Monday, October 14, 2024
More
    હોમપેજસંપાદકની પસંદગુજરાતમાં ઓવૈસીનો પતંગ ઉડશે કે મુસ્લિમ સમાજ છોડશે ઢીલ: જે બેઠકો પર...

    ગુજરાતમાં ઓવૈસીનો પતંગ ઉડશે કે મુસ્લિમ સમાજ છોડશે ઢીલ: જે બેઠકો પર AIMIMના ઉમેદવારો ઉભા છે ત્યાંના મુસ્લિમો શું કહે છે તે જાણો

    "આ બન્ને નેતાઓનું પોતાના સમાજ પર સારું એવું પ્રભુત્વ છે અને સમાજ કોને પોતાનો મત આપશે એ હમણાંથી જાણી શકવું શક્ય નથી. પરંતુ એક વાત નક્કી છે કે કાબલીવાલાને જે પણ વોટ મળશે એ તેમના પોતાના નામ પર મળશે નહિ કે AIMIMના નામ પર. કેમ કે ભૂતકાળમાં તેઓ અપક્ષ લડીને પણ 30,000થી વધુ વોટ મેળવી ચુક્યા છે."

    - Advertisement -

    હમણાં સુધીનો ઇતિહાસ એવો છે કે ગુજરાતમાં વિધાસભાની લડાઈ હમેશા બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહી છે. આ પહેલી વારા છે કે આમ આદમી પાર્ટી તરીકે કોઈ ત્રીજો પક્ષ નોંધપાત્ર રીતે આમ ભાગ લઇ રહ્યો છે. તે ઉપરાંત હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી પણ આ વખતે ઘણી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભી રાખી રહી છે.

    સાંસદ અસદુદ્દીન ઓવૈસીની અધ્યક્ષતાવાળી પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ આ વિધાનસભા ચૂંટણીમાં 14 બેઠકો પાર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. જેમાંથી 12 ઉમેદવારો મુસ્લિમ છે. 2 બેઠકો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત હોવાથી ત્યાં આ પાર્ટી દ્વારા હિન્દૂ અનુસૂચિત જાતિના ઉમેદવારને ઉભા રખાયા છે.

    AIMIM અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી પોતાના કોમવાદી રાજકરણ અને વિવાદાસ્પદ નિવેદનોને લઈને દેશભરમાં કુખ્યાત છે. તો તેમની આ કોમવાદી રાજનીતિનું ગુજરાતના મુસ્લિમોના જનમાનસ પર શું અસર થઇ રહી છે એ વિષે ઑપઇન્ડિયા દ્વારા ઉપરોક્ત બેઠકોમાંથી કેટલીકે બેઠકો પર સ્થાનિક મુસ્લિમો સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

    - Advertisement -

    દાણીલીમડામાં ભીડ ભેગી ન થતા ઓવૈસીની સભા થઇ ચુકી છે રદ્દ

    અમદાવાદની મુસ્લિમ બહુલ ગણાતી પરંતુ અનુસૂચિત જાતિ (SC) માટે આરક્ષિત દાણીલીમડા બેઠક માટે AIMIMએ કૌશિકા પરમાર નામના મહિલાને ઉમેદવારી આપી છે. અહીં છેલ્લી 4 ટર્મથી કોંગ્રેસના શૈલેષ પરમાર ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવી રહ્યા છે. આ વખતે પણ કોંગ્રેસે પોતાના ચાલુ ધારાસભ્યને જ ઉમેદવાર બનાવ્યા છે.

    AIMIM દ્વારા આ બેઠક પર હિન્દૂ અનુસૂચિત જાતિના ઉમેદવાર તરીકે કૌશિકા પરમારને ઉમેદવાર બનાવ્યા છે.

    નોંધનીય છે કે શૈલેષ પરમારને દાણીલીમડામાં આવેલ શાહઆલમ દરવાજાની અંદર રહેતા એક બાહુબલી મુસ્લિમ પરિવારનું પીઠબળ મળેલું છે જેથી તેઓ મુસ્લિમ મત મેળવીને સતત ચૂંટાતા આવી રહ્યા છે. આ એ જ વિસ્તાર છે જ્યાં CAA વિરોધી પ્રદર્શનના નામે સુરક્ષા જવાનો અને પોલીસ પર મુસ્લિમોએ જીવલેણ હુમલો કર્યો હતો અને જેના આરોપમાં સ્થાનિક કોર્પોરેટર શહેઝાદ અનેક લોકો જેલમાં જઈ ચુક્યા છે.

    આ મુસ્લિમ બહુલ બેઠક પર મુસ્લિમ સમાજના ટેકાથી છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ રાજ કરી રહી છે. આ વખતે AIMIM સ્વરૂપે પહેલીવાર કોઈ મુસ્લિમ પક્ષ અહીંથી તેમને ચેલેન્જ કરી રહ્યો છે. તો આ વિષે ઑપઇન્ડિયાએ દાણીલીમડા જઈને સ્થાનિક મુસ્લિમોના મત જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

    અમારી ટીમ શુક્રવાર (18 નવેમ્બર), જુમ્માના દિવસે દાણીલીમડામાં આવેલ પીર કમાલ મસ્જિદ પાસે આવેલ ફકીરા નામની ચા ની કીટલી પર પહોંચી હતી. અહીં હમેશા 100-150 લોકો બેસેલા જોવા માલ્ટા હોય છે જેમાં મોટું પ્રમાણ મુસ્લિમોનું હોય છે.

    પીર કમાલ મસ્જિદ પાસે, દાણીલીમડા

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા કરતા સોહેલ નામના એક સ્થાનિક વ્યક્તિ કે જેઓ ઇલેકટ્રીશિયન તરીકે કામ કરે છે તેમણે પોતાનો મત જણાવતા કહ્યું કે, “દાણીલીમડામાં તો શહેઝાદ બાબા કહે એ જ થાય. અહીંયા ઓવૈસી ના ચાલે.”

    આગળ વાત કરતા સોહેલે કહ્યું કે, “થોડા દિવસ પહેલા દાણીલીમડામાં ઓવૈસીની સભા હતી, પરંતુ સભા માટે માણસો જ ભેગા ના થતા તેમણે સભા કેન્સલ કરીને નીકળી જવું પડ્યું હતું. જે લોકોની સભામાં માણસો નથી આવતા તેમને વોટ કોણ આપશે?”

    અન્ય એક ફરીદ મોહંમદ આતરી નામના વ્યક્તિએ જણાવ્યું કે, “મુસ્લિમોમાં વાત એવી ચાલે છે કે, ઓવૈસી મુસ્લિમોના નેતા નથી. એ તો BJP-RSS ના એજન્ટ છે. માટે કોઈ મુસ્લિમ તેને વોટ નહીં આપે”

    આ સિવાય ઘણા લોકો સાથે અમારી ટીમે વાત કરી જેમના પ્રતિભાવો મોટાભાગે આમને મળતા જ આવી રહ્યા હતા. ઉપરાંત એક વાત ઉડીને આંખે વળગી રહી હતી કે આ બેઠક અનુસૂચિત જતી માટે આરક્ષિત હોવાથી અહીંયા AIMIMએ હિન્દૂ મહિલાને ઉમેદવાર બનાવી હતી. જો આ બેઠક સામાન્ય હોત અને AIMIMમાંથી કોઈ મુસ્લિમ પુરુષ ઉમેદવાર હોત તો કદાચ લોકોના પ્રતિભાવ અને ચૂંટણીના પરિણામમાં જરૂર ફરક આવ્યો હોત.

    જમાલપુરમાં છીપા વિરુદ્ધ છીપાનો જંગ

    અમદાવાદની જમાલપુર બેઠક પણ એક મુસ્લિમ બહુલ વિધાનસભા છે જ્યાં હાલ કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય છે અને આ વખતે કોંગ્રેસના ઉમેદવાર પણ તેઓ જ છે. અહીં પણ AIMIMએ પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. ગુજરાત AIMIMના પ્રદેશ અધ્યક્ષ સાબીર કાબલીવાલા અહીંથી ઓવૈસીની પાર્ટીના ઉમેદવાર બન્યા છે.

    અમદાવાદની જમાલપુર બેઠક પર મુસ્લિમોની એક જાતિ એવા છીપા મુસ્લિમોનું પ્રભુત્વ વધારે છે. હમણાં સુધીનો ઇતિહાસ એવો છે કે છીપા મુસ્લિમોએ પોતાના વોટથી અહીંની રાજનીતિને દિશા આપી છે. 2012માં જયારે કોંગ્રેસ દ્વારા અહીંયા છીપા મુસ્લિમની જગ્યાએ અન્ય મુસ્લિમ સમીરખાન સિપાઈને ઉમેદવારી આપી હતી જેઓ પઠાણ હતા. ત્યારે છીપા સમાજમાંથી આવતા સાબીર કાંબલીવાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અને આખા છીપા સમાજે સાથે મળીને તેમને 30,000 થી વધુ વોટ આપ્યા હતા અને તેના પરિણામે કોંગ્રેસ ઉમેદવાર ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ સામે માત્ર 6000 વોટોથી હારી ગયા હતા.

    ઑપઇન્ડિયાની ટીમ જમાલપુરમાં આવેલ પ્રખ્યાત લકી ટી સ્ટોલ ખાતે પહોંચી હતી. અહીં અમે સ્થાનિક મુસ્લિમોના માટે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં એઝાજ અખ્તર શેખ, જેઓ પ્રાઇવેટ નોકરી કરે છે, તેમણે જણાવ્યું કે, “આ વખતે જમાલપુરમાં છીપા વિરુદ્ધ છીપાનો જંગ છે. કેમ કે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા અને AIMIMના સાબીર કાબલીવાલા બંને છીપા સમાજમાંથી આવે છે.”

    લકી ટી સ્ટોલ, જમાલપુર

    તેમણે આગળ જણાવ્યું કે, “આ બન્ને નેતાઓનું પોતાના સમાજ પર સારું એવું પ્રભુત્વ છે અને સમાજ કોને પોતાનો મત આપશે એ હમણાંથી જાણી શકવું શક્ય નથી. પરંતુ એક વાત નક્કી છે કે કાબલીવાલાને જે પણ વોટ મળશે એ તેમના પોતાના નામ પર મળશે નહિ કે AIMIMના નામ પર. કેમ કે ભૂતકાળમાં તેઓ અપક્ષ લડીને પણ 30,000થી વધુ વોટ મેળવી ચુક્યા છે.”

    અન્ય એક વ્યક્તિએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે દર ચૂંટણીમાં મતદાનના આગલા દિવસે છીપા સમાજ દ્વારા ફતવો બહાર પાડવામાં આવે છે કે તેઓ કોને વોટ આપશે. અને ફતવામાં જેનું નામ હોય તેમને આખા સમાજના મત મળવા લગભગ નક્કી હોય છે. હવે જોવાનું એ રહેશે કે આ છીપા-છીપા વચ્ચેની લડાઈમાં સમાજ કોનો સાથ આપે છે.

    અનસ પટની નામના એક વ્યક્તિએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “ગુજરાતમાં AIMIM ક્યાંય સારું પ્રદર્શન નહીં કરે માત્ર કોંગ્રેસના થોડા ઘણા વોટ તોડવાનું કામ કરશે. જેનો આડકતરો ફાયદો ભાજપને જ મળશે.”

    અમે અન્ય ઘણા મુસ્લિમ નાગરિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ મોટાભાગના લોકો અમારી સાથે વાત કરવાથી અને પોતાનો મત આપવાથી બચત નજરે પડ્યા હતા.

    સુરતમાં ઓવૈસીના કપરાં પાણી

    અમદાવાદ ઉપરાંત AIMIMએ સુરતમાં પણ બે બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. આ બંને બેઠકો છે સુરત પૂર્વ અને લીંબાયત. આ બંને બેઠકો પર મુસ્લિમોની સારી એવી વસ્તી છે.

    તાજેતરમાં જ ઑપઇન્ડિયાએ અહેવાલ આપ્યો હતો કે ઓવૈસીની સુરત પૂર્વ બેઠક પરની જાહેરસભા દરમિયાન તેમને મુસ્લિમોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઓવૈસી જયારે સ્ટેજ પર પોતાની વાત કહેવા આવ્યા તે જ સમયે અમુક મુસ્લિમ યુવાનોએ કાળા વાવટા ફરકાવીને ‘મોદી-મોદી’ અને ‘વાપસ જાઓ, વાપસ જાઓ’ ના નારા સાથે ઓવૈસીનો વિરોધ કર્યો હતો.

    આ પહેલીવાર નથી કે ગુજરાતમાં મુસ્લિમ સમાજ દ્વારા ઓવૈસીનો વિરોધ કરવામાં આવ્યો હોય. આ પહેલા મે મહિનામાં પણ સુરતના લીંબાયતમાં જ મુસ્લિમ સમાજના લોકોએ ભેગા થઈને ચૂંટણી પ્રવાસે આવેલ AIMIM નેતાનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

    આ વિરોધ વખતે લોકોએ ઓવૈસીને BJP-RSSના એજન્ટ ગણાવ્યા હતા. અને ન માત્ર સુરત પરંતુ ગુજરાતભરમાં મુસ્લિમોના એક મોટાં વર્ગનું એવું માનવું છે ઓવૈસી ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. ઑપઇન્ડિયાની તપાસમાં પણ આ વાત સામે આવી રહી હતી.

    કોંગ્રેસને મદદ કરવા AIMIMએ બાપુનગરના ઉમેદવાર હટાવ્યા

    એક બાજુ મુસ્લિમ સમાજમાં એવી વાત ચાલુ રહી છે કે ઓવૈસી ભાજપ અને RSSના એજન્ટ છે અને તેમની પાર્ટી BJPની B-ટિમ છે. મુસ્લિમોમાં એવી વાત પણ પ્રચલિત છે કે AIMIM ગુજરાતમાં કોંગ્રેસના વોટ તોડીને ભાજપને મદદ કરવા આવી છે.

    તો બીજી બાજુ અમદાવાદની બાપુનગર બેઠકના AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે કોંગ્રેસના ઉમેદવારને મદદ કરવા માટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. હવે મુસ્લિમ સમાજ માટે એ નક્કી કરવું વધુ અઘરું બનશે કે ઓવૈસી અને AIMIM ખરેખર કોની B-ટીમ છે.

    આ સિવાયની બેઠકો પર જ્યાં AIMIMએ ઉમેદવારો ઉભા રાખ્યા છે ત્યાં પણ તેઓ કોઈ મોટો અસર કરી શકશે એવી સ્થાનિક લોકો માનતા નથી. તો હવે જોવાનું એ રહેશે કે ગુજરાતનો મુસ્લિમ સમાજ ખરેખર ઓવૈસીની કોમવાદી રાજનીતિ નકારી કાઢશે કે પછી છેલ્લી ઘડીએ ‘આપના વાલા હૈ’ કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં