હાલ દિલ્હીમાં હિંદુ યુવતી શ્રદ્ધા વૉકરની હત્યાનો ચકચારી મામલો ચર્ચામાં છે ત્યારે ઉત્તર પ્રદેશમાંથી પણ એક આવી જ ઘટના સામે આવી હતી. અહીં સુફિયાન નામના એક ઇસમે નિધિ ગુપ્તા નામની યુવતીને ચોથા માળેથી ફેંકી દીધી હતી, જેના કારણે તે મૃત્યુ પામી હતી. હવે આ મામલે યુપી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. દરમિયાન, અથડામણમાં સુફિયાનને પગમાં ગોળી પણ વાગી હતી.
Lucknow Nidhi Murder Case: Accused Mohammed Sufiyan arrested by Police in an encounter today.
— The New Indian (@TheNewIndian_in) November 18, 2022
Sufiyan allegedly pushed Nidhi Gupta (19 years old) to death from 4th floor of an apartment. pic.twitter.com/5b3hmWwWtI
સુફિયાનની ધરપકડ લખનૌમાંથી કરવામાં આવી છે. પોલીસે તેની ઉપર 25 હજારનું ઇનામ ઘોષિત કર્યું હતું અને તેને શોધવા માટે જુદી-જુદી ટીમો પણ બનાવી હતી. તે યુપી બહાર ભાગી ગયો હોવાની પણ આશંકા હતી. જેના કારણે દિલ્હી, રાજસ્થાન વગેરે રાજ્યોમાં પણ પોલીસ શોધખોળ માટે ગઈ હતી પરંતુ આખરે લખનૌમાંથી જ મળી આવ્યો હતો.
શુક્રવારે યુપી પોલીસને સુફિયાન લખનૌના પાવર હાઉસ ચાર રસ્તા પર હોવાની બાતમી મળતાં ઘેરાબંધી શરૂ કરી દીધી હતી. પોલીસને જોઈને સુફિયાને ફાયરિંગ કરી ભાગવા જતાં જવાબી કાર્યવાહીમાં તેને પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
સુફીયાને ગત મંગળવારે (15 નવેમ્બર 2022) નિધિ નામની એક યુવતીને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. બંને આસપાસ જ રહેતાં હતાં. દોઢ વર્ષથી સુફિયાન મૃતક નિધિની પાછળ પડી રહ્યો હતો અને ધર્મપરિવર્તન અને નિકાહ માટે દબાણ કરી રહ્યો હતો.
દરમ્યાન, ગત મંગળવારે આ બાબતને લઈને નિધિના પરિજનો સુફિયાનના ઘરે ગયા હતા. ત્યારબાદ પરિવારો વચ્ચે બોલાચાલી થતાં નિધિ છત પર ભાગી અને સુફિયાન પણ તેની પાછળ ભાગ્યો હતો. થોડી વાર બાદ નિધિનો નીચે પડવાનો અને ચીસો પાડવાનો અવાજ સંભળાયો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવી પરંતુ બચાવી શકાઈ ન હતી. બીજી તરફ, સુફિયાન ભાગી છૂટ્યો હતો.
ઘટના બાદ મૃતકના પરિજનોની ફરિયાદના આધારે હત્યા અને ધર્મપરિવર્તન માટે દબાણના આરોપ હેઠળ FIR દાખલ કરીને આરોપી સુફિયાનની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. આખરે તે પકડાઈ ગયો છે.
આ મામલે યુપી પોલીસે જણાવ્યું કે આરોપી સુફિયાનની ધરપકડ બાદ હવે મૃતક યુવતીના પરિવારના આરોપોની દરેક એંગલથી વિસ્તૃત તપાસ કરવામાં આવશે.