કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં હવે ગાંધી પરિવારના નજીકના ગણાતા મલ્લિકાર્જુન ખડગે પણ પ્રવેશ્યા છે. આજે તેમણે ચૂંટણી માટે નામાંકન કર્યું હતું. બીજી તરફ, તેમનો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેમણે પીએમ મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે, જો તેઓ ફરી વડાપ્રધાન બનશે તો દેશમાં સનાતન ધર્મનું શાસન સ્થપાય જશે.
વાયરલ વિડીયોમાં મલ્લિકાર્જુન ખડગે કહેતા સંભળાય છે કે, “સાડા ચાર પગલાં નથી ચાલ્યા અને અમને પૂછી રહ્યા છે કે શું કર્યું? આવી રીતે મોદીજીને વધુ શક્તિ મળશે તો સમજો કે ફરી આ દેશમાં સનાતન ધર્મ અને આરએસએસનું શાસન સ્થપાય જશે.”
“If Modi becomes PM again then Sanatan Dharma will rule India..We must stop him!”
— Vasudha (@WordsSlay) September 30, 2022
Mallikarjun Kharge, Congress President poll candidate pic.twitter.com/0gvjkf8dLE
મલ્લિકાર્જુન ખડગેએ આ ટિપ્પણી એક જાહેર કાર્યક્રમમાં વર્ષ 2018માં કરી હતી. જેની ક્લિપ ત્યારે પણ ખૂબ વાયરલ થઇ હતી. હાલ તેમનું આ નિવેદન ફરી વાયરલ થઇ રહ્યો છે.
હાલ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી ચર્ચામાં છે. પહેલાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને શશિ થરૂર, આ બે જ નેતાઓનાં નામો ચર્ચામાં હતાં. અશોક ગેહલોતને લગભગ અધ્યક્ષ પદે નક્કી જ માનવામાં આવી રહ્યા હતા. તેઓ પોતે પણ ચૂંટણી લડવાની પુષ્ટિ કરી ચૂક્યા હતા. પરંતુ પછી તેમણે રાજસ્થાનમાં એવો ખેલ કર્યો કે સરકાર જ જોખમમાં મૂકાઈ જાય તેવા સંજોગો સર્જાયા હતા. જેથી આખરે તેમને પડતા મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ એક પછી એક નવાં નામો ઉમેરાતાં ગયાં.
ગઈકાલે વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે પણ ચૂંટણી લડવા માટેની જાહેરાત કરી હતી, પરંતુ આજે તેમણે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. ગઈકાલે તેઓ દિલ્હી આવ્યા હતા અને નામાંકન કરવાની પણ પુષ્ટિ કરી હતી, પરંતુ આજે મલ્લિકાર્જુન ખડગેએ ઉમેદવારી કર્યા બાદ તેમણે ફેરવી તોળ્યું છે.
દિગ્વિજયસિંહે કહ્યું કે, તેઓ ચૂંટણી લડવા કરતાં મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂકશે. તેમણે કહ્યું, “હું ગઈકાલે ખડગેજીને મળ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે જો તેઓ ચૂંટણી લડવા માંગતા હોય તો હું મારુ નામ પરત ખેંચી લઈશ. પરંતુ તેમણે મને કહ્યું હતું કે તેઓ ચૂંટણી લડવાના નથી. પરંતુ આજે સવારે જાણવા મળ્યું કે તેઓ પણ રેસમાં છે. જેથી હું આજે સવારે તેમને મળ્યો હતો અને ચૂંટણી ન લડવા અંગે જાણકારી આપી હતી.
કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી માટે ઉમેદવારી કરવાની આજે છેલ્લી તારીખ હતી. ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે અને 19 ઓક્ટોબરે ગણતરી થશે.