વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે હમણાં ગુજરાતમાં હતા. જ્યાં ગયા અઠવાડિયે તેમણે સુરત અને અમદાવાદ શહેરમાં ભવ્ય રોડ શૉ કર્યા હતા. દરમ્યાન, પીએમ મોદીના સુરતના રોડ શૉમાં આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. હવે આ વિડીયો ફેક હોવાનું ખૂલ્યું છે.
પીએમ મોદીએ ગત રવિવારે (27 નવેમ્બર 2022) સુરતમાં 25 કિલોમીટર લાંબો રોડ શૉ કર્યો હતો. જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીનો રોડ શૉ પૂરો થઇ ગયા બાદ સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ એક વિડીયો ફરતો કર્યો હતો, જેમાં પીએમ મોદી પસાર થતા હોય ત્યારે ‘કેજરીવાલ…કેજરીવાલ’ના નારા લાગતા સાંભળવા મળે છે.
ઉત્તર પ્રદેશના AAP વિદ્યાર્થી પાંખના પ્રદેશ અધ્યક્ષ વંશરાજ દૂબેએ આ વિડીયો શૅર કરીને પીએમ મોદીના રોડ શૉમાં કેજરીવાલના નારા લાગ્યા હોવાનો દાવો કર્યો હતો.
लो भाई गुजरात के सूरत का दूसरा वीडियो भी आ गया…….रोड शो मोदी का, नारे केजरीवाल जी के।।
— VANSHRAJ DUBEY (@VanshrajDubey) November 27, 2022
जिंदाबाद गुजरात…… जय हो👍 pic.twitter.com/rIL6VMPVN7
આ સિવાય, હરિયાણાના AAP યુથ વિંગના અધ્યક્ષ અરુણ હુડ્ડાએ પણ આ વિડીયો શૅર કરીને આ જ પ્રકારનો દાવો કર્યો હતો.
मोदी के रोड शो में …..केजरीवाल केजरीवाल नारे pic.twitter.com/nHLf5JSWhc
— Arun Hooda 💥 (@pilotarunhooda) November 28, 2022
ફેક્ટચેકિંગ વેબસાઈટ BOOM દ્વારા આ વાયરલ વિડીયોની તપાસ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે વિડીયો એડિટ કરવામાં આવ્યો હતો અને મૂળ વિડીયોમાં કેજરીવાલના નારાનો અવાજ પાછળથી જોડી દેવામાં આવ્યો હતો.
ઉપરાંત, જે વિડીયો સાથે છેડછાડ કરવામાં આવી એ સાચો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં વડાપ્રધાન કારમાંથી હાજર લોકોનું અભિવાદન કરતા જોવા મળે છે અને લોકો ‘મોદી…મોદી’ના નારા લગાવતા સાંભળવા મળે છે. આ ‘મોદી…મોદી’ના નારાની જગ્યાએ ‘કેજરીવાલ…કેજરીવાલ’ જોડીને વિડીયો એડિટ કરવામાં આવ્યો હતો.
PM Modi’s road show in Surat … Modi .. Modi .. Modi … pic.twitter.com/XXd1Fgu0Ek
— नंदिता ठाकुर 🇮🇳 (@nanditathhakur) November 27, 2022
આ ઉપરાંત, પીએમ મોદીની અધિકારીક યુ-ટ્યુબ ચેનલ અને અન્ય મીડિયા ચેનલો દ્વારા કરવામાં આવેલ રોડ શૉના કવરેજના પણ વિડીયો તપાસવામાં આવ્યા હતા. જોકે, તેમાં પણ પીએમ મોદીના રોડ શૉમાં ક્યાંય કેજરીવાલના નારા લાગતા સંભળાયા ન હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનની અધિકારીક યુ-ટ્યુબ ચેનલ ઉપર તેમના દરેક કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે.
આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે છેલ્લા છ મહિનામાં અનેક વખત ગુજરાત આવતા રહ્યા છે. દરમિયાન, અનેક સ્થળોએ તેમની સભાઓ અને રેલીઓમાં પીએમ મોદીના સમર્થનમાં નારા લાગતા હોવાના કિસ્સાઓ બનતા રહ્યા છે. ત્યારે કેજરીવાલની પણ ‘લોકપ્રિયતા’ પીએમ મોદી જેટલી જ હોય તેવું સાબિત કરવા માટે આમ આદમી પાર્ટી આઇટી સેલનો આ પ્રયાસ હોય તેની પણ શક્યતા નકારી શકાય નહીં.