Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન, 99 વર્ષની વયે લીધા અંતિમ...

    દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન, 99 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

    શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ઘણા સમયથી બીમાર હતા, આજે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

    - Advertisement -

    દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું મધ્યપ્રદેશના નરસિંહપુરમાં નિધન થયું છે. તેમની ઉંમર 99 વર્ષની હતી. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર રહેતા હતા. આજે શનિવારે (11 સપ્ટેમ્બર 2022) બપોરે ત્રણ વાગ્યે પોતાના આશ્રમ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. 

    શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થયા બાદ દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. જાણવા મળ્યું છે કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. જેના કારણે સારવાર માટે તેમને જબલપુરની એક હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે ઝોતેશ્વર પરમહંસી આશ્રમમાં કરવામાં આવશે તેમ અહેવાલો જણાવી રહ્યા છે. તેમના પાર્થિવદેહને આજે અને આવતીકાલે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. 

    સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો જન્મ વર્ષ 1924માં મધ્યપ્રદેશના સિવની જિલ્લાના દિઘોરી ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ પોથીરામ ઉપાધ્યાય હતું. તેમણે માત્ર 9 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું અને કાશીમાં વેદો અને શાસ્ત્રોનું શિક્ષણ મેળવ્યું હતું. તેઓ સ્વતંત્રતાની લડાઈમાં પણ જોડાયા હતા અને 15 મહિના જેલમાં પણ રહી આવ્યા હતા. 

    - Advertisement -

    સ્વામી સ્વરૂપાનંદને વર્ષ 1950માં દંડી સન્યાસી બનાવવામાં આવ્યા અને વર્ષ 1981માં શંકરાચાર્યની ઉપાધિ આપવામાં આવી હતી. જે બાદ તેઓ દ્વારકા શારદાપીઠ અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય બન્યા હતા. તેમણે વર્ષ 1950માં જ્યોતિષપીઠના બ્રહ્મલીન શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ-સન્યાસની દીક્ષા મેળવી હતી અને ત્યારથી તેઓ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નામથી જાણીતા બન્યા હતા.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના નિધનથી ખૂબ દુઃખ થયું છે. તેમના અનુયાયીઓ પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી હતી.

    આદિગુરુ શંકરાચાર્યે ચાર મઠોની સ્થાપના કરી હતી

    ઉલ્લેખનીય છે કે 1300 વર્ષ પહેલાં આદિગુરુ શંકરાચાર્યે હિંદુ ધર્મના ઉત્થાન માટે અને અનુયાયીઓને સંગઠિત કરવા માટે દેશમાં જુદા-જુદા સ્થળોએ ચાર મઠોની સ્થાપના કરી હતી. જેમાં ઓરિસ્સામાં ગોવર્ધન મઠ, કર્ણાટકમાં શારદા પીઠ, ગુજરાતમાં દ્વારકા પીઠ અને ઉત્તરાખંડમાં જ્યોતિર્મઠ સ્થાપવામાં આવ્યો હતો. જેમાંથી શારદા પીઠ અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય તરીકે સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી હતા. 

    શંકરાચાર્ય હિંદુ ધર્મનું મહત્વપૂર્ણ પદ છે. જેની શરૂઆત આદિ શંકરાચાર્યથી થઇ હતી. તેઓ હિંદુ દાર્શનિક અને ધર્મગુરુ હતા. જેમને હિંદુત્વના સૌથી પ્રાચીન પ્રતિનિધિઓ પૈકીના એક માનવામાં આવે છે. તેમણે સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે ચાર ક્ષેત્રોમાં મઠ સ્થાપ્યા હતા.

    આ ચાર મઠના પ્રમુખોને શંકરાચાર્ય કહેવાય છે. આ મઠોની સ્થાપના કરીને આદિ શંકરાચાર્યે તેમાં પોતાના ચાર શિષ્યોને આસીન કર્યા હતા. ત્યારથી આ ચાર મઠોમાં શંકરાચાર્ય પદોની પરંપરા ચાલતી આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં