બ્રિટનનું રાજકરણ ફરી ચર્ચામાં છે. તાજેતરમાં જ વડાંપ્રધાન બનેલાં લિઝ ટ્રસે પદ પરથી રાજીનામું આપી દીધું છે. માત્ર 45 દિવસના ટૂંકા કાર્યકાળ બાદ આજે અધિકારીક રીતે તેમનાં રાજીનામાનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, ઉત્તરાધિકારીની નિમણૂંક સુધી તેઓ વડાપ્રધાન પદે કાર્યરત રહેશે.
#WATCH | Liz Truss resigns as the Prime Minister of the United Kingdom
— ANI (@ANI) October 20, 2022
I am resigning as the leader of the Conservative party. I will remain as Prime Minister until a successor has been chosen: Liz Truss
(Source: Reuters) pic.twitter.com/nR2t0yOP30
એક નિવેદનમાં બ્રિટન પીએમ લીઝ ટ્રસે જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની ચૂંટણીમાં ઉમેદવારી કરતી વખતે તેમણે કરેલા વાયદાઓ અને વચનો તેઓ પૂર્ણ કરી શક્યાં નથી અને જેના કારણે પાર્ટીનો વિશ્વાસ પણ ગુમાવી બેઠાં છે.
જાહેર નિવેદનમાં તેમણે કહ્યું કે, હું માનું છું કે પરિસ્થિતિને જોતાં હું એ કામો ન કરી શકી જે માટે મને કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ચૂંટવામાં આવી હતી. જેથી મેં રાજા (ચાર્લ્સ) સાથે વાત કરી તેમને જાણ કરી છે કે હું વડાપ્રધાન પદેથી રાજીનામું આપી રહી છું.
તેમણે કહ્યું કે, “મેં એવા સમયે પદ સંભાળ્યું જ્યારે મોટા પ્રમાણમાં આર્થિક અને આંતરરાષ્ટ્રીય અવ્યવસ્થા સર્જાઈ હતી. લોકો તેમના બિલ ભરવાને લઈને પણ ચિંતિત હતા, બીજી તરફ પુતિનના યુક્રેન પર ગેરકાયદેસર આક્રમણના કારણે આપણા સમગ્ર ખંડ પર સુરક્ષાનું જોખમ તોળાઈ રહ્યું હતું અને નબળા આર્થિક વિકાસને કારણે દેશ ઘણો પછ ધકેલાઈ ગયો હતો.”
આગામી ચૂંટણી એક અઠવાડિયામાં થઇ જશે તેમ જણાવતાં તેમણે કહ્યું કે, એક અઠવાડિયામાં નવા નેતૃત્વ માટેની ચૂંટણી યોજી દેશના આર્થિક વિકાસને ફરી પાટે ચડાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને જાળવી રાખવા માટેના પ્રયાસો સુનિશ્ચિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં જ ટ્રસની સરકારના ટોચના ચાર મંત્રીઓમાંથી બેએ રાજીનામાં ધરી દીધાં હતાં. બીજી તરફ, તેમના જ નાણામંત્રીએ તેમની આર્થિક વિકાસને લઈને વિચારાધીન યોજનાઓને ખોટી ગણાવી હતી. ત્યારબાદ બુધવારે ગૃહ સચિવે પણ રાજીનામું ધરી દીધું હતું. ત્યારથી લિઝ ટ્રસના પદ પર જોખમ તોળાઈ રહ્યું હતું, આખરે તેમણે પદત્યાગ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોહ્ન્સને રાજીનામું ધરી દીધા બાદ નવા વડાપ્રધાનની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. પીએમ પદ માટે ભારતીય મૂળના ઋષિ સુનક અને લિઝ ટ્રસનાં નામો ચાલી રહ્યાં હતાં. આખરે લિઝ ટ્રસ કન્ઝર્વેટિવ પાર્ટી (બ્રિટનની સત્તાધારી પાર્ટી)ના નેતા ચૂંટાતાં તેમને પીએમ નીમવામાં આવ્યાં હતાં.
જોકે, માત્ર 6 અઠવાડિયામાં લિઝ ટ્રસે રાજીનામું ધરી દેવું પડ્યું છે.