ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવું પરિણામ મેળવ્યા બાદ હવે નવી સરકાર અને શપથવિધિ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આમ તો ઘણી બેઠકો પર હજુ મતગણતરી ચાલી રહી છે પરંતુ ભાજપે એટલી લીડ મેળવી છે કે હવે તેને તોડવી મુશ્કેલ છે અને માત્ર ઔપચારિકતાઓ જ બાકી રહી છે. બીજી તરફ, નવી સરકારની શપથવિધિની તારીખ પણ સામે આવી ગઈ છે.
Gujarat CM will take oath at 2pm on 12th December. PM Modi and Union Home Minister Amit Shah will take part in the oath ceremony: State BJP Chief CR Patil pic.twitter.com/xEaCv7GaUo
— ANI (@ANI) December 8, 2022
હાલની સ્થિતિએ ભારતીય જનતા પાર્ટી 158 બેઠકો ઉપર આગળ છે, જ્યારે કોંગ્રેસ 16 અને આમ આદમી પાર્ટી 5 બેઠકો ઉપર આગળ છે. ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ભાજપે 7 જ્યારે કોંગ્રેસે 1 બેઠક જીતી લીધી છે. આમ આદમી પાર્ટીએ હજુ ખાતું પણ ખોલાવ્યું નથી.
ભાજપની ઐતિહાસિક જીત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ગાંધીનગર સ્થિત કમલમ્ કાર્યાલયે પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યકર્તાઓનું અભિવાદન કરીને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. અહીં, ભાજપ પ્રદેશ પ્રમુખે જાહેરાત કરી હતી કે ગુજરાતની નવી સરકાર આગામી 12 ડિસેમ્બરના રોજ શપથ લેશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના જણાવ્યા અનુસાર, નવી ગુજરાત સરકારની શપથવિધિ આગામી 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભા ભવનની પાછળના હેલિપેડ ગ્રાઉન્ડ પર યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે. મુખ્યમંત્રી તરીકે ફરી એક વખત ભુપેન્દ્ર પટેલ જ શપથ લેશે તે નક્કી છે.
જીત બાદ સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, “બે દાયકાની વિકાસયાત્રા અવિરત ચાલુ રાખવા માટે ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે અને ફરી એક વખત વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે, જે તેમનો નરેન્દ્ર મોદી પ્રત્યેનો અપાર વિશ્વાસ, પ્રેમ અને આશીર્વાદ દર્શાવે છે.
તેમણે ઉમેર્યું કે, અમે વિનમ્રતાથી આ જનાદેશ સ્વીકારીએ છીએ. જનતાએ દેશદ્રોહીઓને નકારીને રાષ્ટ્રવાદીઓને તક આપી છે, ગુજરાતની જનતાને વિકાસ અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ જોઈએ છે, તેથી તેમણે જૂઠાં પ્રલોભનો આપનારા અને લોકોને ઠગનારા લોકોને નકારી દીધા છે.”
તેમણે જીત બદલ કાર્યકર્તાઓને અભિનંદન આપતાં કહ્યું કે, આ જીત માટે એક-એક કાર્યકર્તા અભિનંદનને પાત્ર છે. સાથે સરકારનાં કામો ગણાવતાં કહ્યું કે, તેઓ ગુજરાતમાં ચાલતી આવેલી આ વિકાસયાત્રા ચાલુ રાખશે અને જનતાએ મૂકેલા વિશ્વાસ ઉપર ખરા ઉતરશે.