Monday, November 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફરી એક વખત ‘અર્બન નક્સલો’ને આડેહાથ લેતા પીએમ મોદી, કહ્યું- પહેલાં વિકાસકાર્યોમાં...

    ફરી એક વખત ‘અર્બન નક્સલો’ને આડેહાથ લેતા પીએમ મોદી, કહ્યું- પહેલાં વિકાસકાર્યોમાં રોડાં નાંખ્યાં, હવે વાઘા બદલીને આવ્યા છે

    પીએમ મોદીએ ભરૂચમાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દરમિયાન ફરી એક વખત જાહેરમંચ પરથી 'અર્બન નક્સલો' વિશે ઉલ્લેખ કર્યો હતો.

    - Advertisement -

    વતન ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ભરૂચમાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પહોંચ્યા હતા. જ્યાં ફરી એક વખત તેમણે વિકાસમાં રોડાં નાંખનારાઓને આડેહાથ લીધા હતા. વડાપ્રધાને કહ્યું કે, નક્સલવાદી માનસિકતા ધરાવતા અર્બન નક્સલોએ સરદાર સરોવર ડેમને રોકવા માટે ભરપૂર પ્રયત્નો કર્યા હતા. 

    પીએમ મોદીએ કહ્યું કે, “મને એ દિવસો પણ યાદ આવે છે જ્યારે અમુક લોકોએ ભરૂચનો વિકાસ રોકવા માટે પૂરેપૂરી શક્તિઓ લગાવી દીધી હતી. ભરૂચમાં ઉદ્યોગોની સ્થાપનામાં રોડા અટકાવ્યાં હતાં. જ્યારે કેન્દ્રમાં અમારી સરકાર બની, ગુજરાતને નરેન્દ્ર-ભુપેન્દ્રની ડબલ એન્જીન સરકારની શક્તિ મળી તો આ તમામ અવરોધો દૂર કર્યા હતા.” 

    વડાપ્રધાને કહ્યું કે, “આ નક્સલવાદી માનસિકતા ધરાવતા લોકોએ પહેલાં સરદાર સરોવર ડેમને અટકાવવાના પ્રયત્નો કર્યા અને હવે અર્બન નક્સલો નવા રંગરૂપ સાથે પ્રવેશવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે વાઘા બદલ્યા છે અને ભોળા યુવાનોને ભરમાવી રહ્યા છે.” 

    - Advertisement -

    પીએમ મોદીએ વિવિધ રાજ્યોમાં નક્સલવાદના પ્રભાવનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, “બંગાળ અને છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં નક્સલવાદે આદિવાસી યુવાનોની જિંદગી બરબાદ કરી નાંખી, મોતના ખેલ ખેલવા માટે તેમને ઉશ્કેર્યા. ચારેતરફ સંકટ વધ્યું ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારે ગુજરાતમાં નક્સલવાદ પેંસવા નથી દેવો, અને એટલે અમે ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટામાં વિકાસનું બીડું ઝડપ્યું હતું.”

    વડાપ્રધાને કહ્યું કે, મને કહેતાં સંતોષ થાય છે કે, ખૂબ સારા દિવસો આવશે એવા વિશ્વાસ સાથે લોકોએ મારી વાત માની અને ગુજરાતમાં નક્સલવાદ ઘૂસી ન શક્યો, એ માટે આદિવાસી ભાઈ-બહેનોને પ્રણામ કરું છું, તેમનો આભાર માનું છું. 

    પીએમ મોદી આગળ કહે છે કે, “હવે ઉપરથી ઉડીને અર્બન નક્સલોએ પગપેસારો કરવા માંડ્યો છે. ગુજરાતની યુવપેઢીને તબાહ નથી થવા દેવાની. આપણા સંતાનોને સચેત કરીએ. અર્બન નક્સલોએ વિદેશી શક્તિઓ સાથે મળીને દેશને ખેદાનમેદાન કરવાનું બીડું ઝડપ્યું છે, પરંતુ ગુજરાત તેમને જમીનદોસ્ત કરીને રહેશે.” 

    અહીં ઉલ્લેખનીય છે કે ‘નર્મદા બચાવો આંદોલન’થી ગુજરાતમાં કુખ્યાત બનેલાં ‘એક્ટિવિસ્ટ’ મેધા પાટકર ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદનો ચહેરો ઘોષિત કરવામાં આવશે તેવી ચર્ચાઓ શરૂ થઇ હતી. મેધા પાટકરે સરદાર સરોવર ડેમના બાંધકામમાં વિલંબ કરવામાં અન્ય કથિત એક્ટિવિસ્ટો સાથે મોટો ભાગ ભજવ્યો હતો.  

    તેઓ આમ આદમી પાર્ટીના નેતા રહી ચૂક્યાં છે. તેમજ વર્ષ 2014માં તેમણે મુંબઈથી લોકસભાની ચૂંટણી આમ આદમી પાર્ટીની ટિકિટ પર જ લડી હતી. જોકે, તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં