પહેલી વખત ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા ઉતરેલી પાર્ટી AIMIMના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી સતત પ્રચાર કરી રહ્યા છે. તેમની પાર્ટીએ મુસ્લિમ બહુમતી બેઠકો પર જ ઉમેદવારો ઉભા રાખ્યા છે, પરંતુ આ બેઠકો પર પણ ઓવૈસીએ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હવે, અમદાવાદમાં ફરી ઓવૈસીનો કાળા વાવટા અને નારા દ્વારા વિરોધ જોવા મળ્યો હતો.
બીજા તબક્કાના મતદાન પહેલાં ચૂંટણી પ્રચાર માટે ગણતરીના કલાકો બાકી છે ત્યારે અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં જમાલપુર-ખાડિયાના તેમની પાર્ટીના ઉમેદવાર સાબિર કાબલીવાલા માટે પ્રચાર કરવા માટે અલગ-અલગ વિસ્તારોમાં નીકળ્યા હતા. દરમિયાન, સ્થાનિક મુસ્લિમોએ તેમને કાળા વાવટા બતાવીને વિરોધ કર્યો હતો અને ‘ગો બેક’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
અસદુદ્દીન ઓવૈસી પ્રચાર માટે નીકળ્યા ત્યારે શાહપુર મિલ કમ્પાઉન્ડમાં મુસ્લિમ મતદારોએ તેમને કાળા વાવટા બતાવ્યા હતા અને ‘ઓવૈસી ગો બેક’ના નારા લગાવ્યા હતા. ઉપરાંત, ‘ઓવૈસી ગો બેક’ લખેલાં બેનરો પણ બતાવવામાં આવ્યાં હતાં. અમદાવાદનો શાહપુર વિસ્તાર મુસ્લિમ બહુમતી વિસ્તાર છે.
વિરોધ થતો જોતાં અસદુદ્દીન ઓવૈસી અને તેમની સાથે આવેલા નેતાઓએ ત્યાંથી ચાલતી પકડી હતી. બીજી તરફ, રિપોર્ટ્સ એમ પણ જણાવી રહ્યા છે કે લોકોએ કોંગ્રેસના સમર્થનમાં પણ નારાબાજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ ઘણી જગ્યાએ થઇ ચૂક્યો છે. સુરતની સુરત પૂર્વ વિધાનસહ બેઠક ઉપર તેઓ સભા કરવા પહોંચતાં અહીં મુસ્લિમ યુવકોએ કાળા વાવટા ફરકાવી, ગો બેકના નારા લગાવી તેમનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન ઓવૈસીની સભામાં ‘મોદી…મોદી’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. સુરત પૂર્વ બેઠક પર પણ AIMIMએ ઉમેદવાર ઉતાર્યા છે.
AIMIM આ વિધાનસભા ચૂંટણીમાં કુલ 13 બેઠકો ઉપર લડી રહી છે. પહેલાં પાર્ટીએ 14 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ અમદાવાદની બાપુનગર બેઠક પર કોંગ્રેસનું સમર્થન કરી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું હતું. અહીં કોંગ્રેસ તરફથી હિંમતસિંઘ ઉમેદવાર છે.
જોકે, જ્યાં ઓવૈસીએ ઉમેદવારો ઉતાર્યા છે ત્યાં મોટાભાગની બેઠકો પર તેમને મુસ્લિમ મતદારોનું જ સમર્થન મળી રહ્યું નથી. ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ પર જઈને આ બેઠકો પરની રાજકીય પરિસ્થિતિ જાણવાના પ્રયાસ કર્યા હતા. જેમાં સુરત અને અમદાવાદની બેઠકો પર મુસ્લિમ મતદારો જ AIMIMનું સમર્થન ન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ બંને ગ્રાઉન્ડ રિપોર્ટ અહીં અને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.