ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રીજી પાર્ટી તરીકે માત્ર આમ આદમી પાર્ટીની જ ચર્ચા ચાલી રહી હોય તેમ નથી, આ સિવાય પણ એક પાર્ટી છે, જે મીડિયાથી માંડીને સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. એ છે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી- AIMIM. AIMIM આ વખતે વિધાનસભા ચૂંટણી લડવા માટે ઉતરી રહી છે અને પાર્ટીએ સુરત, અમદાવાદ સહિતના શહેરો મળી 182માંથી કુલ 13 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે.
આ 13 બેઠકો પૈકી 11 બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો છે, બાકીની બે બેઠકો પર હિંદુ ઉમેદવારો છે. આ બંને બેઠકો SC અનામત બેઠકો છે. વધુ ચર્ચાસ્પદ બેઠકોની વાત કરવામાં આવે તો તેમાં અમદાવાદની દાણીલીમડા, બાપુનગર, જમાલપુર ખાડિયા, વેજલપુર વગેરે, જ્યારે સુરતની લિંબાયત અને સુરત (પૂર્વ) બેઠકનો સમાવેશ થાય છે.
અમદાવાદની બેઠકો પર મુસ્લિમ મતદારો AIMIM વિશે શું વિચારે છે તેને લઈને ઑપઇન્ડિયા વિસ્તૃત ગ્રાઉન્ડ રિપોર્ટમાં જણાવી ચૂક્યું છે. હવે, સુરતની બંને બેઠકો પર અને તેમાં પણ ખાસ કરીને મુસ્લિમ મતદારોમાં AIMIM કેવું પ્રદર્શન કરી રહી છે તે જાણવા માટે ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ પરથી વિગતો મેળવી હતી.
સુરત શહેરની બે બથકો- લિંબાયત અને સુરત (પૂર્વ) બેઠકો એવી છે, જ્યાં મુસ્લિમ મતદારો ખાસ્સા પ્રમાણમાં છે. AIMIMએ આ બંને બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. આ ઉમેદવારોના પ્રચાર માટે પાર્ટી અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીથી માંડીને ઘણા નેતાઓ પ્રયાસો કરી રહ્યા છે. ઓવૈસી પણ સુરતમાં સભા કરી ગયા છે.
તાજેતરમાં જ યોજાયેલી અસદુદ્દીન ઓવૈસીની સભામાં કાળા વાવટા ફરકાવીને થયેલા વિરોધની ચર્ચા ખૂબ ચાલી હતી. જ્યારે ગ્રાઉન્ડ પર વાતચીત કરતાં ત્યાંથી પણ કંઈક એવો જ પ્રતિસાદ મળ્યો.
‘ભાજપનું જોર વધારે, AIMIM તો 1-2 બૂથ પર જીતે તો પણ બહુ’
લિંબાયત મતવિસ્તારના અઝહરભાઈ નામના સ્થાનિકે વાતચીતમાં જણાવ્યું કે, બેઠક પર ભાજપ અને કોંગ્રેસ, બે જ પાર્ટીઓ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, તેમાંથી પણ કોંગ્રેસ પાર્ટી પાસે આ વખતે કોઈ સારો અને મોટો ચહેરો નથી. જેના કારણે ભાજપનાં સંગીતાબેન પાટીલ તરફ સમર્થન વધુ જોવા મળી રહ્યું છે.
AIMIM વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, પાર્ટી બૂથ સ્તરે પણ સક્રિય નથી અને આ સંજોગોમાં વિધાનસભા જીતવાની તો વાત દૂર પરંતુ 1-2 બૂથ પણ માંડ જીતી શકે તેવી પરિસ્થિતિ છે. તેમણે કહ્યું, “તેઓ (AIMIM) કોર્પોરેશનની ચૂંટણી પણ જીતી શકે તેમ નથી. સાથે એમ પણ ઉમેર્યું કે, ગત મહાનગરપાલિકા ચૂંટણીમાં તેમના વોર્ડની ચારેય બેઠકો ભાજપે જ જીતી હતી.
મુસ્લિમ સમાજનું સમર્થન કયા પક્ષને છે તે વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, કોંગ્રેસ પાર્ટી તરફ સમાજનો ઝુકાવ વધુ જોવા મળી રહ્યો છે. AIMIMને મળતા સમર્થનને લઈને તેમણે જણાવ્યું કે, હજારો મુસ્લિમ મતદારોમાંથી માંડ 2 હજારનું સમર્થન હોય તો તેમની જીતવાની શક્યતા બહુ ઓછી થઇ જાય છે.
લિંબાયતના અન્ય એક સ્થાનિક નામ ન છાપવાની શરતે જણાવે છે કે, અહીં મુસ્લિમ મતદારોનું કોંગ્રેસને વધુ સમર્થન છે. જ્યારે ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળશે. AIMIMને લઈને તેમણે જણાવ્યું કે, મુસ્લિમ સમાજમાં જેઓ કોંગ્રેસથી નારાજ હોય તેઓ જ AIMIM માટે મતદાન કરી શકે તેમ હાલ લાગી રહ્યું છે.
34 અપક્ષ મળી કુલ 44 ઉમેદવાર
લિંબાયત બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્ય સંગીતાબેન પાટીલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ તરફથી ગોપાલ પાટીલને ઉતારવામાં આવ્યા છે. AIMIM તરફથી અબ્દુલ બશીર શેખ તથા આમ આદમી પાર્ટી તરફથી પંકજ તાયડેને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, નાની-મોટી પાર્ટીઓ તથા 34 અપક્ષ ઉમેદવારો મળીને કુલ ઉમેદવારોનો આંકડો 44 પર પહોંચે છે.
અહીં ડેમોગ્રાફીની વાત કરીએ તો સૌથી વધુ શેખ મતદારો (11.17 ટકા) છે. ત્યારબાદ પાટીલ મતો પણ સારી એવી સંખ્યામાં (9 ટકા) છે. આ બેઠક પર મુસ્લિમ અને પાટીલ મતો જ ઉમેદવારોની હારજીત નક્કી કરતા હોય છે.
આ બેઠક વર્ષ 2012માં અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી સતત બે ટર્મથી ભાજપનાં સંગીતાબેન પાટીલ અહીંથી જીતતાં રહ્યાં છે. જોકે, આ વખતે ભાજપના ગઢમાં ઘૂસણખોરી કરવા માટે અસદુદ્દીન ઓવૈસીએ પ્રયાસો કરી જોયા છે, પરંતુ તેમને ખાસ સમર્થન મળતું દેખાઈ રહ્યું નથી.
સુરત પૂર્વ વિધાનસભા બેઠક
સુરતની બીજી બેઠક, જ્યાં AIMIM દ્વારા ઉમેદવાર ઉતારવામાં આવ્યા હોય, એ છે- સુરત (પૂર્વ). આ બેઠક પર પણ મુસ્લિમ મતો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, બીજા ક્રમે રાણા સમાજના મતો પણ વધુ સંખ્યામાં છે. આ સિવાય જુદી-જુદી અનેક હિંદુ જ્ઞાતિના પણ મતો છે.
અહીં કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાશે. જેમાંથી ભાજપે સીટિંગ MLA અરવિંદ રાણાને ટિકિટ આપી છે. કોંગ્રેસે અસલમ સાયકલવાલા, જ્યારે AIMIM તરફથી વશીમ કુરેશી ઉમેદવાર છે. આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલાં જ અહીંથી બહાર થઇ ગઈ છે.
“ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ટક્કર, AIMIMનું કોઈ અસ્તિત્વ નથી”
આ બેઠક વિશે વાત કરતાં સ્થાનિક વ્યક્તિ સાહિલ જણાવે છે કે, અહીં ભાજપ અને કોંગ્રેસ, બે જ પાર્ટીઓ વચ્ચે ટક્કર જોવા મળશે. ત્રીજી કોઈ પણ પાર્ટી AIMIM કે આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ ન હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેઓ આગળ કહે છે, “AIMIM પાર્ટીના ઉમેદવારને અમે શું કામ લાવીએ? તેમણે પહેલાં તો એ જણાવવું જોઈએ કે તેમણે આ વિસ્તારમાં શું કામગીરી કરી છે? હવે ચૂંટણી આવી ત્યારે તેઓ મત માંગવા માટે આવ્યા છે. અહીં તેમનું કોઈ અસ્તિત્વ નથી. અહીં કાં તો ભાજપ, કાં તો કોંગ્રેસ પાર્ટી જીતશે તેમ લાગી રહ્યું છે.”
AIMIMના ઉમેદવારને લઈને તેમણે જણાવ્યું કે, તેમના ઉમેદવાર સ્થાનિક છે કે કેમ તે જ અમને તો ખબર નથી. આ સંજોગોમાં મતદાન કઈ રીતે કરીએ?
આમ આદમી પાર્ટીએ અહીં ઉમેદવાર ઉતાર્યા હતા, પરંતુ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ તેમના ઉમેદવારે નામ પરત ખેંચી લીધું હતું. ત્યારબાદ ડમી ઉમેદવારે પણ પાછીપાની કરતાં હવે પાર્ટી લડાઈમાંથી જ બહાર થઇ ગઈ છે. જોકે, સાહિલ AAP વિશે વાત કરતાં કહે છે કે તેમણે ક્યારેય ‘આપ’ ઉમેદવારને વિસ્તારમાં જોયા જ નથી. તેમણે કહ્યું, “જો તેમણે (આમ આદમી પાર્ટીએ) ઉમેદવાર ઉભા પણ રાખ્યા હોત તોપણ મત આપ્યા ન હોત.”
અન્ય પણ કેટલાક લોકો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે, બંને બેઠકો પર હજુ પણ ભાજપ અને કોંગ્રેસ- આ બે જ પાર્ટીઓ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. AIMIM કે આમ આદમી પાર્ટી, અન્ય કોઈ પાર્ટીને ખાસ સમર્થન મળી રહ્યું નથી. AIMIM માટે મુસ્લિમ મતદારો જ તેમના કોર વોટર્સ છે, પરંતુ તેઓ પણ ઓવૈસીની પાર્ટી માટે ખાસ રસ દાખવતા હોય તેમ જણાઈ રહ્યું નથી.
ગુજરાતમાં આગામી 1 અને 5 ડિસેમ્બરે, બે તબક્કામાં મતદાન યોજાશે. જેમાં પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 93 બેઠકો અને બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 89 બેઠકો પર મતદાન યોજાનાર છે. પરિણામો 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.