આમ આદમી પાર્ટીએ પત્રકારમાંથી નેતા બનેલા ઈસુદાન ગઢવીને ગુજરાતમાં સીએમ ચહેરો તો ઘોષિત કરી દીધા, પરંતુ પછી પાર્ટી સામે એક મોટી સમસ્યા એ હતી કે તેમને કઈ બેઠક પરથી ચૂંટણી લડાવવી. બે બેઠકો વિકલ્પમાં હતી- એક દ્વારકા અને બીજી ખંભાળિયા. દ્વારકા બેઠક પર જોખમ લાગતાં પાર્ટીએ ખંભાળિયા બેઠક પર પસંદગી ઉતારી અને ઈસુદાનને મેન્ડેટ આપ્યું. પણ પ્રશ્ન એ છે કે અહીંથી પણ તેઓ સફળ થશે?
ખંભાળિયા બેઠકનો ઇતિહાસ જોઈએ તો અહીં આહિર સમાજનું વર્ચસ્વ રહ્યું છે. કહેવાય છે કે અહીં 1967 પછી ક્યારેય બિનઆહીર ઉમેદવાર ચૂંટાયા જ નથી. પાર્ટી કોઈ પણ હોય પરંતુ આહિર ઉમેદવાર જ જીતે એ નક્કી હોય છે.
અહીં 1972 માં હેમંત માડમે અપક્ષ ઉમેદવારી કરીને જીત મેળવી હતી. ત્યારબાદ 1975, 1980 અને 1985માં પણ તેઓ જ ચૂંટાતા રહ્યા. 1990માં તેમણે ચૂંટણી લડી ન હતી અને કોંગ્રેસે પહેલીવાર જીત મેળવી હતી. ત્યારબાદ 1995ની ચૂંટણીમાં પહેલી વખત ભાજપે અહીં જીતનું ખાતું ખોલાવ્યું હતું.
1995માં ભાજપના જેસાભાઇ ગોરિયાએ જીત મેળવ્યા બાદ 1998, 2002, 2007 અને 2012 સુધી ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો ચૂંટાતા આવ્યા હતા. જોકે, 2014ની પેટાચૂંટણીમાં કોંગ્રેસે બેઠક આંચકી લીધી હતી. ત્યારબાદ 2017માં પણ કોંગ્રેસ જ જીતી હતી.
2012માં ભાજપે હેમંત માડમનાં પુત્રી અને હાલ જામનગરના સાંસદ પૂનમ માડમને ટિકિટ આપી હતી અને તેઓ જીતી પણ ગયાં હતાં. જોકે, બે વર્ષ પછી તેમણે લોકસભા ચૂંટણી લડીને જીત મેળવતાં પેટાચૂંટણી થઇ અને જેમાં કોંગ્રેસે જીત મેળવી હતી. ત્યારબાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિક્રમ માડમ જીત્યા હતા.
આ ચૂંટણીમાં કોંગ્રેસે વિક્રમ માડમને રિપીટ કર્યા છે. બીજી તરફ, ભાજપે મુળુ બેરા જેવા વરિષ્ઠ નેતાને ટિકિટ આપી છે. બંને આહિર સમાજમાંથી આવે છે.
ખંભાળિયા બેઠક પર આહિર સમાજના સૌથી વધુ મતો છે. કુલ 3.02 લાખ મતદારોમાંથી આહીર 52 હજાર, મુસ્લિમોના 41 હજાર, સતવારા સમાજ 21 હજાર, દલિતોના 18 હજાર અને ગઢવી સમુદાયના 15 હજાર મતો છે. ઈસુદાન ગઢવી ગઢવી સમાજમાંથી આવે છે.
આ બેઠક પર આહિર અને મુસ્લિમ સમાજના મતો જ સૌથી વધારે છે. મુસ્લિમ મતદારો મોટાભાગે કોંગ્રેસ સાથે રહ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મુસ્લિમ વોટબેન્ક તરફ એટલું ધ્યાન પણ આપ્યું નથી કે તેઓ વધુ સંખ્યામાં તેમની તરફેણમાં મતદાન કરે તેમ માની શકાય.
ઉપરાંત, ચૂંટણીઓમાં ઘણી વખત જાતિનાં સમીકરણો પણ ખોટાં પડી જ શકે છે. પરંતુ એ ત્યારે કે જ્યારે ઉમેદવાર એટલો સક્ષમ હોય. તો લોકો જાતિ જોયા વગર મત આપે છે. પણ આ કિસ્સામાં ઈસુદાન ગઢવી સાથે આ બાબતો લાગુ પડતી નથી.
તેઓ બે વર્ષ પહેલાં સ્ટુડિયોમાં બેસીને ‘મહામંથન’ કરતા હતા. રાજકારણમાં આવ્યાને માંડ બે-અઢી વર્ષ થયાં છે. હજુ તેમનું એટલું પ્રભુત્વ પણ દેખાય રહ્યું નથી કે લોકો નેતા તરીકે સ્વીકારતા પણ થયા નથી. બીજી તરફ, સામે એવા લોકો છે જેઓ વર્ષોથી રાજકારણમાં છે. આ સંજોગોમાં તેઓ કોઈ મોટો કમાલ કરી નાંખે તે વાત ગળે ઉતરતી નથી.
‘આપ’ના સીએમ ફેસ ઈસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પર કોઈ મોટો અપસેટ સર્જી શકે તેવું હાલની સ્થિતિએ તો લાગતું નથી, પણ ડિપોઝીટ પણ બચાવી લે તો તેમના માટે કે મોટી સફળતા કહેવાશે.