તમિલનાડુના કોયમ્બતૂર ખાતે મંદિર સામે થયેલા સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમની સામે UAPA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે એમ પણ જણાવ્યું કે, NIA વર્ષ 2019માં પણ આ આરોપીઓની પૂછપરછ કરી ચૂકી છે.
આ કેસમાં પોલીસે મોહમ્મદ દલહા, મોહમ્મદ અઝરૂદ્દીન, મોહમ્મદ રિયાઝ, ફિરોઝ ઇસ્માઈલ અને મોહમ્મદ નવાઝ ઇસ્માઇલની મંગળવારે ધરપકડ કરી લીધી હતી. થોડા દિવસો પહેલાં તમિલનાડુના કોયમ્બતૂર સ્થિત એક મંદિર પાસે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેમાં જમીઝા મુબીન નામનો એક ઈસમ માર્યો ગયો હતો.
શરૂઆતમાં આ કેસ માત્ર એક અકસ્માત તરીકે જોવામાં આવી રહ્યો હતો પરંતુ તપાસમાં મુબીનનું ISIS કનેક્શન સામે આવતાં આતંકી કૃત્ય હોવાની આશંકાઓ ઘેરી બની હતી. તદુપરાંત, તમિલનાડુના ભાજપ અધ્યક્ષે પણ આ અંગે આશંકાઓ વ્યક્ત કરી રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.
Jamesha Mubin, the 25-year-old Ukkadam youth killed in a car blast in #TamilNadu's #Coimbatore on October 23, and his five accomplices, who have been arrested, had planned major explosions in South India. pic.twitter.com/KWSWNfLOoo
— IANS (@ians_india) October 26, 2022
એક રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, મુબીન અને બ્લાસ્ટ બાદ પકડાયેલા પાંચ આરોપીઓ દક્ષિણ ભારતમાં બૉમ્બ બ્લાસ્ટ કરી મોટા હુમલાઓ કરવાની યોજના ઘડી રહ્યા હતા.
પોલીસે આરોપીઓની ધરપકડ મામલે કહ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે આમાંથી અમુક લોકો કેરળ ગયા હતા. 2019માં NIA પણ તેમની પૂછપરછ કરી ચૂકી છે. તેમણે જણાવ્યું કે, સ્થળની આસપાસના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરીને તપાસ કરવામાં આવી રહી છે.
પકડાયેલા પાંચ આરોપીઓ પૈકી ત્રણ મુબીનના ઘરની બહાર જોવા મળ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફોટેજમાં તેઓ ત્રણ સિલિન્ડરો અને પ્લાસ્ટિક ડ્રમ લઇ જતા જોવા મળ્યા હતા. જેનો મુબીને ઉપયોગ કર્યો હતો. તેની પાસેથી કુલ 75 કિલો વજનના પોટેશિયલ માઇટ્રેટ, ચારકોલ, એલ્યુમિનિયમ પાઉડર અને સલ્ફર વગેરે મળી આવ્યાં હતાં.
પોલીસે જણાવ્યું કે, હાલ સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે, તેમજ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ 2019માં NIA મુબીનની પણ પૂછપરછ કરી ચૂકી હતી. તે શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ ઝહરાન હાશિમના આતંકી નેટર્વક સાથે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. તે ISISની કટ્ટરપંથી વિચારધારા ધરાવતો હતો અને શ્રીલંકાના બ્લાસ્ટની જેમ જ કોયમ્બતૂરમાં બ્લાસ્ટ કરવા માંગતો હતો.
કેટલાક રિપોર્ટ્સ એવું પણ સૂચવી રહ્યા છે કે મંદિર સામે થયેલા સિલિન્ડર બ્લાસ્ટ કોઈ અકસ્માત કે ભૂલથી થયેલો બ્લાસ્ટ નહીં પરંતુ ફિદાયીન આતંકી હુમલો જ હતો. કારણ કે જમીઝા મુબીનના ઘરમાંથી અનેક રસાયણો અને કેમિકલ પદાર્થો મળી આવ્યા હતા.