દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન હાલ જેલમાં બંધ છે. જોકે, તેઓ જેલમાં કેવા જલસા કરી રહ્યા છે તેના વિડીયો એક પછી એક સામે આવી રહ્યા છે. હવે એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં જેલમાં જૈનના સેલની સાફસફાઈ થતી જોવા મળી રહી છે. બીજી તરફ, એવું પણ જાણવા મળી રહ્યું છે કે જેલમાં તેમને સુવિધાઓ પૂરી પાડવા માટે 10 લોકોને મૂકવામાં આવ્યા હતા.
ન્યૂઝ એજન્સી ANIએ સત્યેન્દ્ર જૈનના સેલના CCTV ફૂટેજની વિડીયો ક્લિપ શૅર કરી છે. જેમાં બે વ્યક્તિ સેલમાં સાફસફાઈ કરતા જોવા મળે છે. ત્યારબાદ બીજા ભાગમાં સત્યેન્દ્ર જૈન બે-ત્રણ વ્યક્તિઓ સાથે વાત કરતા પણ દેખાય છે. આ એ જ સેલનો વિડીયો છે, જે અગાઉના વિડીયોમાં પણ દેખાઈ ચૂક્યો છે.
#WATCH | CCTV video emerges of housekeeping services going on in the cell of jailed Delhi minister and AAP leader Satyendar Jain. Later, he can also be seen interacting with people in his cell. pic.twitter.com/tw17pF5CTQ
— ANI (@ANI) November 27, 2022
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સત્યેન્દ્ર જૈનના અનેક વિડીયો વાયરલ થઇ ચૂક્યા છે. જેમાં તેઓ ક્યારેક મસાજ લેતા તો ક્યારેક દરબાર ભરીને બેઠેલા જોવા મળે છે. શનિવારે (27 નવેમ્બર 2022) પણ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ જેલના સુપ્રિટેન્ડેન્ટ સાથે બેઠેલા દેખાયા હતા.
ઇન્ડિયા ટૂડેના એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, સત્યેન્દ્ર જૈનને તેમના રૂમમાં સુવિધાઓ આપવા માટે 10 લોકોને જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાંથી 8 લોકો તેમને ભોજન, મિનરલ પાણી, ફળો, કપડાં વગેરે તેમજ જેલના સેલની સાફસફાઈ વગેરે જોતા હતા. જ્યારે બાકીના 2 લોકો સુપરવાઈઝર તરીકે કામ કરતા હતા.
સત્યેન્દ્ર જૈનને જેલમાં મળતી VIP સુવિધાઓનો મામલો કોર્ટ સુધી પણ પહોંચી ગયો હતો. જોકે, કોર્ટે સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે જેલમાં તમામ કેદીઓને સમાન ગણવા એ બંધારણનો નિયમ છે અને કોઈ એક કેદીને વિશેષ સુવિધાઓ આપીને નિયમોનું ઉલ્લંઘન કરી શકાય નહીં.
વાસ્તવમાં સત્યેન્દ્ર જેને કોર્ટ સમક્ષ અરજી કરીને ફળો, શાકભાજી અને સૂકામેવા માટે માંગ કરી હતી. જોકે, કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે અવલોકન કર્યું કે, પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે ફળો અને શાકભાજી કોઈ પણ અધિકારી કે જેલ પ્રશાસનના આદેશ વિના પૂરા પાડવામાં આવી રહ્યા હતા, જે નિયમોનું ઉલ્લંઘન છે. કોર્ટે એમ પણ કહ્યું કે, બંધારણના આર્ટિકલ 14 અનુસાર, કોઈ પણ સરકાર જેલના કોઈ પણ કેદી સાથે જાતિ, ધર્મ, લિંગ વગેરેના આધારે ભેદભાવ કરી શકે નહીં અને સૌ કેદીઓને સમાન રીતે ગણવા જોઈએ.