Sunday, April 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટદિવાળીની પૂર્વસંધ્યાએ લાખો દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠી રામનગરી અયોધ્યા, પીએમ મોદીએ કહ્યું-...

  દિવાળીની પૂર્વસંધ્યાએ લાખો દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠી રામનગરી અયોધ્યા, પીએમ મોદીએ કહ્યું- આ આધ્યાત્મિક પ્રકાશ ભારતની પ્રગતિનો પથ પ્રદર્શિત કરતો રહેશે

  પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના અમૃતકાળમાં ભારતે વારસા પર ગર્વ અને ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવાનું આહવાન કર્યું છે. આ પ્રેરણા પણ આપણને શ્રીરામ પાસેથી જ મળે છે.

  - Advertisement -

  દિવાળીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રભુ શ્રીરામના જન્મસ્થળ અયોધ્યા પહોંચ્યા હતા. પીએમ મોદીએ અહીં રામલલ્લાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી તેમજ ભગવાન રામનો રાજ્યાભિષેક કર્યો હતો. આ ઉપરાંત, પીએમ મોદીએ પ્રભુ શ્રીરામના બની રહેલા મંદિરના નિર્માણકાર્યનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે ‘રામ કી પૈડી’ પર દીપ પ્રજ્વલિત કરી દીપોત્સવની શરૂઆત કરાવી હતી. 

  પીએમ મોદી આજે સાંજે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ વગેરેએ તેમનું સ્વાગત કર્યું હતું. જ્યાંથી તેઓ સીધા રામલલા બિરાજમાન પહોંચ્યા હતા અને પ્રભુ શ્રીરામના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. 

  ત્યારબાદ પીએમ મોદી અન્ય નેતાઓ સાથે અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના મંદિરના બાંધકામ સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે નિર્માણકાર્યનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ભગવાન રામનો પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો હતો. 

  - Advertisement -

  પીએમ મોદીએ કહ્યું કે, શ્રી રામલલાના દર્શન અને ત્યારબાદ રાજા રામનો રાજ્યાભિષેક કરવાનું સૌભાગ્ય ભગવાન શ્રીરામની કૃપાથી જ મળે છે. તેમણે કહ્યું કે, ભગવાન રામના રાજ્યાભિષેક સાથે જ તેમણે બતાવેલો પથ વધુ પ્રદીપ્ત થઇ જાય છે. પીએમ મોદીએ અયોધ્યાથી તમામ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. 

  પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના અમૃતકાળમાં ભારતે વારસા પર ગર્વ અને ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવાનું આહવાન કર્યું છે. આ પ્રેરણા પણ આપણને શ્રીરામ પાસેથી જ મળે છે. તેમણે કહ્યું કે, એક સમયે ભગવાન રામ વિશે, આપણી સંસ્કૃતિ અને સભ્યતા વિશે વાત કરવામાં આવતી ન હતી. આ દેશમાં ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવામાં આવતા હતા. છેલ્લાં આઠ વર્ષમાં દેશે હીનભાવનાની આ બેડીઓને તોડી નાંખી છે. તેમણે કહ્યું કે, અયોધ્યા ભારતના મહાન સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ છે અને ભગવાન રામના આદર્શો પર ચાલવું એ આપણા સૌનું કર્તવ્ય છે. 

  ત્યારબાદ પીએમ મોદીએ અયોધ્યા સ્થિત સરયૂ કાંઠે આરતી પણ ઉતારી હતી તેમજ ત્યારબાદ દીપોત્સવની પણ શરૂઆત કરાવી હતી. ત્યારબાદ તેમણે લેઝર શૉ પણ નિહાળ્યો હતો. 

  દિપોત્સવની શરૂઆત કરાવતાં પીએમ મોદીએ કહ્યું કે, જે ઝંઝાવાતોમાં મોટી-મોટી સભ્યતાઓના સૂર્ય અસ્ત થઇ ગયા ત્યાં આપણા દીપક સળગતા રહ્યા, પ્રકાશ આપતા રહ્યા અને એ તોફાનોને શાંત કરીને ફરી ઉદીપ્ત થઇ ઉઠ્યા. તેમણે કહ્યું કે, દિવાળીના દિપક આપણા માટે માત્ર એક વસ્તુ નથી પરંતુ ભારતના આદર્શો, મૂલ્યો અને દર્શનના જીવંત ઉર્જાપૂંજ છે. 

  પીએમ મોદીએ કહ્યું કે, આજે અયોધ્યાજી દીવડાઓથી દિવ્ય છે, ભાવનાઓથી ભવ્ય છે અને આજે આ નગરી ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણના સ્વર્ણિમ અધ્યાયનું પ્રતિબિંબ છે. વડાપ્રધાને કહ્યું કે, આ આધ્યાત્મિક પ્રકાશ ભારતની પ્રગતિનો પથ પ્રદર્શિત કરતો રહેશે, ભારતના પુનરુત્થાનનો પથ પ્રદર્શિત કરતો રહેશે. 

  વડાપ્રધાને કહ્યું કે, દીવો મનુષ્યમાં સમર્પણભાવ લાવે છે. આપણે સ્વયં તપીએ છીએ, સ્વયં ખપી જઈએ છીએ, પણ જ્યારે સિદ્ધિનો પ્રકાશ ફેલાય ત્યારે નિષ્કામભાવથી તેને આખા સંસાર માટે સમર્પિત કરી દઈએ છીએ. તેમણે કહ્યું, “સ્વાર્થથી ઉપર ઉઠીને પરમાર્થની યાત્રા કરીએ છીએ તો તેમાં સર્વસમાવેશનો સંકલ્પ આપમેળે સમાહિત થઇ જાય છે અને જ્યારે સંકલ્પોની સિદ્ધિ થાય છે ત્યારે આપણે કહીએ છીએ- ‘ઇદં ન મમ.’

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં