આગ્રા સ્થિત તાજમહલ ફરી ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટમાં તાજમહલને લઈને એક અરજી દાખલ કરવામાં આવી છે અને તેનો સાચો ઇતિહાસ જાણવા માટે એક સમિતિ બનાવવાની માંગ કરવામાં આવી છે. સાથે એમ પણ કહેવામાં આવ્યું કે, તાજમહલ શાહજહાંએ બનાવ્યો હોવાનાં કોઈ પ્રમાણ મળ્યાં નથી, જેથી આ બાબતની સત્યતા ચકાસવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજીમાં જણાવવામાં આવ્યું કે, એવું કહેવાય છે કે મુઘલ શાસક શાહજહાંએ તેની પત્ની મુમતાઝ મહલની યાદમાં વર્ષ 1631 થી 1653ના 22 વર્ષના સમયગાળા દરમિયાન તાજમહલ બનાવ્યો હતો, પરંતુ આ બાબત સાબિત કરતા કોઈ વૈજ્ઞાનિક પુરાવાઓ મળ્યા નથી.
A petition has been filed in the Supreme Court seeking the constitution of a fact finding committee to study the “real history of Taj Mahal and to put to rest the controversy and clarify its history”.
— Live Law (@LiveLawIndia) September 30, 2022
Read more: https://t.co/LmoDn6gfBa#SupremeCourt #TajMahal pic.twitter.com/sHDFY56MP6
અરજદારે જણાવ્યું છે કે, તેમણે અગાઉ NCERT સમક્ષ દાખલ કરેલી RTIના જવાબમાં જાણવા મળ્યું હતું કે, તાજમહલનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હોવાને લઈને કોઈ પ્રાથમિક સ્ત્રોત ઉપલબ્ધ નથી. ઉપરાંત, તેમણે એક RTI પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) સમક્ષ પણ કરીને જવાબ માંગ્યા હતા, પરંતુ ત્યાંથી પણ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
અરજીમાં જણાવવામાં આવ્યું કે, વર્લ્ડ હેરિટેજ સાઈટ તાજમહલનો ચોક્કસ ઇતિહાસ જણાવવા માટે ASI સક્ષમ નથી અને માહિતીનો અધિકાર એ બંધારણનું અગત્યનું પાસું છે. આ સંજોગોમાં જો કોઈ જાણકારી વૈજ્ઞાનિક તર્ક કે પુરાવા વગર આપવામાં આવે તો એ બંધારણના મૌલિક અધિકારનું ઉલ્લંઘન છે.
અરજીમાં તાજમહલનો સાચો અને ચોક્કસ ઇતિહાસ જાણવા માટે એક સત્ય શોધક સમિતિ બનાવવા માટેની માગ કરવામાં આવી છે.
પહેલાં આ પ્રકારની એક અરજી અલાહાબાદ હાઇકોર્ટમાં કરવામાં આવી હતી પરંતુ હાઇકોર્ટે અરજી રદ કરી દીધી હતી. જેમાં તાજમહલના 22 ઓરડાઓને પણ ખોલવાની માંગ કરવામાં આવી હતી. જે પણ અલાહાબાદ હાઇકોર્ટે માન્ય રાખી ન હતી. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આગ્રા નગર નિગમમાં એક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે તાજમહલનું નામ ‘તેજો મહાલય’ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તાજમહલમાં સનાતત પરંપરા સાથે જોડાયેલાં અનેક ચિહ્નો જોવા મળ્યાં હતાં, જેથી તેનું નામ ‘તેજો મહાલય’ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
દુનિયાની આઠ અજાયબીઓમાં સ્થાન પામેલો તાજમહલ કાયમ જુદા-જુદા કારણોસર ચર્ચામાં રહ્યો છે, હવે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં તેને લઈને ચર્ચા ઉઠી છે.