Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસની આતુરતાનો અંત; છેવટે હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી!

    કોંગ્રેસની આતુરતાનો અંત; છેવટે હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી!

    ઘણા દિવસોની અટકળો બાદ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પક્ષના સભ્યપદેથી રાજીનામું આપી દેતી એક ટ્વીટ કરી છે.

    - Advertisement -

    લગભગ દોઢેક મહિનાની કશ્મકશ બાદ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી દીધી છે. હાર્દિક પટેલે રાજીનામું આપતી એક ટ્વીટ હાલમાં જ કરી છે. હાર્દિક પટેલનું રાજીનામું આવે તેની રાહ કોંગ્રેસ પક્ષમાં કદાચ મોટા ભાગના નેતાઓ જોઈ રહ્યા હતા અને છેવટે હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં રહ્યા નથી.

    પાટીદાર અનામત આંદોલન દ્વારા ગુજરાતના રાજકારણની લાઇમલાઇટમાં આવેલા હાર્દિક પટેલે હજી 2017ની વિધાનસભાની ચૂંટણી અગાઉ જ તે સમયના કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં અને તેમના હસ્તે જ કોંગ્રેસનું સભ્યપદ સ્વીકાર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસે વિધાનસભાચૂંટણીમાં ધાર્યા કરતા ઘણો સારો દેખાવ કર્યો હતો. તેમ છતાં હાર્દિક પટેલની અવગણના ત્યારથી જ શરુ થઇ ગઈ હતી. આ અવગણના ત્યારે ટોચ પર પહોંચી હતી જ્યારે હાર્દિક પટેલે ગત વર્ષે આયોજિત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તેમનો ભાવ ન પૂછાતો હોવાની તેમજ પ્રચારમાં તેમની મદદ ન લેવાતી હોવાની ફરિયાદ જાહેરમાં કરી હતી.

    2019માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની નેતાગીરી જ્યારે ગુજરાતમાંથી પક્ષને 1 બેઠક જીતાડવામાં પણ નિષ્ફળ ગઈ ત્યારે લાંબાગાળાની રાહ જોયા બાદ કેન્દ્રીય નેતાગીરીએ હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં કોંગ્રેસની વરિષ્ઠ નેતાગીરી તેમની કોઈજ સલાહ ન લેતી હોવાનો આરોપ હાર્દિકે વારંવાર મૂક્યો હતો. તો બીજા પક્ષે ગુજરાત કોંગ્રેસના હાલના પ્રમુખ જગદીશ ઠાકોરે વળતો આરોપ મુકતા કહ્યું હતું કે હાર્દિક તેમને મળતા નથી અને તેમની વાત રજુ કરતા નથી. ગુજરાત કોંગ્રેસના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ હમણાં થોડા જ દિવસ અગાઉ હાર્દિક પટેલને સલાહ આપી હતી કે પક્ષે તેમને ઘણું આપ્યું છે આથી કોંગ્રેસે હાર્દિકને કશું આપ્યું નથી એવી વાત તેમણે કરવી જોઈએ નહીં.

    - Advertisement -

    થોડા જ સમય અગાઉ કરેલી ટ્વીટમાં હાર્દિક પટેલે કહ્યું છે કે, “આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારો દરેક સાથીદાર અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે મારા આ નિર્ણય બાદ હું ભવિષ્યમાં ગુજરાત માટે સાચેજ સકારાત્મક રૂપથી કાર્ય કરી શકીશ.

    હાર્દિક પટેલનું રાજીનામું જે ટ્વીટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેમાં હાર્દિક પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલો પત્ર પણ એટેચ કર્યો છે.

    આ ટ્વીટ દ્વારા એ સ્પષ્ટ થાય છે કે હાલપૂરતો હાર્દિક પટેલનો કદાચ અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાવાનો કોઈજ વિચાર નથી લાગતો, પરંતુ હાર્દિક પટેલને આમ આદમી પાર્ટીએ અગાઉ પોતાના પક્ષમાં જોડાવાનું ખુલ્લું આમંત્રણ આપ્યું હતું તો તેણે પોતે એક ઇન્ટરવ્યુમાં ભાજપના વખાણ પણ કર્યા હતા જે ઘણું સૂચક છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં