જાણીતા ટીવી શૉ ‘ક્રાઇમ પેટ્રોલ’માં શ્રદ્ધા હત્યા કેસને તોડીમરોડીને બતાવવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર થયેલી ટીકાઓ અને વિરોધને વશ થઈને આખરે આ વિવાદિત એપિસોડ Sony LIV એપ પરથી હટાવી લેવામાં આવ્યો છે. આ એપિસોડમાં પીડિત યુવતીને ખ્રિસ્તી જ્યારે હત્યારાને હિંદુ બતાવવામાં આવ્યો હતો.
આ એપિસોડ Sony LIV એપ પરથી હટાવી લેવામાં આવ્યો છે. હવે આ શૉની લિંક પર ક્લિક કરતાં ‘કન્ટેન્ટ નૉટ ફાઉન્ડ’ લખેલું દર્શાવવામાં આવે છે.
અન્ય પ્લેટફોર્મ Airtel Xtreme પરથી પણ એપિસોડ ડિલીટ કરી દેવામાં આવ્યો છે.
યુ-ટ્યુબ ઉપર એપિસોડનો રિકેપ એપિસોડ મૂકવામાં આવ્યો હતો, જે પણ હવે દેખાઈ રહ્યો નથી.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પ્રસારિત કરવામાં આવેલ ‘ક્રાઇમ પેટ્રોલ’ના એપિસોડમાં શ્રદ્ધા હત્યા કેસનું નાટ્ય રૂપાંતરણ દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ તેમાં પાત્રોની ઓળખ બદલી નાંખવામાં આવી હતી તો તથ્યો સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી. એપિસોડમાં પીડિત યુવતી શ્રદ્ધાને ખ્રિસ્તી ‘એના ફર્નાન્ડિઝ’ અને તેના હત્યારા એટલે કે પ્રેમીને મિહિર એટલેકે હિંદુ બતાવવામાં આવ્યો હતો. જ્યારે વાસ્તવમાં શ્રદ્ધાનો હત્યારો આફતાબ પૂનાવાલા મુસ્લિમ હતો. Sony ટીવી પર પ્રસારિત થયા બાદ આ એપિસોડ Sony LIV સહિતનાં પ્લેટફોર્મ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો.
‘ક્રાઇમ પેટ્રોલ’માં આ બંનેને પુણેમાં શિફ્ટ થતાં બતાવવામાં આવે છે, જ્યારે આફતાબ અને શ્રદ્ધા દિલ્હી શિફ્ટ થયાં હતાં. દિલ્હીના જ ઘરમાં આફતાબે શ્રદ્ધાની હત્યા કરીને મૃતદેહના ટુકડા કર્યા હતા. એટલું જ નહીં, આ એપિસોડમાં મિહિરની માતાને ભક્તિભાવ કરતી હિંદુ સ્ત્રી બતાવવામાં આવી હતી. જેથી ઈશારો એ તરફ કરવામાં આવ્યો કે હત્યારો હિંદુ પરિવારમાંથી આવતો હતો, જે સત્યથી વિપરીત હતું.
શ્રદ્ધા હત્યા કેસ
દિલ્હી સહિત આખા દેશમાં હલચલ મચાવી દેનારા આ કેસને લઈને ગત 14 નવેમ્બરે વિગતો બહાર આવી હતી, જ્યારે દિલ્હી પોલીસે છ મહિનાની તપાસ અને શોધખોળ બાદ આફતાબ પૂનાવાલાને શોધી કાઢ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાંખી હતી અને મૃતદેહના ટુકડા કરીને ફેંકી દીધા હતા.
આફતાબે શ્રદ્ધાની હત્યા ગત મે મહિનામાં કરી હતી. ત્યારબાદ મૃતક યુવતીના પિતા તેને શોધતા દિલ્હી આવ્યા હતા અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસ છ મહિના સુધી તેને શોધતી રહી ત્યારબાદ શંકાના આધારે આફતાબને પકડ્યો અને સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હાલ આફતાબ તિહાડ જેલમાં બંધ છે.