ગુરુવારે (22 ડિસેમ્બર 2022) ઓસ્કાર એકેડમીએ 95મા એવોર્ડ્સ માટે 10 કેટેગરીની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત, દક્ષિણની બહુ વખણાયેલી ફિલ્મ RRRના ગીત ‘નાટૂ..નાટૂ’ને પણ ‘ઓરિજિનલ સોન્ગ’ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે.
ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ સૌરાષ્ટ્રના એક બાળકની વાર્તા પર આધારિત છે. ફિલ્મ પાન નલિને ડાયરેક્ટ કરી છે અને ગત 14 ઓક્ટોબરના રોજ દેશમાં રિલીઝ થઇ હતી. ફિલ્મ પહેલી વખત ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં 10 જૂન 2021ના રોજ મોટા પડદે બતાવવામાં આવી હતી. ફિલ્મને અન્ય ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે. ફિલ્મ આ વર્ષે ભારતની ઓસ્કારમાં ઓફિશિયલ એન્ટ્રી છે.
A memorable moment, indeed… #LastFilmShow [#ChhelloShow] shortlisted in ‘International Feature Film’ category at #Oscars2023… OFFICIAL POSTER… pic.twitter.com/1W2dZpJFmz
— taran adarsh (@taran_adarsh) December 22, 2022
આ ઉપરાંત, આ જ વર્ષે આવેલી ફિલ્મ RRRના ગીત ‘નાટૂ..નાટૂ’ને ‘ઓરીજીનલ સોન્ગ’ કેટેગરીમાં સિલેક્ટ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ગીત શોર્ટલિસ્ટ થયા બાદ ટીમ તરફથી સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને દર્શકોથી માંડીને સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
RRR તેલુગુ સ્વતંત્રતા સેનાનીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમના જીવન પર આધારિત એક કાલ્પનિક વાર્તા છે. ફિલ્મમાં રામચરણ અને જુનિયર એનટીઆરે લીડ રોલ ભજવ્યા છે. ફિલ્મ આ વર્ષે માર્ચ મહિનામાં રિલીઝ થઇ હતી અને દુનિયાભરમાં 1200 કરોડથી વધુની કમાણી કરી હતી. RRR આ વર્ષની સૌથી સફળ ફિલ્મો પૈકીની એક છે.
Here we go… #NaatuNaatu becomes 𝙩𝙝𝙚 𝙛𝙞𝙧𝙨𝙩 𝙄𝙣𝙙𝙞𝙖𝙣 𝙨𝙤𝙣𝙜 to be shortlisted for the Academy Awards! 🤩🙏🏻
— RRR Movie (@RRRMovie) December 22, 2022
THANK YOU everyone for supporting us throughout our journey ❤️#RRRForOscars #RRRMovie https://t.co/8VsXwhQ5C3 pic.twitter.com/E1pLfbCvGb
‘ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં ‘છેલ્લો શૉ’ સહિત કુલ 15 ફિલ્મોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જેમાંથી પાંચ નોમિનેટ કરવામાં આવશે. જો ગુજરાતી ફિલ્મ નોમિનેટ થઇ જાય તો ઓસ્કાર જીતવાની સંભાવનાઓ વધી જશે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લે 2001માં લગાન અંતિમ વખત નોમિનેટ થઇ હતી. ત્યારબાદ કોઈ ભારતીય ફિલ્મ નોમિનેટ થઇ નથી.
આ યાદીમાં પાડોશી દેશ પાકિસ્તાનની ફિલ્મ ‘જોયલેન્ડ’ પણ સામેલ છે. જ્યારે ‘નાટૂ..નાટૂ’ને પણ અન્ય 14 ગીતો સાથે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે.
12 માર્ચે યોજાશે ઓસ્કાર એવોર્ડ્સ
શોર્ટલિસ્ટ થયા બાદ હવે નોમિનેશન માટે 12 જાન્યુઆરીથી વોટિંગ શરૂ થશે, જે 17 જાન્યુઆરી સુધી ચાલશે. ત્યારબાદ 24 જાન્યુઆરીના રોજ ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ 2 માર્ચ 2023ના રોજ ફાઇનલ વોટિંગ શરૂ થશે, જે 7 માર્ચ 2023 સુધી ચાલશે. આખરે 12 માર્ચ 2023ના રોજ 95મો ઓસ્કાર એવોર્ડ સમારંભ યોજાશે.