વસૂલીના આરોપોનો સામનો કરતા સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી વધુ એક પત્ર લખ્યો છે. જેમાં તેણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને જેલમાં બંધ તેમના મંત્રી સત્યેન્દ્ર જૈન સામે આરોપો લગાવ્યા છે. તેમજ સુકેશે કેજરીવાલને ‘ખુલ્લા પાડવા’ની પણ ચીમકી આપી છે. તેણે પત્રમાં એમ પણ લખ્યું કે, કેજરીવાલના રાજકારણના અંતનો આરંભ થઇ ગયો છે.
પત્રમાં સુકેશ ચંદ્રશેખરે કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનને સંબોધીને તેમના આરોપોના જવાબો આપ્યા છે. કેજરીવાલે સુકેશ કેજરીવાલની ભાષા બોલતો હોવાનો આરોપ લગાવ્યો હતો. જેનો જવાબ આપતાં સુકેશે કહ્યું કે, તેને કોઈએ આ પત્રો લખવા માટે કહ્યું નથી અને તે જાતે જ લખી રહ્યો છે. ભાજપને લઈને સુકેશે કહ્યું કે, પાર્ટીને તેની પાસે આવા પત્રો લખાવવાની કોઈ જરૂર જણાતી નથી. તેણે એમ પણ કહ્યું કે, કેજરીવાલે આ સસ્તું રાજકારણ રમવાનું બંધ કરવું જોઈએ.
હાલમાં જ ગયેલી MCD ચૂંટણીને લઈને સુકેશે કેજરીવાલને સંબોધીને કહ્યું કે, તેઓ થોડી જ બેઠકોથી આ ચૂંટણી જીત્યા હતા અને તેમના 200થી વધુ બેઠકોના દાવાને પણ તેણે યાદ કરાવ્યો હતો. સુકેશે એમ પણ કહ્યું કે, સત્યેન્દ્ર જૈનના વિસ્તારની તમામ બેઠકો આમ આદમી પાર્ટી હારી ગઈ હતી તેમજ મનિષ સિસોદિયાના મતવિસ્તારમાં પણ એ જ હાલત થઇ હતી.
આગળ સુકેશ ચંદ્રશેખર પત્રમાં કહે છે કે, લોકો કેજરીવાલના ‘જુઠ્ઠાણાં’ અને ‘નાટકો’ને નકારી ચૂક્યા છે. આ તેમના રાજકારણના અંતની શરૂઆત થઇ ગઈ છે અને તેઓ અને તેમની ગેંગ બહુ જલ્દીથી વાસ્તવિકતાનો સામનો કરશે. તેણે પત્રમાં કહ્યું, ‘સાચા રંગ બહાર આવ્યા બાદ લોકો તમને નકારી દેશે અને હું એ ખાતરી આપું છું કે તમામ બાબતો જાહેરમાં લાવીશ. મને ઓફરો આપવામાં તમારો સમય બરબાદ ન કરો કારણ કે પૈસાની લાલચ મને આપવાની તમારામાં ‘ઔકાત’ નથી.’
સુકેશ પત્રમાં લખે છે કે, ‘કેજરીવાલજી, તમે ચૂંટણી પહેલાં મારા આરોપોને ખોટો દુષ્પ્રચાર ગણાવતા હતા. જો એ ખરેખર ખોટા હોય તો તમારે એ વાત સાબિત કરવી જોઈએ. અને જો હિંમત હોય તો તમારો અને સત્યેન્દ્ર જૈનનો મારી સાથે પોલીગ્રાફ ટેસ્ટ કરાવવો જોઈએ, કાં તો તમામ આરોપોની તપાસ સીબીઆઈ પાસે કરાવ્વાઈ ભલામણ કરવી જોઈએ.’ તેણે કહ્યું કે, કેજરીવાલ પોતાને ‘કટ્ટર ઈમાનદાર’ ગણાવે છે તો તેમણે આ બંને પડકારો સ્વીકારી લેવા જોઈએ.
તેણે એ પણ સવાલ ઉઠાવ્યા છે કે શા માટે હજુ સુધી કેજરીવાલે તેમના મંત્રી સત્યેન્દ્ર જૈનને બરતરફ કર્યા નથી? ઉલ્લેખનીય છે કે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન હાલ ભ્રષ્ટાચારના આરોપોમાં જેલમાં બંધ છે. તેણે એમ પણ કહ્યું કે, જૈન કેજરીવાલની ‘લૂંટ ગેંગ’ના સૌથી અગત્યના વ્યક્તિ હોવાના કારણે તેઓ તેમને મંત્રી પદેથી બરખાસ્ત કરી રહ્યા નથી.
પત્રને અંતે સુકેશ કહે છે કે તે પાછળ હટશે નહીં અને કેજરીવાલની ધમકીઓ અને ઓફરોથી ડગ્યા વગર તેમને ‘ખુલ્લા પાડવાનું’ ચાલુ રાખશે. તેણે પત્રમાં કેજરીવાલને ‘મહાઠગ’ પણ ગણાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુકેશ ચંદ્રશખેરે કેજરીવાલ અને તેમના મંત્રીઓ સામે લગાવેલા આરોપોની તપાસ કરતી પેનલે પોતાનો રિપોર્ટ દિલ્હીના ઉપ-રાજ્યપાલને સોંપ્યો હતો અને આરોપોને ‘ગંભીર’ ગણાવીને તેની તપાસ વિશેષ એજન્સી પાસે કરાવવા માટે ભલામણ કરી હતી. ત્યારે હવે સુકેશનો વધુ એક પત્ર સામે આવ્યો છે.