પાડોશી રાજ્ય રાજસ્થાનના ઉદયપુરમાંથી બીફમાંથી બનેલી ચોકલેટ મળી આવવાનો મામલો સામે આવ્યો છે. આ ચોકલેટ પાકિસ્તાનમાં બની હોવાનું કહેવાય છે. મામલાની જાણ થતાં જ સ્વાસ્થ્ય વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને દુકાનમાંથી આ પ્રકારની ચોકલેટ જપ્ત કરી લીધી હતી.
અહેવાલો અનુસાર, આ ચોકલેટના પેકેટ પર ‘બીફ જિલેટીન’ તેમજ ‘મેડ ઈન પાકિસ્તાન’ લખવામાં આવ્યું છે. સાથે સરનામું બલૂચિસ્તાનનું લખવામાં આવ્યું હતું. ચોકલેટનું નામ ‘ચિલી-મિલી’ છે અને એક પાઉચમાં 24 નંગ ચોકલેટ આવે છે, જેની કિંમત 20 રૂપિયા જેટલી છે. પેકેટ પર લાલ નિશાન પર જોવા મળે છે, જે સામાન્ય રીતે નોન-વેજ ઉત્પાદનો માટે વપરાય છે.
આ ચોકલેટ ઉદયપુર દેહલી ગેટ પાસે આવેલી એક દુકાનમાંથી મળી આવી હતી. ફૂડ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે દુકાન પર દરોડા પાડીને ચોકલેટનાં પેકેટ જપ્ત કરી લીધાં હતાં. જેને તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
જે દુકાનમાંથી આ બીફમાંથી બનેલી ચોકલેટ જપ્ત કરવામાં આવી તેના માલિકનું કહેવું છે કે કોઈ એક ગ્રાહકે આ ચોકલેટની માંગ કરી હતી અને જેથી મુંબઈથી આ ચોકલેટ મંગાવવામાં આવી હતી. તેણે એમ પણ જણાવ્યું કે તેને આનું કોઈ બિલ મળ્યું ન હતું. દુકાનદાર અનુસાર, 3 પેકેટ ચોકલેટ લાવવામાં આવી હતી, જેમાંથી માત્ર એક જ વેચાયું છે. જોકે, એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે અજ્ઞાનતામાં પણ ઘણા લોકોએ આ ચોકલેટ ખરીદીને ખાધી હોય શકે, કારણ કે સામાન્ય રીતે લોકો નાની-નાની વિગતો ચકાસતા હોતા નથી.
શહેરની વચ્ચે ભરબજારમાંથી આ પ્રકારની ચોકલેટ મળી આવતાં લોકોએ વાંધો ઉઠાવીને કડક કાર્યવાહીની માંગ કરી હતી તેમજ ચોકલેટનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવા માટે પણ માંગ કરવામાં આવી હતી. બીજી તરફ, ચોકલેટના સેમ્પલ લેબમાં ચકાસવા માટે મોકલવામાં આવ્યાં હોવાનું સ્થાનિક તંત્રે જણાવ્યું છે.
આ મામલે CMHO આર. એલ બામણિયાએ જણાવ્યું કે, “એક દિવસ પહેલાં એક વ્યક્તિએ ઓફિસે આવીને આ મામલે ફરિયાદ કરી હતી અને સેમ્પલ પણ બતાવ્યું હતું. મેં તરત જ ફૂડ ઇન્સ્પેક્ટરને તપાસ માટે રવાના કર્યા હતા. સ્થળ પરથી ચોકલેટ જપ્ત કરી તેનું સેમ્પલ પણ જપ્ત કરી લેવામાં આવ્યું હતું. ચોકલેટ ઉપર ‘મેડ ઈન પાકિસ્તાન’ અને કન્ટેન્ટમાં ‘બીફ જીલેટીન’ લખવામાં આવ્યું હતું. તેના સેમ્પલને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વાચકોને જાણ થાય કે ઉદયપુર એ જ શહેર છે જ્યાં ગત જૂન મહિનામાં બે કટ્ટરપંથી ઇસ્લામીઓએ ધોળા દહાડે કન્હૈયાલાલ નામના એક હિંદુ દરજીની હત્યા કરી નાંખી હતી. હવે, આ શહેર ફરી ચર્ચામાં આવ્યું છે.