ઓસ્ટ્રેલિયાના એક હિંદુ મંદિરમાં ખાલિસ્તાની સમર્થકોએ તોડફોડ કરીને મંદિરની દીવાલ ઉપર આપત્તિજનક સૂત્રો લખ્યાં હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં બની છે. જેના કારણે સ્થાનિક હિંદુઓમાં આક્રોશ વ્યાપી ગયો છે.
આ મંદિર મેલબોર્નના નોર્ધન સબર્બ મિલ પાર્કમાં સ્થિત છે. અહીં મંદિરની બહાર ખાલિસ્તાની સમર્થકોએ ‘હિંદુસ્તાન મુર્દાબાદ’ અને ‘મોદી હિટલર’ જેવા નારા ચીતર્યા હતા તેમજ ખાલિસ્તાની આતંકવાદી ભિંડરાંવાલેના સમર્થનમાં લખાણ ચીતરીને તેને ‘શહીદ’ ગણાવવામાં આવ્યો હતો.
એક સ્થાનિકે મીડિયાને જણાવ્યું કે, હું જ્યારે સવારે મંદિરે પહોંચ્યો તો અહીં જોયું કે મંદિરની દીવાલો ઉપર ખાલિસ્તાનીઓ દ્વારા હિંદુવિરોધી લખાણો ચીતરવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે, શાંતિપૂર્ણ હિંદુ સમુદાય પ્રત્યે ખાલિસ્તાની સમર્થકો દ્વારા ખુલ્લેઆમ ફેલાવાતી નફરત જોઈને હું આક્રોશિત અને વ્યથિત છું.”
ઓસ્ટ્રેલિયાના હિંદુ સમાજમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હિંદુ કાઉન્સિલ ઑફ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાના રાજ્ય પ્રમુખ મકરંદ ભાગવતે આ હુમલાની ટીકા કરીને કહ્યું કે, પૂજા સ્થળો વિરુદ્ધ કોઈ પણ પ્રકારની નફરત કે તોડફોડ સ્વીકાર્ય નથી અને આ પ્રકારની ગતિવિધિઓ વિક્ટોરિયાના ધાર્મિક સહિષ્ણુતા અધિનિયમનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેમણે પોલીસ સમક્ષ ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી.
News: Appeal for Peace, Melbourne, Australia https://t.co/UYGsrrmJEd pic.twitter.com/W75oLCAHtK
— BAPS (@BAPS) January 12, 2023
બીજી તરફ, આ મામલે સ્વામિનારાયણ મંદિર તરફથી પણ નિવેદન જારી કરવામાં આવ્યું છે. મંદિર તરફથી કહેવામાં આવ્યું કે, ‘અમે આ નફરતભર્યા કૃત્યથી દુઃખી અને સ્તબ્ધ છીએ. BAPS હંમેશા તમામ ધર્મો અને લોકો સાથે સહ-અસ્તિત્વ અને સંવાદ માટે પ્રતિબદ્ધ રહ્યું છે. અમે અધિકારીઓને જાણ કરી છે અને તેમનો પૂરેપૂરો સહયોગ કરી રહ્યા છીએ. અમે શાંતિ અને સદ્ભાવ માટે પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં વધુ અને વિસ્તૃત વિગતો પૂરી પાડવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાના હિંદુ મંદિરમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા થયેલ તોડફોડ મામલે સ્થાનિકો દ્વારા સ્થાનિક પોલીસ તેમજ સાંસદને એક લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું મીડિયા અહેવાલો પરથી જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં કેનેડામાં પણ ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ BAPS સ્વામિનારાયણ હિંદુ મંદિરને નિશાન બનાવ્યું હતું અને ત્યાં પણ તોડફોડ કરીને ખાલિસ્તાનના સમર્થનમાં અને ભારતની વિરુદ્ધ નારા ચીતર્યા હતા. ત્યારબાદ ભારત સરકારે પણ આ કૃત્યની ટીકા કરીને કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી.