આજે દિવાળીના દિવસે દર વર્ષની પરંપરા જાળવી રાખતા પીએમ નરેન્દ્ર મોદી કારગિલ પહોંચ્યા હતા. અહીં દ્રાસ ખાતે તેઓ ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. સવારે નવ વાગ્યાની આસપાસ તેઓ કારગિલ પહોંચ્યા હતા. જ્યાં સેનાના જવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું.
Prime Minister Shri @narendramodi has landed in Kargil, where he will celebrate Diwali with our brave soldiers. pic.twitter.com/RQxanDEgDK
— PMO India (@PMOIndia) October 24, 2022
કારગિલ પહોંચે તે પહેલાં પીએમ મોદી તરફથી દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું, દિવાળીની આપ સૌને અનેક શુભેચ્છાઓ. પ્રકાશનું આ પર્વ સૌ કોઈના જીવનમાં ખુશીઓ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે.
दीपावली की आप सभी को ढेरों शुभकामनाएं। प्रकाश का यह पर्व हर किसी के जीवन में खुशियां और उत्तम स्वास्थ्य लेकर आए।
— Narendra Modi (@narendramodi) October 24, 2022
આ વર્ષે દિવાળીના દિવસોમાં પીએમ મોદી વિવિધ સ્થળોએ જઈને ઉજવણી કરી રહ્યા છે. ધનતેરસના દિવસે તેઓ બદ્રીનાથ અને કેદારનાથ ગયા હતા, જ્યાં તેમણે ભગવાન શિવજીની પૂજા કરી હતી. ત્યારબાદ કાળી ચૌદશના દિવસે તેઓ અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં પ્રભુ શ્રીરામના દર્શન કર્યા હતા તેમજ દીપોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ આજે જવાનો વચ્ચે પહોંચ્યા છે.
2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી જ તેઓ દર વર્ષે દિવાળી જવાનો સાથે જ ઉજવતા આવ્યા છે. પહેલી વખત તેઓ સિયાચીન ગયા હતા, જ્યાં જવાનો સાથે દિવાળી મનાવી હતી. ત્યારબાદ વર્ષ 2015માં તેઓ પંજાબમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે 1965ના યુદ્ધના વૉર મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી.
વર્ષ 2016માં તેઓ હિમાચલના કન્નોર પહોંચ્યા હતા, જ્યાં ભારત-ચીન સરહદ પાસે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 2017માં જમ્મુ-કાશ્મીરના ગુરેજમાં તેમણે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
2018માં તેઓ ભારત-તિબેટ સરહદ નજીક પોલીસ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા હતા. 2019માં વડાપ્રધાને એલઓસી પર જવાનો સાથે દિવાળી મનાવી હતી અને રાજૌરીમાં હાજર રહ્યા હતા. 2020માં તેઓ જેસલમેરના લોંગેવાલા પોસ્ટ પર હાજર રહ્યા હતા, જ્યાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી. ત્યારબાદ વર્ષ 2021માં પીએમએ કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી.
2021માં જવાનો સાથે દિવાળીની ઉજવણી દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં સૌ કોઈ ઈચ્છે છે કે તેઓ દિવાળીની ઉજવણી પોતાના પરિવારજનો સાથે કરે. મને પણ ઈચ્છા થાય છે. અને એટલે જ દર દિવાળીએ હું મારા પરિવારજનો વચ્ચે આવું છું, કારણ કે તમે (સેનાના જવાનો) મારા પરિજનો છો. અને એટલે હું અહીં એક વડાપ્રધાન તરીકે નહીં પરંતુ તમારા પરિવારના એક સભ્ય તરીકે આવ્યો છું.’