંખ્યા વધીને 71 થઈ ગઈ છે.
યોગી આદિત્યનાથે કરી જાહેરાત
“ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નેપાળ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારોને 05-05 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે,” સીએમઓના ટ્વિટર હેન્ડલએ જણાવ્યું હતું.
मुख्यमंत्री जी ने कहा कि मृतकों के पार्थिव शरीर लाने में होने वाले व्यय का वहन भी @UPGovt करेगी।
— CM Office, GoUP (@CMOfficeUP) January 17, 2023
પરિવાર દીઠ રૂ 5 લાખની સહાય ઉપરાંત યોગી આદિત્યનાથે એ પણ જાહેરાત કરી છે કે નેપાળથી મૃતકોના મૃતદેહ તેમના ઘર સુધી લાવવાનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉપાડશે.
ગાઝીપુર જિલ્લા મેજિસ્ટ્રેટ આર્યકા અખોરીએ જણાવ્યું હતું કે રવિવારે નેપાળ અકસ્માતમાં ગાઝીપુરના ચાર યુવકો – અભિષેક ખુશવાહા, સોનુ જયસ્વાલ, વિશાલ શર્મા અને અનિલ કુમાર રાજભરના મોત થયા હતા.
આ મહિને જ પોખરા એરપોર્ટનું થયું હતું અનાવરણ
ચીનની સહાયથી બનેલા પોખરા એરપોર્ટનું ઉદ્ઘાટન માત્ર 15 દિવસ પહેલા જ થયું હતું. પોખરા નેપાળનું મહત્વનું પ્રવાસન કેન્દ્ર છે. આ મહિનાની શરૂઆતમાં વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ પોખરામાં પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે વિમાન ક્રેશ થયું હતું. આ દુ:ખદ અકસ્માત પોખરામાં થયો છે, જે ઉંચા પહાડોથી ઘેરાયેલો છે અને જ્યાં હવામાન ખૂબ જ ઓછા સમયમાં બદલાઈ જાય છે.
લેન્ડિંગની માંડ 10 સેકન્ડ પહેલા પ્લેન ક્રેશ થયું હતું. એક્સપર્ટ્સનું કહેવું છે કે અચાનક પાવર લોસ થવાને કારણે આ અકસ્માત થયો હોઈ શકે છે. પ્રારંભિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું હતું.