મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસને જામીન મળ્યા છે. મંગળવારે (15 નવેમ્બર, 2022) ના રોજ કેસનો ચુકાદો આપતા દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રીને બે લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. અગાઉ તે વચગાળાના જામીન પર હતી. આ સાથે જ કોર્ટે પોતાના નિર્ણયમાં જેકલીનને વિદેશ જવાની પરવાનગી પણ આપી છે. જેકલીન થોડા દિવસો માટે દેશની બહાર જઈ શકે છે, પરંતુ તેના માટે તેણે કોર્ટની પરવાનગી લેવી પડશે.
જેકલીન ફર્નાન્ડિસને જામીન મળ્યા બાદ ન્યૂઝ એજન્સી ANIએ એક વીડિયો શેર કર્યો છે જેમાં જેકલીન ફર્નાન્ડિસને પટિયાલા હાઉસ કોર્ટમાંથી બહાર નીકળતી જોઈ શકાય છે. અભિનેત્રીના જામીન પર નિર્ણય 11 નવેમ્બર, 2022 ના રોજ લેવાનો હતો. જો કે, કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ દરમિયાન ફિલ્મ ‘રામ સેતુ’ની અભિનેત્રીની વચગાળાની જામીન 10 નવેમ્બરે જ સમાપ્ત થઈ ગઈ હતી.
#WATCH | Jacqueline Fernandez leaves from Delhi’s Patiala House Court after getting bail in Rs 200 crores money laundering case involving alleged conman Sukesh Chandrashekhar pic.twitter.com/d1qjSaLZeg
— ANI (@ANI) November 15, 2022
મળતી માહિતી મુજબ જેકલીને જામીન માટે અરજી કરી ત્યારે 11 નવેમ્બરે યોજાયેલી સુનાવણીમાં, EDએ જેકલીનના જામીનનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું હતું કે જામીન મળ્યાં બાદ જેકલીન પુરાવા સાથે ચેડા કરી શકે છે. તે કાયમ માટે દેશ છોડીને વિદેશ ભાગી શકે છે. આના પર જેકલીન ફર્નાન્ડિસના વકીલે તપાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એટલે કે EDએ 17 ઓગસ્ટ, 2022ના રોજ એક સપ્લીમેન્ટરી ચાર્ટ શીટ દાખલ કરી હતી, જેમાં જેકલીન ફર્નાન્ડિસને 200 કરોડ રૂપિયાની વસુલીના કેસમાં આરોપી બનાવવામાં આવી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આ ચાર્ટ શીટનું સંજ્ઞાન લીધું હતું, ત્યારબાદ દિલ્હી કોર્ટે અભિનેત્રી જેક્લીનને 26 સપ્ટેમ્બર, 2022ના રોજ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જણાવ્યા અનુસાર, અભિનેત્રી જેકલીન જાણતી હતી કે મહા ઠગ સુકેશ ચંદ્રશેખર વસુલીના ગુનામાં સામેલ છે અને તે વીડિયો કૉલ્સ પર સુકેશના સતત સંપર્કમાં હતી.
EDએ તેની ચાર્ટ શીટમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રીને અનેક મોંઘી ભેટ આપવાની કબૂલાત કરી હતી. જેકલીન પર ચંદ્રશેખર પાસેથી 10 કરોડ રૂપિયાની મોંઘી ભેટ લેવાનો પણ આરોપ છે.