અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ-કાર્યકરોએ એકમંદિર ના ટ્રસ્ટીને ધમકાવવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આપ કાર્યકરો મંદિરની દીવાલે પોસ્ટરો લગાવી રહ્યા હતા, જેની મનાઈ ફરમાવતાં ટ્રસ્ટીને તેમની સરકાર આવે ત્યારે જોઈ લેવાની ધમકી આપી હતી.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, અમદાવાદના મેમનગરમાં રહેતા 69 વર્ષીય દીપારામ પ્રજાપતિ સોલા ખાતે આવેલા રામાપીર મંદિર ટ્રસ્ટના પ્રમુખ છે. ગત 4 સપ્ટેમ્બરના રોજ તેઓ મંદિરમાં બેઠા હતા ત્યારે તેમણે બહારની દીવાલે કેટલાક લોકોને આમ આદમી પાર્ટીના પોસ્ટરો ચોંટાડતા જોયા હતા. ત્યારબાદ મંદિરના સિક્યુરિટી ગાર્ડે પણ તેમને મંદિરની દીવાલે પોસ્ટરો ન ચોંટાડવા માટે કહ્યું હતું.
જોકે, આમ આદમી પાર્ટીના કાર્યકરો સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરવા મંડ્યા હતા. ત્યારબાદ ટ્રસ્ટી પણ તેમની પાસે ગયા હતા અને પોસ્ટરો ન ચોંટાડવા માટે કહ્યું હતું. જે બાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.
પરંતુ થોડીવાર બાદ સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ત્રણેક લોકો મંદિરમાં ધસી આવ્યા હતા. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, “તેમણે પોતાને આમ આદમી પાર્ટીના (આપ) કાર્યકરો તરીકે ઓળખાવ્યા હતા અને પોસ્ટરો ચોંટાડવાની ના પાડવા બદલ મને ધમકી આપવા માંડ્યા હતા. તેમજ તેમની સરકાર બને ત્યારે જોઈ લેવાની ધમકી પણ આપી હતી.
રિપોર્ટ અનુસાર, આપ કાર્યકરોએ તેમને ધમકી આપતાં કહ્યું હતું કે, એકવાર અમારી સરકાર બનવા દો, પછી તમને અહીંથી ભગાડી-ભગાડીને મારીશું. એટલું જ નહીં, પરંતુ બીભત્સ ગાળો આપીને હાથ-પગ તોડી નાંખવાની પણ ધમકી આપી હતી.
તેમણે જણાવ્યું કે તેઓ એક ધાર્મિક કારણોસર વ્યસ્ત હોવાના કારણે પોલીસનો સંપર્ક કરી શક્યા ન હતા, જે બાદ ગઈકાલે (16 સપ્ટેમ્બર 2022) ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનાહિત ધમકીની કલમ હેઠળ કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત સપ્તાહે પાટણમાં પણ એક આવો જ કિસ્સો જોવા મળ્યો હતો. જ્યાં મોંઘવારી અને અન્ય સમસ્યાઓ સામે બંધનું એલાન કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો સવારની પહોરમાં દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા. જ્યાં કેટલાક દુકાનદારોએ દુકાન ખુલ્લી રાખતાં તેમની સાથે ઝપાઝપી કરી હતી.
એક દુકાનદારે દુકાન ખોલતાં કોંગ્રેસના કાર્યકરોની ટોળું ધસી આવ્યું હતું અને દુકાને જઈને ગાળાગાળી કરી, ઝપાઝપી કરી બળજબરીથી દુકાન બંધ કરાવી દીધી હતી. એ જ બજારમાં અન્ય પણ દુકાનદારો સાથે કોંગ્રેસી કાર્યકરોની બોલાચાલી થઇ હતી.
ગુજરાતમાં ચૂંટણી ટાણે એક તરફ બંને પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જનતાને વિકલ્પો પૂરા પાડવાની વાતો કરતી રહી છે ત્યાં બીજી તરફ એ જ પાર્ટીના કાર્યકરો દ્વારા આ પ્રકારની દાદાગીરી અને ગુંડાગીરી કરવાના કિસ્સા પણ સામે આવતા રહ્યા છે.